થંગરાજ, પીટર (જ. 1936, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 24 નવેમ્બર 2008, બોકારો, ઇન્ડિયા) : ફૂટબૉલના શ્રેષ્ઠ ભારતીય ખેલાડીમાંના એક. તેમણે ભારત વતી 1962માં જાકાર્તા મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના શ્રેષ્ઠ દેખાવને કારણે ભારત સુવર્ણચંદ્રક મેળવવામાં સફળ રહ્યું હતું. તે સમયે ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયા ખંડમાં ફૂટબૉલના શ્રેષ્ઠ ગોલકીપર તરીકે તેમની ગણના થતી હતી. નાનપણથી જ પીટર થંગરાજને ફૂટબૉલ રમવાનો શોખ હતો. ફૂટબૉલમાં ‘ગોલકીપર’ની ‘પોઝિશન’ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે અંતિમ રક્ષક અને પ્રથમ આક્રમક ગણાય છે. એની સામાન્ય ભૂલને કારણે સામા પક્ષનો ગોલ થઈ શકે છે અને તેને કારણે પોતાની ટુકડી હારી શકે છે. પીટર થંગરાજે ગોલકીપર તરીકે આ ફરજ વર્ષો સુધી કુશળતાથી નિભાવી હતી. ફૂટબૉલમાં સફળ ગોલકીપર બનવા માટે ચપળતા, સશક્ત શરીર, ત્વરિત નિર્ણયશક્તિ અને સાહસની જરૂર પડે છે. ફૂટબૉલના ખૂબ જ ઓછા ખેલાડીઓ સફળ ગોલકીપર બની શકે છે. પીટર થંગરાજમાં આ બધી જ વિશેષતાઓ હતી. લાંબા સમય સુધી ભારતીય ટીમમાં સફળ ગોલકીપર તરીકે સિદ્ધિ મેળવવાને કારણે 1967માં તેમને ભારત સરકાર તરફથી અર્જુન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતમાં રમતગમતક્ષેત્રે અર્જુન ઍવૉર્ડ એ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. આજે પણ ફૂટબૉલમાં સફળ ગોલકીપર તરીકે પીટર થંગરાજનો દાખલો આપવામાં આવે છે.
પ્રભુદયાલ શર્મા