થિયૉસૉફિકલ સોસાયટી : બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરતી આંતર-રાષ્ટ્રીય સંસ્થા. ‘થિયોસ’ અને ‘સોફીઆ’ એવા બે ગ્રીક શબ્દોના અર્થ છે દૈવી પ્રજ્ઞા કે બ્રહ્મવિદ્યા. થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપના 17 નવેમ્બર, 1875ના રોજ અમેરિકાના ન્યૂયૉર્કમાં રશિયન બાનુ શ્રીમતી હેલેના પેટ્રોવ્ના બ્લેવેટ્સ્કી(1831–91)એ તથા અમેરિકાના પત્રકાર ર્ક્ધાલ હેન્રી સ્ટીલ ઑલ્કોટે (1832–1907) કરી હતી.
રૂઢિચુસ્તતા, વહેમ, ધાર્મિક બદ્ધમતો, ભૌતિકવાદ અને વિજ્ઞાનની પાછળનું ગાંડપણ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રવર્તતાં હતાં. આથી નીચેના ત્રણ ઉદ્દેશોથી થિયૉસૉફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી :
(1) પ્રજા, ધર્મ, જ્ઞાતિ, જાતિ, વર્ણ કે રંગના ભેદભાવ વિના માનવજાતિનું વિશ્વબંધુત્વનું કેન્દ્ર સ્થાપવું.
(2) ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનના અભ્યાસને સમગ્રતાની ર્દષ્ટિએ ઉત્તેજન આપવું.
(3) કુદરતના નહિ સમજાયેલા નિયમોનું અને મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓનું સંશોધન કરવું.
થિયૉસૉફિકલ સોસાયટી ભારતની વિશિષ્ટ ભૂમિમાં વધુ પાંગરશે તેવા ખ્યાલથી તેનું આંતરરાષ્ટ્રીય મથક ન્યૂયૉર્કથી ખસેડીને 1879માં મુંબઈમાં લાવવામાં આવેલું. 1882થી તે ચેન્નાઈના નૈસર્ગિક રીતે રમણીય અડ્યારમાં છે.
વિશ્વના 56 દેશોમાં થિયૉસૉફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓ ચાલે છે. તેના 35,000 જેટલા સભ્યો છે. તેનું ભારત વિભાગનું કેન્દ્ર વારાણસીના કમાચ્છામાં આવેલું છે. ભારતમાં તેની 450 શાખાઓ (લૉંજો) છે અને 10,000 જેટલા સભ્યો છે.
ગુજરાતમાં થિયૉસૉફિકલ સોસાયટીનો આરંભ 1882માં ભાવનગરમાં અને વડોદરામાં થયો હતો. ગુજરાતમાં તેનું વડું મથક ભાવનગર છે. તેની 35 જેટલી શાખાઓ અને 800 જેટલા સભ્યો છે. 79 વર્ષથી તેનું મુખપત્ર ‘જ્યોતિ’ નિયમિત પ્રગટ થતું રહ્યું છે.
થિયૉસૉફિકલ સોસાયટીનો મુદ્રાલેખ છે : ‘સત્ય કરતાં કોઈ પણ ધર્મ મહાન નથી’ (सत्यान्नास्ति परो धर्म:).
વિચાર-સ્વાતંત્ર્ય એ થિયૉસૉફિકલ સોસાયટીનું પ્રધાન લક્ષણ છે. વિવિધ ધર્મોના તથા વિચારકોના વિચારો અને વૈજ્ઞાનિક સત્યો થિયૉસૉફિકલ સોસાયટીના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેમાંથી જે સ્વીકાર્ય લાગે તેનો સ્વીકાર અને અન્યનો અસ્વીકાર કરવાનું સ્વાતંત્ર્ય હોય છે.
આ સંસ્થા અલાયદો ધર્મ કે સંપ્રદાય ન બની જાય તેવું તેનું બંધારણ છે. તે સઘળા ધર્મોનાં અને વિચારકોનાં પુસ્તકોનો અભ્યાસ કરે છે. બધા મહામાનવો પ્રત્યે સમાન ર્દષ્ટિ રાખે છે અને સમસ્ત માનવજાતિને એક કુટુંબ રૂપે સ્થાપવાનો આદર્શ સેવે છે. તેમાં દાખલ થનારે પોતાનો ધર્મ, સંપ્રદાય કે પોતાની માન્યતાઓ છોડવાં પડતાં નથી. વિશ્વબંધુત્વ સિવાય તેણે કોઈ પણ માન્યતા સ્વીકારવી જરૂરી નથી. આ સંસ્થા જીવ, જગત અને ઈશ્વરનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરનારાં અને બંધુભાવની દોરીથી બંધાયેલાં અભ્યાસી અને સાધક સ્ત્રીપુરુષોનું મંડળ છે. તેમાં કોઈ વ્યક્તિ કે પુસ્તકનો અંતિમ આધાર તરીકે સ્વીકાર કરવાનો હોતો નથી.
થિયૉસૉફિકલ સોસાયટીના જે સભ્યો ‘મહાત્માઓ’ના અસ્તિત્વમાં માનતા હોય તથા જેઓ જગતના કોઈ ‘મહા-આત્મા’ના નજીકના સંબંધમાં આવવા માગતા હોય તેઓને સહાય કરવા માટે થિયૉસૉફિકલ સોસાયટીની રહસ્યશાળા (Esoteric School of Theosophy) નામની અલાયદી સંસ્થા ચાલે છે. બે કે તેથી વધુ વર્ષથી થિયૉસૉફિકલ સોસાયટીના સભ્ય હોય તેઓ તેમાં જોડાઈ શકે છે.
થિયૉસૉફિકલ સોસાયટી આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, માનવસેવા અંગેની તથા કલાવિષયક પ્રવૃત્તિઓ ચલાવે છે. તે રાજકારણમાં ભાગ લેતી નથી કેમ કે તેની નિસબત વિશ્વબંધુત્વની છે. બાળકો માટે ‘રાઉન્ડ ટેબલ’ નામની સંસ્થા તથા યુવાનો માટે ‘થિયૉસૉફિકલ યૂથ ફેડરેશન’ સંસ્થા કામ કરે છે. ભારતને સ્કાઉટની પ્રવૃત્તિની ભેટ આ સંસ્થાએ આપી હતી. વળી હરિજન બાળકોના શિક્ષણ માટેની પ્રથમ શાળા ભારતમાં આ સંસ્થાએ શરૂ કરી હતી.
1875થી 1907 કર્નલ ઑલ્કોટ, 1907થી 1933 ડૉ. ઍની બેસન્ટ, 1934થી 1945 ડૉ. જ્યૉર્જ સિડની એરન્ડેલ, 1946થી 1953 સી. જિનરાજદાસ, 1953થી 1973 એન. શ્રીરામ, 1974થી 1980 જ્હૉન કોટ્સ આ સંસ્થાના પ્રમુખપદે હતા. 1980થી શ્રીમતી રાધા બર્નિયર આ સંસ્થાનાં પ્રમુખ છે.
થિયૉસૉફિકલ સોસાયટીનું અંગ્રેજી મુખપત્ર ‘થિયૉસૉફિસ્ટ’ અડ્યાર-ચેન્નાઈથી છેક 1879થી સતત નિયમિત પ્રગટ થતું રહ્યું છે.
વીસમી સદીના મહાન દાર્શનિક જે. કૃષ્ણમૂર્તિને વિશ્વ સમક્ષ લાવવામાં થિયૉસૉફિકલ સોસાયટીના અગ્રણીઓ
ડૉ. ઍની બેસન્ટ અને બિશપ લેડબીટરનો ફાળો અનન્ય ગણાય છે.
બબાભાઈ સો. પટેલ