થુલેસ, ડેવિડ જે. (Thouless, David J.) (જ. 21 સપ્ટેમ્બર 1934, બેર્સડેન, સ્કૉટલૅન્ડ, યુ.કે. અ. 6 એપ્રિલ 2019 કેમ્બ્રિજ, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને તથા અન્ય ભાગ માઇકલ કોસ્ટર્લિટ્ઝ અને ડન્કન હાલ્ડેનને એનાયત થયો હતો.
ડેવિડ થુલેસે યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, જ્યાં પ્રતિષ્ઠિત ન્યૂક્લિયર-ભૌતિકશાસ્ત્રી અને (નોબેલ પુરસ્કાર વિજેતા) હાન્સ બેથે તેમના માર્ગદર્શક હતા.
દ્રવ્ય વિભિન્ન પ્રાવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે, જેમ કે ઘન, પ્રવાહી કે વાયુ. અતિ નિમ્ન તાપમાને અસામાન્ય પ્રાવસ્થાઓ સંભવે છે, જેમ કે અતિવાહકતા અને અતિપ્રવાહીતા. 1970ના દાયકાની શરૂઆતમાં થુલેસ અને કોસ્ટર્લિટ્ઝે સંસ્થિતિના સિદ્ધાંત(topology)નો ઉપયોગ કરીને દ્વિ-પારિમાણિક દ્રવ્યોમાં અતિ નિમ્ન તાપમાને પ્રાવસ્થા સંક્રમણ (phase transition)ની પ્રક્રિયા વર્ણવી. તે ‘કોસ્ટર્લિટ્ઝ થુલેસ સંક્રમણ’ તરીકે ઓળખાય છે.
થુલેસે અમેરિકામાં યેલ યુનિવર્સિટીમાં તથા યુનિવર્સિટી ઑવ્ વૉશિંગ્ટનમાં સંશોધનકાર્યો હાથ ધર્યાં. યુનિવર્સિટી ઑવ્ વૉશિંગ્ટન પ્રાધ્યાપકનું પદ મેળવ્યું. તેમણે પરમાણુ, ઇલેક્ટ્રૉન તથા ન્યૂક્લિયર દ્રવ્ય પર મહત્વનાં સંશોધનો કર્યાં છે.
થુલેસને અનેક સન્માન તથા ઇનામ પ્રાપ્ત થયાં છે. તેમાં મુખ્યત્વે (ફેલો ઑવ્ રૉયલ સોસાયટી), વુલ્ફ પ્રાઇઝ, પૉલ ડિરાક ચંદ્રક તથા અમેરિકન ફિઝિકલ સોસાયટીના લાર્સ ઑન્સેન્જર ઇનામનો સમાવેશ થાય છે.
પૂરવી ઝવેરી