થરમૉસ : લાંબા સમય સુધી પ્રવાહીને ગરમ કે ઠંડું રાખનાર પાત્ર. તેને ડ્યૂઅર પાત્ર અથવા નિર્વાતપાત્ર (vacuum flask) પણ કહે છે. તેની શોધ અંગ્રેજ રસાયણવિજ્ઞાની સર જેમ્સ ડ્યૂઅરે 1892માં કરી હતી.
સામાન્ય રીતે થરમૉસ ફ્લાસ્ક સાંકડા કે પહોળા નળાકાર સ્વરૂપમાં હોય છે. ફ્લાસ્કના બહારના ખોખાની અંદરના ભાગમાં એકની અંદર બીજી એમ કાચની બે શીશી રાખેલ હોય છે, જેમનું કદ આશરે 60 મિલી.થી 60 લિટર સુધીનું હોય છે. કાચ ઉષ્માનો મંદવાહક હોવાથી ઉષ્માવહન ઓછું થાય છે. આ બંને શીશીને ઉપરથી પિગાળીને એકબીજી સાથે જોડેલી હોય છે. તેમની વચ્ચે રહેલી હવાને વાયુશોષક પંપ વડે શોષી લઈ, નાના શંકુ આકારમાં છેડા બંધ કરી દેવામાં આવે છે. આમ, શીશીઓની વચ્ચે આંશિક શૂન્યાવકાશ સર્જાતાં, ઉષ્માનયન દ્વારા થતો ઉષ્માવિનિમય ઘટે છે. જો કોઈ સંજોગોમાં આ પૉઇન્ટ તૂટી જાય તો બંને શીશીની વચ્ચે હવા દાખલ થાય છે. તેથી થરમૉસ નકામું બની જાય છે તેથી પૉઇન્ટની જાળવણી માટે સ્પ્રિંગ અને ગાદીની રચના હોય છે. પૉઇન્ટ તૂટી જતાં કાચનો નવો ફ્લાસ્ક નાખીને થરમૉસને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. બહારના પાત્રની બહારની સપાટી અને અંદરના પાત્રની અંદરની સપાટી ચળકતી હોય છે, જેથી તે અરીસાની જેમ વર્તીને સપાટી પર અંદરથી કે બહારથી આપાત થતી ઉષ્માનું પરાવર્તન કરે છે.

થરમૉસ : (1) બહારનું ધાતુનું પાત્ર, (2) બહારની કાચની બાટલી, (3) શૂન્યાવકાશ, (4) અંદરની બાટલી, (5) ધક્કો કે આંચકો ઝીલી શકે તે ભાગ, (6) બૂચ, (7) ઢાંકણું, (8) હવા શોષી લીધા પછી બંધ કરેલો છેડો.
આમ વિકિરણથી થતો ઉષ્માનો વિનિમય પણ ખૂબ ઘટે છે. આ કારણોથી થરમૉસમાં અંદરથી બહારની તરફ જતી ઉષ્મા કે બહારથી અંદરની તરફ આવતી ઉષ્મા નહિવત્ હોય છે. તેથી, તેની અંદર રાખવામાં આવેલું પ્રવાહી લાંબા સમય સુધી ગરમ કે ઠંડું રહે છે. કાચની આ શીશીને ધાતુ કે પ્લાસ્ટિકના આવરણપાત્ર ખોખામાં રાખવામાં આવે છે. ફ્લાસ્કના કાંઠલાના ભાગમાં રબરનો ‘કૉલર’ પાત્રોને તેમના સ્થાનમાં જકડી રાખે છે. વળી, ફ્લાસ્કનું ઉપરનું મુખ પણ નાના વ્યાસનું હોય છે, તેથી તેની મારફતે પણ ઉષ્માની આપલે ઓછી થાય છે. વિશેષમાં તેને ઉષ્માના મંદવાહક બૂચ કે પ્લાસ્ટિકના દાટા વડે બંધ રાખવામાં આવે છે.
થરમૉસનો ઉપયોગ સામાન્ય રીતે ઝડપથી બગડી જતાં દૂધ, ચા, કૉફી, ફળોના રસ વગેરેને લાંબા સમય સુધી ગરમ કે ઠંડાં રાખવા માટે થાય છે. વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે રસાયણો અને દવાઓનો સંગ્રહ કરવા, પેશી અને માનવઅંગો તેમજ ‘બ્લડપ્લાઝ્મા’ને સુરક્ષિત રાખવા માટે તેનો ઉપયોગ થાય છે.
નીરવ લવિંગીયા