થૉમ્સન, સી. જે. (જ. 29 ડિસેમ્બર 1788, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 મે 1865 કોપનહેગન, ડેન્માર્ક) : ડેન્માર્કના કોપનહેગન નગરના સંગ્રહાલયના પ્રથમ ક્યુરેટર. તેમણે ઈ. સ. 1816થી 1865 સુધી આ સંગ્રહાલયમાં કામ કર્યું.

ડેન્માર્કમાંથી મળતી પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરીને તેનું સંગ્રહાલય બનાવી એ સંગ્રહાલય વ્યવસ્થિત કરવાનું કામ તેમણે કર્યું. આ કામ કરતાં તેમને જણાયું કે ડેન્માર્કમાં પથ્થરનાં ઓજારોના ઘાટનાં તાંબાનાં ઓજારો મળે છે. તાંબાનાં ઓજારો જેવાં લોખંડનાં ઓજારો મળે છે. એકસરખા ઘાટના જુદા જુદા પદાર્થોનાં ઓજારો બનાવવાનો હેતુ શો હશે એ બાબત વિચાર કરીને માણસો સૌપ્રથમ પથ્થરનાં ઓજારો વાપરતા હતા ત્યારબાદ તાંબાનાં ઓજારો વાપરતા હતા અને ત્યારબાદ લોખંડનાં ઓજારો વાપરતા થયા છે એવો અભિપ્રાય તેમણે બાંધ્યો. એ પ્રમાણે એમણે સંગ્રહાલય ગોઠવ્યું. તેને ત્રિકાલ યોજના કહેવાય છે. શરૂઆતમાં આ વિચારનો વિરોધ થયો, પણ ત્યારબાદ ક્ષેત્રકાર્યમાં યુરોપમાં આ વિચારને પુષ્ટિ મળે તેવાં પ્રમાણો મળવાથી તેનો સ્વીકાર થયો.

પથ્થર, તાંબું અને લોખંડનાં ઓજારોના વપરાશ મુજબ પથ્થર કે અશ્મયુગ, તામ્રયુગ, લોહયુગ આદિ નામો આજે વિશ્વના ઇતિહાસમાં વપરાય છે. સમગ્ર વિશ્વમાં અદ્યતન અન્વેષણો આ ક્રમને સ્વીકારવા માટેનાં બાધક પ્રમાણો દર્શાવે છે. તેથી તેમાં સમયાંકનની ર્દષ્ટિએ તથા ક્રમની ર્દષ્ટિએ જુદે જુદે સ્થળે ફેર પડે છે.

ર. ના. મહેતા