થૉમ્પસન, એડવર્ડ (જ. 28 સપ્ટેમ્બર 1856, વુસ્ટર, યુ.એસ.; અ. 11 મે 1935, પ્લેનફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જાણીતા પુરાતત્વવિદ. એમણે પુરાતત્વવિદ્યાની કોઈ વિધિસરની કે વ્યવસ્થિત તાલીમ લીધી ન હતી. તેમણે યુકાટનના ચિચેન ઇટ્ઝા ખાતે ખોદકામ કરીને મય સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમણે ઈ. સ. 1885થી 1909 સુધી યુકાટનમાં અમેરિકાના કૉન્સલ તરીકે ફરજ બજાવી હતી. તેઓ પોતાના ફુરસદના સમયમાં પુરાતત્વને લગતો અભ્યાસ કરતા. એમણે એક જમીનનો ટુકડો ખરીદ્યો, જેમાં ચિચેન ઇટ્ઝા સ્થળનો સમાવેશ થતો હતો. એમણે એ જમીનનો ટુકડો વૉશિંગ્ટનના કાર્નેગી ઇન્સ્ટિટ્યૂશનને ભાડાપટ્ટો કરીને આપ્યો. તે પુરાતત્વીય સંશોધનનું મુખ્ય કેન્દ્ર બન્યું; એમણે જે મહત્વની શોધો કરી એમાં ‘મય ડેટ સ્ટોન’ અને ’પવિત્ર કૂવા’નો સમાવેશ થાય છે. ‘પવિત્ર કૂવા’ વિશે પ્રાચીન લોકોમાં એવી માન્યતા હતી કે એના તળિયે વરસાદના દેવનો વાસ છે. એ દેવને પ્રસન્ન કરવા લોકો સોનું, હીરા, માણેક વગેરે કૂવામાં નાખતા અને માનવોનું બલિદાન પણ આપતા. થૉમ્પસને ‘ધ પીપલ ઑવ્ ધ સરપન્ટ’ નામનું પુસ્તક લખીને ઈ. સ. 1932માં પ્રસિદ્ધ કર્યું હતું. એ પુસ્તકમાં એમણે પોતાના કાર્ય અને અનુભવોનું વર્ણન કર્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી