થર્બર, જેમ્સ [ગ્રોવર] (જ. 1894, કોલંબસ, ઓહાયો; અ. 2 નવેમ્બર 1961, ન્યૂયૉર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક, કલાકાર અને ટૂંકી વાર્તા અને નિબંધના સર્જક. ઊંચા, પાતળી દેહયષ્ટિવાળા, પરંતુ બાળપણના અકસ્માતે એક આંખ ગુમાવી બેઠેલા. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણ. વૉશિંગ્ટન ડી.સી.માં સરકારી નોકરી બાદ પૅરિસની એલચી કચેરીમાં અને ત્યારપછી ‘શિકાગો ટાઇમ્સ’, ‘ડિસ્પૅચ’ અને ‘ઈવનિંગ પોસ્ટ’માં વૃત્તાંતનિવેદક તરીકે તેમણે સેવા આપેલ. યુ.એસ.માં પરત આવ્યા બાદ 1927થી જીવનપર્યંત ‘ધ ન્યૂયૉર્કર’ (1927–61) સામયિક સાથે જોડાયેલા રહેલ. આ સામયિકમાં તેમની મોટા ભાગની કૃતિઓ સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલી. આ સામયિક અને તેના તંત્રી હેરલ્ડ રૉસ વિશે ‘ધ પર્સ વિથ રૉસ’ (1959) પ્રગટ કર્યું. વ્યંગચિત્રકાર અને લેખક તરીકે થર્બરે આંટીઘૂંટીવાળી આધુનિક દુનિયામાં જિંદગી વિતાવતા એક નેક બંદાના કૂટ પ્રશ્નોના સંઘર્ષને વ્યક્ત કર્યો છે. માનસશાસ્ત્રીય વિશ્લેષણ, સ્ત્રીપુરુષના યૌન-સંબંધ વિશેની સભાનતા, સ્વની શોધ અને વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિની જટિલ સમસ્યા ઉપર ઘણુંખરું તેમણે વક્રર્દષ્ટિથી જોયું છે. નિબંધો, રેખાચિત્રો, કાલ્પનિક બોધકથાઓ (fables) અને સ્મરણકથાઓ દ્વારા અને આમાં ઠીક લાગે ત્યાં રેખાંકન-ચિત્રો આપીને હાસ્યરસનું સાહિત્ય સર્જ્યું છે. ‘ઇઝ સેક્સ નેસેસરી ?’ (1929) નામના ઈ. બી. વ્હાઇટ સાથેના સહિયારા સર્જનમાં કહેવાતા વૈજ્ઞાનિક સ્ત્રીપુરુષયૌનસંબંધવિષયક ગ્રંથોની ઠેકડી ઉડાવી છે. ‘ધ આઉલ ઇન ધ ઍટિક ઍન્ડ અધર પર્પ્લેક્સિટીઝ’ (1931), ‘ધ સીલ ઇન ધ બેડરૂમ ઍન્ડ અધર પ્રેડિકમન્ટ્સ’ (1932) અને ‘માય લાઇફ ઍન્ડ હાર્ડ ટાઇમ્સ’(1933)માં હાસ્ય-છાંટણાંથી સભર પોતાના બાળપણ અને યુવાવસ્થાનાં સ્મરણોને તાજાં કર્યાં છે. ‘ધ મિડલ-એઇજેડ મૅન ઑન ધ ફ્લાઇંગ ટ્રપીઝ’ (1935), ‘લેટ યૉર માઇન્ડ અલોન !’ (1937)માં પ્રેરણાદાયક પુસ્તકો અને માનસશાસ્ત્રને લોકભોગ્ય બનાવતા ગ્રંથોની કટાક્ષભરી મજાક કરી છે. ‘ધ લાસ્ટ ફ્લાવર’ (1939) આધુનિક યુદ્ધ ઉપરની વેધક કટાક્ષથી સભર બોધકથા છે. ‘ફેબલ્સ ફૉર અવર ટાઇમ ઍન્ડ ફેમસ પોયમ્સ ઇલસ્ટ્રેટેડ’ (1940) અને ‘માય વર્લ્ડ ઍન્ડ વેલકમ ટુ ઇટ’(1942)માં નિબંધો, રેખાચિત્રો અને વાર્તાઓનો સમાવેશ થયો છે. ‘ધ સિક્રેટ લાઇફ ઑવ્ વૉલ્ટર મિટી’ તેમની જગપ્રસિદ્ધ ટૂંકી વાર્તા છે. તેમાં એક અતિ નમ્ર પતિના રંગીન, પલાયનવાદી, ઉટપટાંગ કલ્પનાના ઘોડાઓ કેવા ઊડે છે તેનું બયાન છે. થર્બરના ‘મૅન, વિમિન ઍન્ડ ડૉગ્ઝ’(1933)માં પોતાનાં દોરેલાં ચિત્રો–આલેખો છે. ‘ધ થર્બર કાર્નિવાલ’ (1945), ‘ધ બીસ્ટ ઇન મી ઍન્ડ અધર ઍનિમલ્સ’ (1948), ‘થર્બર કન્ટ્રી’ (1953); ‘ફર્ધર ફેબલ્સ ફૉર અવર ટાઇમ’ (1956); ‘એલાર્મ્સ ઍન્ડ ડાઇવર્ઝન્સ’ (1957), ‘લેટર્સ ઍન્ડ લાંસીસ’ (1961)માં ઝળહળતાં ર્દષ્ટાંતોથી સભર નિબંધો છે. ‘કેડોસ ઍન્ડ ક્યૂરિયોઝ’ (1962) મરણોત્તર વાર્તા અને રેખાચિત્રોનો સંગ્રહ છે. ઉપરાંત બાળકો માટે તેમણે ‘મેની મૂન્સ’ (1943); ‘ધ ગ્રેટ ક્વિલો’ (1944); ‘ધ વ્હાઇટ ડીઅર’ (1945); ‘ધ 13 ક્લૉક્સ’ (1950); ‘ધ વન્ડરફુલ ઓ’ (1957) કપોલકલ્પિત વાર્તાસંગ્રહો આપ્યા છે. એલિયટ નુજન્ટની સાથે સહલેખક તરીકે તેમણે ‘ધ મેલ ઍનિમલ’ (1940) હાસ્યપ્રધાન નાટક લખ્યું હતું. જેમાં એક અંગ્રેજ પ્રાધ્યાપક અને ભૂતપૂર્વ ફૂટબૉલના ખેલાડી વચ્ચે પ્રાધ્યાપકની પત્ની સાથેના પ્રેમ નિમિત્તે ઉદભવેલ વૈમનસ્યની કથા છે.
થર્બરનું ગદ્ય અને તેમનાં દોરેલાં રેખાંકનો હાસ્યરસથી ભરપૂર હોય છે પણ તેમાં કોઈ પણ જાતની કર્કશતા નથી. પોતાની કૃતિઓમાં વિષાદની છાયા તળે તેમણે મૌલિક ચિંતન કર્યું છે. તેમને મન હાસ્યરસ એટલે પરમશાંતિથી પોતાનાં સ્મરણોને તાજાં કરીને કહેવાયેલ એક પ્રકારની તીવ્ર લાગણીજન્ય અંધાધૂંધી. તેમનાં તરંગી પાત્રો અને પ્રાણીઓ માન્યામાં ન આવે તેવા ઊથલપાથલ કરી દેતા પ્રસંગો વચ્ચે ઘોર નિરાશામાં પણ ટટ્ટાર રહી શકે છે. તેમના આકારો ચિત્રવિચિત્ર થઈ જાય છે અને તેમને દબાઈ દબાઈને ગૂંગળામણની પરિસ્થિતિમાં જીવવું પડે છે. તે બધાં પ્રારબ્ધનાં પ્યાદાં બની જઈને અજબગજબના સંઘર્ષમાં પોતાનાં સુખ અને દુ:ખ ઉભયને સમાનભાવે સ્વીકારીને જીવતાં રહે છે. લગભગ દ્વિધામાં મૂકી દેતા આ પ્રકારના માણસોનું, નિ:સ્પૃહભાવે કૂતરાઓ વિહંગાવલોકન કરે છે. કેટલાક પ્રસંગોમાં લંપટ વૃત્તિવાળી સ્ત્રીઓ ગાયથી પણ ગભરુ અને મીણથી પણ પોચા એવા પુરુષો સાથે સંઘર્ષમાં ઊતરે છે અને તે બધા પુરુષો જિંદગીની ઘરેડમાં સ્વેચ્છાએ બંધાઈને શાંતિથી એ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે સાહસિક કાર્યો કરવાનું સ્વપ્ન સેવે છે.
વિ. પ્ર. ત્રિવેદી