થરાદ : બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે 24°થી 25° ઉ. અ. અને 71° 3’થી 71° 40’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. 45માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. 55માં થરાદ શહેર વસાવ્યું એવી અનુશ્રુતિ છે. ‘પ્રભાવકચરિત’માં તેનો ‘થારાપદ્ર’ તરીકે ઉલ્લેખ છે. નગર વસાવનાર થીરપાલના નામ ઉપરથી તે થીરપુર, થીરાડી, થીરપદ્ર તરીકે પણ ઓળખાતું હતું. વાવ સહિત આ તાલુકાનો પ્રદેશ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે.

તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર  તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં 134 ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 1357.9 ચોકિમી. છે.

થરાદના જૈન મંદિરમાં તીર્થંકરોનું સૂચક કાંસ્યકમળ (ઈ. સ.ની 16મી સદી)

સમગ્ર તાલુકો સમતળ છે. સપાટી ઉપર ભાગ્યે જ ખડકો દેખાય છે. જમીન રેતીમિશ્રિત કાંપની છે. તેમાં સેન્દ્રિય તત્ત્વનો અભાવ છે.

આ તાલુકો સમુદ્રથી દૂર આવેલો છે તેથી તેની આબોહવા વિષમ છે. ઉનાળામાં મે માસમાં દિવસનું તાપમાન 42.6° સે. થી 44° સે. રહે છે. આ તાપમાન ક્યારેક વધીને 45° સે. કે તેથી વધુ થઈ જાય છે. રાત્રિનું તાપમાન 19.6°થી 23.4° સે. રહે છે. શિયાળામાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન રહે છે. દિવસ અને રાત્રિ દરમિયાન તે અનુક્રમે 33° સે. અને 10° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 329.4 મિમી. પડે છે. વરસાદ અનિયમિત હોય છે.

આ પ્રદેશ એકંદરે સૂકો છે તેથી અહીં બાવળ, કેરડો, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસ થાય છે. આ પ્રદેશમાં ઓછો વરસાદ હોવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે અને જમીનનો કસ સચવાઈ રહે છે તેથી ઘાસ પૌષ્ટિક હોય છે.

વાવેતર નીચે 1,22,250 હેક્ટર જમીન છે. અહીંની જમીનમાં બાજરી, જુવાર, ઘઉં, મગ, અડદ વગેરે અનાજ અને રાઈ, જીરું, તલ વગેરે અન્ય પાક થાય છે. શિયાળામાં જ્યાં કૂવાના પાણીની સગવડ હોય છે ત્યાં જ ઘઉં અને જીરું થાય છે. કૂવા અને પાતાળકૂવા દ્વારા 12 %થી 17% જમીનને સિંચાઈનો લાભ મળે છે. દાંતીવાડા યોજનામાંથી નહેર દ્વારા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. 2022માં આ તાલુકાની વસ્તી અંદાજે 3,83,149 જેટલી હતી. થરાદની વસ્તી 27,000 (2022) જેટલી હતી. ચોકિમી.દીઠ વસ્તીનું પ્રમાણ 144 છે. આઝાદી પછી અને ખાસ કરીને પાકિસ્તાન સાથે યુદ્ધો થયા પછી રસ્તાઓનો વિકાસ થયો છે. 266.41 કિમી.ના પાકા તથા કાચા રસ્તા છે.

થરાદ શહેર 24° 24’ ઉ. અ. અને 71° 38’ પૂ. રે. ઉપર આવેલું છે. ડીસા અહીંથી 60 કિમી. અને પાલનપુર 90 કિમી. છે.

અહીં અઢારથી વીસમી સદી દરમિયાન બંધાયેલાં 11 જૈન મંદિરો છે. તે પૈકી કેટલાંક મંદિરોમાં આઠમી સદીની મૂર્તિઓ છે. રત્નસિંહ ચૌહાણે બંધાવેલું નાન કે નારણદેવીનું મંદિર બારમી સદીનું છે. ભૂતકાળમાં થરાદ  નગર જૈન ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર હતું.

થરાદ આઝાદી પૂર્વે દેશી રાજ્ય હતું. દસમી સદી સુધી અહીં પરમારોનું અને ત્યારબાદ 1304 સુધી સોલંકી અને ચૌહાણોનું રાજ્ય હતું. ત્યાર બાદ થરાદનો પ્રદેશ ગુજરાતના સુલતાનો (1403–1573) અને મુઘલો અને લોહાણી વંશ તથા બાબી વંશ નીચે હતો. રાધનપુરના નવાબ કમાલુદ્દીને મોરવાડાના ખાનજી વાઘેલાને તેની સારી સેવા બદલ થરાદની જાગીર 1795માં આપી હતી. ત્યારથી 1947 સુધી આ વંશના રાજાઓનું અહીં શાસન હતું. 1921માં છેલ્લા રાજા ભીમસિંહ ગાદીએ બેઠા. ગેરવહીવટને કારણે 1939થી અહીં વહીવટદાર નીમીને ભારત સરકારે વહીવટ હસ્તગત કર્યો હતો.

શિવપ્રસાદ રાજગોર