થિલર, મૅક્સ (જ. 30 જાન્યુઆરી 1899, પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકા; અ. 11 ઑગસ્ટ 1972, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : પીતજ્વર (yellow fever) અંગેના સંશોધન માટે 1951નું તબીબી વિદ્યા અને શરીરક્રિયા-શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તબીબી વિજ્ઞાની. તેઓ દક્ષિણ આફ્રિકાના સંશોધક તબીબ હતા. તેમણે કેપટાઉનની યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં અભ્યાસ કર્યો હતો અને લંડનની સેન્ટ ટૉમસ હૉસ્પિટલમાં તાલીમ મેળવી હતી. તેઓ 1922માં લંડનની સ્કૂલ ઑવ્ હાઇજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનમાં અભ્યાસ કરીને સ્નાતક થયા હતા.
તેમણે 1922થી 1930 સુધી હાવર્ડ મેડિકલ સ્કૂલ અને 1930થી 1964 સુધી ન્યૂયૉર્કની રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચમાં કામ કરીને મસ્તિષ્ક-મેરુરજ્જુશોથ (encephalomyelitis) તથા અન્ય રોગો કરતા વિષાણુઓનો અભ્યાસ કર્યો. મગજ (મસ્તિક, brain) અને મેરુરજ્જુ (કરોડરજ્જુ, spinal cord) – એમ બંનેમાં સોજો આવે તેવા રોગને મસ્તિક-મેરુરજ્જુશોથ કહે છે. આ રોગના અભ્યાસ માટે ઉંદર (mouse) આદર્શ પ્રાણી છે તેવું તેમણે દર્શાવ્યું. તેને કારણે પાછળથી આ રોગ સામે રસી શોધી શકાઈ. તેમના સંશોધને અલ્પક્રિયાશીલ (attenuated) વિષાણુ મેળવવાની પ્રક્રિયા શોધી આપી. તેમણે ઇડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી વ્યાપકપણે ફેલાતા, જીવનને જોખમી પીતજ્વર સામેની અસરકારક 17–D રસી શોધી હતી.
શિલીન નં. શુક્લ