થોંગછી, યેસે દોરજી (Yashe Dorjee Thongchi) (જ. મે 1952, જિગાંવ, જિ. પશ્ચિમ કામેંગ, અરુણાચલ પ્રદેશ) : અસમિયા નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મૌન હોંઠ મુખર હૃદય’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અસમિયા ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, બંગાળી અને નેપાળી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે તેમની કારકિર્દી સર્કલ ઑફિસર તરીકે 1977માં શરૂ કરેલી અને હાલ તેઓ અરુણાચલ પ્રદેશ સરકારના સચિવપદે કાર્યરત છે. તેમના કૉલેજકાળ દરમિયાન ‘કામેંગ સીમાંતર સાધૌ’ નામક તેમનો પ્રથમ લોકવાર્તાસંગ્રહ પ્રગટ થયો હતો.
તેમણે કુલ 7 ગ્રંથો આપ્યા છે, તેમાં 4 નવલકથાઓ અને 3 વાર્તાસંગ્રહોનો સમાવેશ થાય છે. તેમની ‘સોનમ’ નવલકથા પરથી મોમ્પા ભાષામાં ફિલ્મ તથા ‘લિંગ્ઝિક’ પરથી દૂરદર્શન પર ધારાવાહિકનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને અસમ સાહિત્ય સભા દ્વારા ફૂલચંદ ખંડેલવાલ સંઘતિ પુરસ્કાર, વાર્તાસંગ્રહ ‘પૉપોર ફુખુરી’ માટે અસમ સાહિત્ય સભા દ્વારા વિષ્ણુ રાવ પુરસ્કાર તથા ‘મૌન હોંઠ મુખર હૃદય’ માટે રાષ્ટ્રીય ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂરના ભાષાભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મૌન હોંઠ મુખર હૃદય’ નામક નવલકથામાં અરુણાચલ પ્રદેશની જનજાતિના લોકોના જીવનની આશા અને આકાંક્ષાઓની ખૂબ જ સરળ આખ્યાનશૈલી અને આકર્ષક ભાષામાં પ્રસ્તુતિ જોવા મળે છે. તેની કથા અત્યંત મર્મસ્પર્શી અને યથાર્થપૂર્ણ છે. તેમાંના કુશળ ચરિત્રાલેખન અને સામાજિક પર્યાવરણના ચિત્રાંકનને કારણે આ કૃતિ અસમિયામાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં એક ઉલ્લેખનીય પ્રદાનરૂપ છે. તેમને અસોમ સાહિત્ય સભાનો બિશ્નુ રાભા ઍવૉર્ડ 2001માં મળ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા