થાપ્પી, ધર્મરાવ

March, 2016

થાપ્પી, ધર્મરાવ (જ. 19 સપ્ટેમ્બર 1887, બહેરાનપુર, ગોદાવરી જિલ્લો; અ. 1971) : તેલુગુ લેખક. બી.એ. સુધીનું શિક્ષણ ચેન્નાઈમાં. 1936થી 1939 ચેન્નાઈના ‘જનવાણી’માં તંત્રીપદે હતા અને ‘જનવાણી’ને એમની બાહોશ કામગીરીથી પ્રતિષ્ઠા અપાવી. તે પછી ફિલ્મ માટે સંવાદ તથા ગીતરચનાનું કામ લીધું અને એમાં પણ અનેક પારિતોષિકો મેળવ્યાં. એ આંધ્રપ્રદેશ રાજ્ય અકાદમીના અધ્યક્ષપદે હતા. 1936માં તેઓ પ્રગતિવાદી લેખકમંડળમાં જોડાયેલા.

મધ્યકાલીન યુગના તેલુગુ કવિ ચેમકુર વેંકટકવિનું ‘વિજયવિલાસમુ’ કાવ્ય છે જેમાં અર્જુનનું 14 વર્ષનું ભ્રમણ અને ઉલૂપી, ચિત્રાંગદા જોડેના પ્રણયનું અને લગ્નનું નિરૂપણ છે. એમાં પાતાળ, મર્ત્યલોક તથા સ્વર્ગલોકનું ચિત્રણ છે. એ કાવ્ય પર ધર્મરાવે વિવેચનાત્મક પ્રબંધ લખ્યો. તેને માટે 1971નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક એમને મળેલું. તેલુગુ સાહિત્યના ઉત્કૃષ્ટ આલોચનાત્મક ગ્રંથ તરીકે  એનું મહત્વ ગણાય છે. તેમને આંધ્રસાહિત્યનું માનદ પદ – ‘વિશિષ્ટ સભ્યત્વ’ મળેલું. તેઓ શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલયના સેનેટ-સભ્ય હતા. તેમણે ઘણાં ચલચિત્રોમાં સંવાદો પણ લખેલા.

ચન્દ્રકાન્ત મહેતા