થર્સ્ટન, એલ. એલ.

March, 2016

થર્સ્ટન, એલ. એલ. [જ. 29 મે 1887, શિકાગો, ઇલિનૉય; અ. 29 સપ્ટેમ્બર 1955, chapel Hill, North (qrolina)] : વિખ્યાત અમેરિકન મનોવિજ્ઞાની. બુદ્ધિમાપનના ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો ગણાય છે. કેળવણી કૉર્નેલ અને શિકાગો યુનિવર્સિટીમાં. ત્યારપછી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં  આઠ વર્ષ વ્યવસાય કર્યો. પછીનાં બધાં વર્ષો શિકાગો યુનિવર્સિટીમાં ગાળ્યાં. તેમના વ્યવસાય, સંશોધન અને લેખનકાર્યમાં તેમની પત્ની થેલ્મા ગ્વાઇન થર્સ્ટને સાથી-કાર્યકર તરીકે મહત્વનો ફાળો આપ્યો છે.

બુદ્ધિનું સ્વરૂપ કેવું છે, બુદ્ધિના કેટલા પ્રકારો છે, બુદ્ધિ કઈ રીતે માપી શકાય તે અંગે મનોવિજ્ઞાનીઓએ વિવિધ સિદ્ધાંતો દર્શાવ્યા છે. તેમાં સ્પિયરમૅનનો દ્વિઘટક સિદ્ધાંત અને થૉર્નડાઇકનો સમૂહ ઘટક સિદ્ધાંત મહત્વના છે. તેની સાથે થર્સ્ટનના બહુઘટક (multifactor) સિદ્ધાંતનો પણ સમાવેશ થાય છે. તેમના સિદ્ધાંત અનુસાર બુદ્ધિમાં મુખ્ય સાત ઘટકોનો સમાવેશ થાય છે :

(1) શાબ્દિક સમજ (Verbal Ability – V) : શબ્દના અર્થને સમજવાની અને તેને અસરકારક રીતે વાપરવાની શક્તિ.

(2) ગાણિતિક કે અંકશક્તિ (Number – N) : પાયાના ગાણિતિક હિસાબો ઝડપથી અને સાચી રીતે કરવાની શક્તિ.

(3) અવકાશ સંબંધની શક્તિ (Spatial – S) : અવકાશમાં રહેલા પદાર્થો સાથે વર્તવાની અને અવકાશ વચ્ચેના સંબંધોનો ઉપયોગ કરવાની શક્તિ.

(4) પ્રત્યક્ષીકરણ (Perception – P) : પદાર્થોને ઝડપથી અને ચોકસાઈપૂર્વક ઓળખી કાઢવાની શક્તિ.

(5) સ્મૃતિ (Memory – M) : માહિતી પ્રાપ્ત કરી તેનો મગજમાં સંગ્રહ કરવાની શક્તિ.

(6) તર્ક અથવા અનુમાનશક્તિ (Reasoning – R) : અમૂર્ત (abstract) સંબંધોનું પ્રત્યક્ષીકરણ કરી તેને સમસ્યાના ઉકેલ માટે ઉપયોગમાં લેવાની શક્તિ.

(7) શાબ્દિક શીઘ્રતા (Word Fluency – WF) : શબ્દો વિશે ઝડપી વિચાર કરવાની શક્તિ.

આંકડાશાસ્ત્રની ઘટક પૃથક્કરણની પદ્ધતિનો ઉપયોગ કરી થર્સ્ટને આ ઘટકો નક્કી કર્યા છે. બિનેએ બુદ્ધિની સર્વગ્રાહી શક્તિને મહત્વ આપી બુદ્ધિઆંક માપવાની કસોટીઓ તૈયાર કરી. થર્સ્ટને માનવીની વિવિધ શક્તિને અલગ કસોટીઓ દ્વારા માપવાનો અભિગમ અપનાવ્યો છે.

થર્સ્ટને મનોભૌતિક (psychophysical) પદ્ધતિમાં સુધારા કરીને મનોવલણ (attitude) માપન માટેના ક્રમિક માપદંડ (rating scale) તૈયાર કર્યા છે. મનોમાપનના ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો ગણાય છે.

થર્સ્ટને લખેલાં પુસ્તકોમાં ‘ધ નેચર ઑવ્ ઇન્ટેલિજન્સ’ (1924); ‘પ્રાયમરી મેન્ટલ એબિલિટિઝ’ (1938); ‘મલ્ટિપલ ફૅક્ટર ઍનાલિસિસ’ (1947) અને ‘ધ મેઝરમેન્ટ ઑવ્ વૅલ્યૂઝ’ (1959) જાણીતાં છે. તેમનાં પત્ની સાથે સહલેખક તરીકે લખેલ ‘ફૅક્ટોરિયલ સ્ટડીઝ ઑવ્ ઇન્ટેલિજન્સ’ (1941) ઘણું જાણીતું છે.

રજનીકાન્ત પટેલ