થાપર, રૉમેશ (જ. 1922, લાહોર; અ. 1987) : ભારતીય લેખક, પત્રકાર અને ચિંતક. પિતા દયારામ લશ્કરી અધિકારી હતા. રૉમેશ બી.એ. (ઑનર્સ) થયા પછી મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સહાયક તંત્રી તરીકે જોડાયા. સાથે એમણે પત્રકારત્વ ઉપરાંત પુસ્તકોનું લેખનકાર્ય આરંભ્યું. ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’, ‘ધ ઇન્ડિયન ડાયમેન્શન્સ’, ‘ધ પૉલિટિક્સ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ’, ‘ધ વેસ્ટ ઍન્ડ ધ વૉન્ટ – થૉટ્સ ઑન ધ ફ્યૂચર’, ‘ઍન ઇન્ડિયન ફ્યૂચર’ વગેરેના લેખક તરીકે નામના મેળવી. દસ્તાવેજી ચલચિત્રોનું સર્જન પણ કર્યું. સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર વગેરેમાં ઉચ્ચ પદાધિકારી તરીકે સેવાઓ આપીને યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે કામ કર્યું.
વર્લ્ડ ફ્યૂચર સ્ટડીઝ ફેડરેશન, ક્લબ ઑવ્ રોમ, એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. ‘સેમિનાર’ સામયિકના તંત્રી અને પ્રકાશક તરીકે મૌલિક અને ચિંતનાત્મક સાહિત્યનું સંપાદન, પ્રકાશન તેમણે કરેલું છે.
મહેશ ઠાકર