થાપણ વીમાયોજના

March, 2016

થાપણ વીમાયોજના : પોતાની બચતો થાપણોના રૂપમાં બૅંકોને સોંપવામાં રહેલાં જોખમો સામે થાપણદારોને અંશત: રક્ષણ આપવા માટે દાખલ કરવામાં આવેલી વીમાયોજના. થાપણદારો માગે ત્યારે તેમની થાપણો વ્યાજ સાથે પરત કરવાની બૅંકોની કાનૂની ફરજ હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે બૅંકો ફડચામાં જાય ત્યારે થાપણદારોને તેમની થાપણો ગુમાવવી પડે છે. આમ થાય ત્યારે ગરીબ વર્ગના નાના થાપણદારો પર તેની જે વાસ્તવિક અસર થાય તે તેની સાથે સંકળાયેલી નાણાકીય અસર કરતાં વધુ તીવ્ર હોય છે. આવા સંજોગોમાં થાપણદારોને અંશત: રક્ષણ આપવા માટે થાપણ વીમાયોજના દાખલ કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં બૅંકિંગનો વ્યવસાય કરતી પિલાઈ સેન્ટ્રલ બૅંક નામની વર્ગીકૃત બક 1960માં ફડચામાં ગઈ. થોડાક સમય પછી તે જ પ્રદેશની લક્ષ્મી બૅંક પણ તે જ રીતે ગબડી પડી. પરિણામે બૅંકોની સધ્ધરતા અંગે લોકોમાં સાર્વત્રિક શંકાનું વાતાવરણ સર્જાયું અને તેને લીધે  ભારતનો સમગ્ર બૅંકિંગ વ્યવસાય જોખમમાં મુકાયો. આવી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા તથા બૅંકિંગ વ્યવસાયમાં લોકોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે જાન્યુઆરી, 1962થી દેશમાં થાપણ વીમાયોજનાનો આરંભ કરવામાં આવ્યો અને વેપારી બૅંકોની થાપણોનો વીમો ઉતરાવવા માટે સંસદે પસાર કરેલા એક ખાસ કાયદા અન્વયે થાપણ વીમા નિગમ(Deposit Insurance Corporation)ની સ્થાપના કરવામાં આવી. 15 જુલાઈ, 1978થી આ કૉર્પોરેશન ડિપૉઝિટ  ઇન્શ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશનના નવા નામથી ઓળખાય છે.

થાપણ વીમાયોજનાનાં મુખ્ય લક્ષણો : (1) આ યોજના ભારતમાં બૅંકિંગ વ્યવસાય કરતી અનુસૂચિત તથા બિનઅનુસૂચિત વ્યાપારી બૅંકોની થાપણોને લાગુ પાડવામાં આવી છે. પછી કેટલાંક રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી બૅંકો તથા પ્રાદેશિક ગ્રામીણ બકોની થાપણોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી છે. (2) વીમા-યોજના હેઠળ આવરી લેવામાં આવેલી બધી જ બૅંકો(insured banks)ની બધા જ પ્રકારની થાપણો તેના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે. (3) શરૂઆતમાં માત્ર 10,000 રૂપિયા સુધીની થાપણોને આ યોજના હેઠળ રક્ષણ આપવામાં આવ્યું હતું; પરંતુ 1 જુલાઈ, 1980થી રક્ષણની મર્યાદા 30,000 રૂપિયા સુધી વિસ્તારવામાં આવી છે. (4) આ યોજના હેઠળની બૅંકો પોતાના થાપણદારોની રકમો પરત કરવામાં નિષ્ફળ નીવડે અથવા તેવી બૅંકોનું અન્ય બૅંકો સાથે એકીકરણ થાય તો થાપણદારોની રૂ. 30,000 સુધીની થાપણોની રકમો પરત કરવાની જવાબદારી કૉર્પોરેશન ઉપાડે છે. (5) આકારણીપાત્ર થાપણો (assessable deposits) સામે પ્રતિવર્ષ પ્રત્યેક સો રૂપિયાદીઠ ચાર પૈસાનું પ્રીમિયમ આકારવામાં આવે છે અને તેનો ભાર થાપણદારોએ નહિ, પરંતુ જે તે બૅંકે વહન કરવાનો હોય છે. આ રીતે પ્રાપ્ત કરવામાં આવેલી રકમ કૉર્પોરેશન હેઠળના થાપણ વીમાભંડોળમાં જમા કરવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે