થૉર્ન, કિપ (Thorne, Kip)  (જ. 1 જૂન, 1940 લોગાન, યુટાહ, યુ.એસ.એ.) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રેઈનર વિસ તથા બૅરી બૅરિશ વચ્ચે વિભાજિત થયો હતો.

કિપ થૉર્નના પિતા ભૂ-રસાયણશાસ્ત્રી તથા માતા અર્થશાસ્ત્રી હતાં. તેમણે 1962માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની પદવી તથા 1965માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા તથા કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં માત્ર 30 વર્ષની ઉંમરે પૂર્ણ પ્રાધ્યાપકનું સ્થાન મેળવ્યું હતું. અને ત્યારથી તેઓ ત્યાં જ સંશોધનોમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટી ઑવ્ યુટાહ તથા કોર્નેલ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલા હતા. 2014ની ફિલ્મ ઇન્ટરસ્ટેલરમાં તેમણે સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંતને પરિણામે ગુરુત્વાકર્ષણ તરંગોના અસ્તિત્વની જાણકારી મળી. જ્યારે પણ અત્યંત દળદાર પદાર્થો પ્રવેગાત્મક ગતિ કરે છે, ત્યારે આ તરંગો 4-પારિમાણિક અવકાશ-સમય દિકકાલમાં ઉદભવે છે. આ તરંગો અત્યંત મંદ હોય છે, જેમને પારખવા માટે LIGO (Laser Interferometer Gravitational-wave Observatory) સંસૂચક (detector) વિકસાવવામાં આવ્યું. આ સંસૂચક દ્વારા લંબાઈમાં થતા સૂક્ષ્મ ફેરફારો માપવામાં આવે છે, જે ગુરુત્વાકર્ષણ-તરંગોને લીધે ઉદભવે છે. આ સંસૂચકને વિકસાવવામાં થૉર્ન કિપે મહત્વનું પ્રદાન કર્યું છે. 2015માં પ્રથમ વખત ગુરુત્વાકર્ષણ તરંગોનું નિરીક્ષણ થયું હતું.

તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 50 વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. થૉર્ન કિપ અનેક ઇનામો તથા પુરસ્કારોથી સન્માનિત થયા છે. 2010માં તેમને યુનેસ્કોનો નીલ્સ બ્હૉર (બહોર) ચંદ્રક તથા 2019માં ગોલ્ડન પ્લેટ પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.

હાલમાં તેઓ ફાઈનમૅન પ્રોફેસર ઑવ્ થિયોરેટિકલ ફિઝિક્સ – (નિવૃત્ત) તરીકે કાર્યરત છે અને લેખન તથા વૈજ્ઞાનિક ફિલ્મનિર્માણના ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે.

પૂરવી ઝવેરી