થૉરો, હેન્રી ડેવિડ

March, 2016

થૉરો, હેન્રી ડેવિડ (જ. 13 જુલાઈ 1817, કૉન્કૉર્ડ, મૅસેચુસેટ્સ; અ. 6 મે 1862) : અમેરિકન નિબંધલેખક, રહસ્યવાદી ચિંતક અને નિસર્ગવાદી. બાળપણનાં થોડાં વર્ષો અને હાર્વર્ડ કૉલેજનાં ચાર વર્ષો સિવાય થૉરોએ આખું જીવન કૉન્કૉર્ડમાં જ ગાળ્યું જ્યાં રાલ્ફ એમર્સન, બ્રોન્સન ઑલ્કોટ, નેથેનિયલ હૉથૉર્ન જેવી વિભૂતિઓ પણ આવતી રહેતી અને ચર્ચાઓ થતી. હાર્વર્ડમાં તેમને એડવર્ડ ટાયરેલ ચેનિંગ દ્વારા લખવાની કળા અંગેનું શિક્ષણ પ્રાપ્ત થયું. જૉન વેરી પાસેથી તેમને ગ્રીક અને રહસ્યવાદી કવિઓ વિશે જાણવા મળેલું. ઑરેસ્ટિસ બ્રાઉન્સનના ઘરના નિવાસ દરમિયાન તેમણે જર્મન ભાષાનો અભ્યાસ કર્યો. થૉરોએ શરૂઆતમાં નિશાળમાં કામ કર્યું; પછી જુદી જુદી નાનીમોટી નોકરીઓ લીધી. પિતાના પેન્સિલ બનાવવાના કારખાનામાં કુશળતાભર્યું કામ કર્યું હતું. એમર્સન સાથેની મૈત્રીથી અને અન્ય અનુભવાતીતવાદીઓ(transcendentalists)ના પરિચય પછી થૉરોને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં; તેમના સામયિક ‘ધ ડાયલ’માં લેખો પ્રકટ કરવાની તક સાંપડી, જેના તંત્રી તરીકે પણ 1843માં કામ કર્યું. તેમને લેખનને વ્યવસાય તરીકે સ્વીકારવો હતો પણ ત્યારે તેમની પાસે નહોતી કોઈ કારકિર્દી કે નહોતા પૈસા; પણ મનમાં નક્કી થયું કે પોતે શિક્ષક નહિ, પણ કવિ કે લેખક થવા માટે લાયક છે. 1845માં તેમણે કૉન્કૉર્ડ ગામથી દોઢેક કિમી.ના અંતરે આવેલા વાલ્ડન સરોવર પાસેનાં જંગલોમાં જાતે જ કુટિર બાંધી અને લગભગ બે વર્ષ સુધી ત્યાં એકલા જ રહ્યા (જુલાઈ 4, 1845થી સપ્ટેમ્બર 6, 1847). તેનું ફળ તે તેમની યશોદાયી કૃતિ ’વાલ્ડન’. સરોવરકાંઠે રહેવાનો તેમનો ઉદ્દેશ જીવનમાં સાદગી લાવવાનો, ખર્ચ ઘટાડી દેવાનો અને લેખનપ્રવૃત્તિ તેમજ પ્રકૃતિનિરીક્ષણમાં સમયનો સદુપયોગ કરવાનો હતો. તે સવાર લેખન અને સ્વાધ્યાયમાં ગાળતા; બપોર પછી કૉન્કૉર્ડનાં જંગલો ને ખેતરોમાં રઝળતા અને નદી-સરોવરોમાં નાવ હંકારતા. પ્રકૃતિનાં તત્વોના બારીકાઈભર્યા નિરીક્ષણે તેમને એક અગ્રગણ્ય પર્યાવરણ-નિષ્ણાત પણ બનાવેલા. તેમના આ ગાઢ અનુભવના પરિણામે બે પુસ્તકો મળ્યાં : (1) અ વીક ઑન ધ કૉન્કૉર્ડ ઍન્ડ મેરિમૅક રિવર (1849); તેમાં તેમના ભાઈ જૉન સાથે 1839માં રો-બોટમાં કરેલી સફરનું વર્ણન તો છે, ઉપરાંત વચ્ચે વચ્ચે નિબંધો, કાવ્યો અને પોતે સંગૃહીત કરેલી કહેવતો પણ છે. (2) થૉરોની ઉત્તમ કૃતિ અને અમેરિકન સાહિત્યની શિષ્ટમાન્ય કલાકૃતિ તે ‘વાલ્ડન’ (1854) છે. સરોવરકાંઠાનાં વનોનાં વર્ણન સાથે તેમાં ઓગણીસમી સદીની મધ્યમાં પ્રવર્તમાન માનવીની જીવનરીતિ અને મૂલ્યો સામેનો પડકાર છે, જે આધુનિક જીવનરીતિ માટે પણ એટલો જ પ્રસ્તુત છે. પોતે લીધેલા માર્ગને સ્થાપિત કરવા અને સાબિત કરવા ‘વાલ્ડન’ની રચના કરેલી. તેમના અહીંના અનુભવોએ પુરવાર કરી આપ્યું કે આ વિશ્વમાં તત્વત: ઉદાત્ત કોટિનાં સત્-તત્વો વ્યાપ્ત છે.

એમર્સને તેમનાથી 14 વર્ષ નાના થૉરોમાં સાચો શિષ્ય શોધ્યો હતો. એમર્સનને માન્ય સ્વ-નિર્ભરતા તેમનામાં જણાઈ હતી. થૉરો સ્વાશ્રયી અને સ્વનિર્ભરતાના સિદ્ધાંતો સાથે વાલ્ડનકાંઠે રહ્યા હતા. બીજી બાજુ, થૉરોને એમર્સનમાં માર્ગદર્શક, પિતા અને મિત્ર મળ્યા હતા. આમ બંનેએ ઓગણીસમી સદીના અમેરિકામાં રંગદર્શિતા સાથે ભળેલી સુધારણા ધરાવતા અતિ મહત્વના સાહિત્યિક આંદોલનને વેગ આપ્યો હતો, જેમાં તર્ક કરતાં લાગણીને, ટોળા કરતાં વ્યક્તિને, માનવ કરતાં પ્રકૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

વાલ્ડનનિવાસ દરમિયાન કર નહિ ભરવાને કારણે તેમને એક રાત જેલમાં ગાળવી પડેલી, જોકે પછી સંભવત: તેમનાં કાકી મૅરીએ કર ભરી દીધો હતો. પણ આ એક રાતના જેલનિવાસે તેમને સુંદર દલીલ અને સિદ્ધાંત સ્થાપિત કરવા પ્રેર્યા. જે સરકાર ગુલામીપ્રથા નિભાવે તે સરકારને પોતે કદી ટેકો આપે નહિ, કર ભરે નહિ એવું પ્રતિપાદન કરીને તેને વિશે કૉન્કૉર્ડમાં બે વાર વ્યાખ્યાન આપેલું; તે પછીથી ‘સિવિલ ડિસોબીડિયન્સ’ નામના નિબંધ રૂપે (1849) પ્રકટ થયું. ગાંધીજીએ થૉરો પાસેથી સવિનય કાનૂનભંગ સંજ્ઞા ભારતના સ્વાતંત્ર્યઆંદોલન વખતે લીધી હતી. તે કહેતા કે નાગરિક-કાયદાથી પણ વધુ ઊંચો બીજો એક કાનૂન છે, જેને અનુસરવું તે માનવીનું કર્તવ્ય છે.

હેન્રી ડેવિડ થૉરો

જીવનનાં પાછલાં વર્ષોમાં થૉરો નિસર્ગવાદી બનતા ગયા. અનુભવાતીતવાદ પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું ગયું. વનસ્પતિશાસ્ત્રના નમૂનાઓ એકઠા કરવા લાગ્યા; પછી તો પિતાના ધંધામાં વધુ સમય ગાળવા લાગ્યા. અમેરિકાના મેઈન વિસ્તારનાં જંગલોમાં અને કૅનેડામાં પ્રવાસો ખેડ્યા. આ વિશે 1848માં ‘ધ યુનિયન મૅગેઝિન’માં લેખો પ્રકટ કર્યા, તેમજ ‘પુટનામ્સ મન્થલી’માં પણ 1853 અને 1855માં અનેક લેખો પ્રકાશિત થયા.

વળી અનુભવાતીતવાદમાં જેમ જેમ રસ ઓછો થતો ગયો તેમ તેમ થૉરો સક્રિય કાર્યકર બનતા ગયા. ખાસ કરીને તેઓ ગુલામીની પ્રથા નાબૂદ કરવાના આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. 1854માં ’સ્લેવરી ઇન મૅસેચુસેટ્સ’ વિષય પર ભાષણ આપ્યું; ગુલામીની પ્રથા વિરુદ્ધ લેખો લખ્યા. ગુલામી પ્રથાની નાબૂદી માટે ઝૂઝનાર જૉન બ્રાઉન હવે થૉરો માટે આદર્શરૂપ બન્યા; એમર્સનનો પ્રભાવ ઝાંખો થયો. બ્રાઉનને ફાંસીએ ચડાવ્યા, ત્યારે થૉરોને તીવ્ર માનસિક આઘાત લાગ્યો; પછી તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું; 1862માં તેઓ ક્ષયના રોગને કારણે મૃત્યુ પામ્યા.

થૉરોના સર્જનમાં કવિતાને પણ મહત્વનું સ્થાન છે. એમર્સને શરૂ કરેલા સામયિક ’ધ ડાયલ’ના પહેલા જ અંકમાં (જુલાઈ, 1840) ‘સિમ્પથી’ નામનું થૉરોનું કાવ્ય પ્રકટ થયેલું. ‘ટુ ધ મેડન ઇન ધી ઈસ્ટ’ જેવાં સુંદર ઊર્મિકાવ્યો પણ તેમણે આપ્યાં છે. વળી ગ્રીક કવિઓમાંથી તેમણે અનુવાદ કર્યા છે, તો પૌરસ્ત્ય ધર્મશાસ્ત્રોમાંથી પણ કેટલાક ખંડોનાં ભાષાંતર કર્યાં છે. થૉરોની મહત્તા મુખ્યત્વે તેમના વિચારોમાં રહેલી છે. માનવીએ અંત:કરણને અનુસરવું, જીવનનું ઊંચું મૂલ્ય આંકવું, પ્રકૃતિને ખોળે કલ્યાણભાવના અનુભવવી વગેરે વિચારસૂત્રો અને આ વિચારોને તેમણે સરળ, પ્રાસાદિક શૈલીમાં શબ્દસ્થ કરી લોકમાનસને તે તરફ પ્રેર્યું તે એમનું ચિરંજીવ પ્રદાન છે. તેમનો પ્રભાવ તેમનાં બે પ્રતીકાત્મક કાર્યોમાં ઝિલાયો છે : સવિનય કાનૂનભંગ પ્રેરનાર એક રાતનો જેલવાસ અને વાલ્ડનકાંઠે કુટિરમાં નિર્જનતામાં બે વર્ષનો નિવાસ.

થૉરોનાં પ્રવચનોમાં (1) સ્લેવરી ઇન મૅસેચુસેટ્સ (1854), (2) એ પ્લી ફૉર કૅપ્ટન જૉન બ્રાઉન (1859) નોંધપાત્ર છે. તેમના અવસાન બાદ પ્રસિદ્ધ થયેલ તેમનાં પુસ્તકો : ‘એક્સકર્શન્સ’ (1863); ‘ધ મેઇન વૂડ્ઝ’ (1864) અને ‘એ યાન્કી ઇન કૅનેડા’ (1866) છે.

અનિલા દલાલ