ત્વચાસ્ફોટ (skin rash) : ચામડી પર ડાઘ, ફોલ્લી કે ફોલ્લા થવા તે. ચામડી પરના દોષવિસ્તારો(lesions) નરી આંખે જોઈ શકાય છે. તેથી ત્વચાવિદ્યા(dermatology)ને નિદાનર્દષ્ટિની વિશેષવિદ્યા (visual speciality) પણ કહે છે. નિરીક્ષણ માટે દિવસનો પૂરતો સૂર્યપ્રકાશ અથવા તેના જેવો જ તેજસ્વી (fluorescent) પ્રકાશ જરૂરી ગણાય છે. ક્યારેક નાના દબાયેલા કે ઊપસેલા દોષવિસ્તારોને પારખવા માટે અંધારા ખંડમાં પારજાંબલી પ્રકાશ વડે નિરીક્ષણ કરાય છે. માથાથી પગના અંગૂઠા સુધીની ચામડીનું પરીક્ષણ કરાય છે. તેથી બાહ્યાવરણ(integument)ના અન્ય ભાગો જેવા કે નખ અને વાળ તથા મોં, નાક, પોપચાં વગેરેની અંદરની સપાટીનું પણ નિરીક્ષણ કરાય છે.
ચામડી પરના સ્ફોટના પ્રકાર અને સ્થાન પરથી અનેક જુદા જુદા રોગોનું નિદાન કરાય છે. ચામડી પરના દોષવિસ્તારો બે પ્રકારના હોય છે. પ્રારંભિક અને આનુષંગિક રોગ કે ઈજાને કારણે થતા ડાઘ, ફોલ્લી કે ફોલ્લા ચામડીની પ્રારંભિક વિકૃતિઓ છે; જ્યારે ખૂજલીને કારણે પડતા ઉઝરડા, ફોલ્લામાં ચેપને કારણે થતું પરુ વગેરે પાછળથી ઉદભવતા આનુષંગિક વિકારો છે. ચામડીના સ્ફોટના પ્રકારો અને તેમના મુખ્ય રોગો સારણી 1માં દર્શાવ્યા છે.
ચામડી પરના સુનિશ્ચિત કિનારીવાળા રંગીન વિસ્તારોને ત્વકડાઘ(macules) કહે છે. તેની સપાટી ઊપસેલી કે દબાઈ ગયેલી હોતી નથી. ચામડી પરના 1 સેમી. કે તેથી ઓછી જાડાઈના ઊપસેલા નાના વિસ્તારને ત્વક્ફોલ્લી (papule) અને મોટા વિસ્તારને ચકતી (Pluque) કહે છે. ફોલ્લીઓ અને ચકતીઓનો રંગ ક્યારેક બદલાયેલો હોય છે. ઘણી વખત આ ત્વક્ડાઘ અને ત્વક્ફોલ્લીઓ સાથે હોય તો તેને ડાઘ-ફોલ્લીકારી (maculopapular) સ્ફોટ કહે છે. ફોલ્લી તથા ચકતીમાં ચામડીનું ઉપલું સ્તર, જેને અધિત્વચા (epidermis) કહે છે તે, ઊપસેલું હોય છે. ચામડીની ત્વચા (dermis) અને અધિત્વચા એમ બંને ભાગોમાં જ્યારે સોજો આવે અને તે ભાગ ઊપસી આવે તો તેને ત્વક્શોથ (wheal) કહે છે. ચામડીના ઉપલા સ્તરમાં પ્રવાહી ભરેલી નાની ફોલ્લી થાય તો તેને સજલફોલ્લી (vesicle) કહે છે અને જ્યારે તે 0.5 સેમી. કે વધુ મોટી હોય તો તેને સજલફોલ્લો અથવા ત્વક્ફોલ્લો (bulla) કહે છે. સજલફોલ્લીમાં પરુ ભરાય ત્યારે તેને સપૂયફોલ્લી (pustule) કહે છે.
અધિત્વચાના ઉપલા પડ પરના કોષો ઊખડી જાય તેને ઉઝરડા (erosion) કહે છે. જ્યારે ત્વચાની અંદર ઊંડા ઊતરતા દોષવિસ્તારને ચાંદું અથવા વ્રણ (ulcer) કહે છે. ચામડી પર લોહીના ઘટકો અને કોષોથી બનતા પડને પોપડો (crust) કહે છે. ત્વચાની અંદર નાની ગાંઠ થાય તો તેને ગંડિકા(nodule) કહે છે. અધિત્વચા પાતળી થાય તો તેને ચામડીની ક્ષીણતા (atrophy) કહે છે. ઘાવ રુઝાય ત્યારે તંતુઓ વડે રૂઝપેશી (scar) બને છે. અગાઉ શીતળાના રોગમાં ફોલ્લા રુઝાય તે પછી થતી રૂઝપેશીમાં ને ક્યારેક શીતળા થયા પછી ચહેરા પર ખાડા થતા હતા. તેને ક્ષીણરૂઝપેશી(atrophic scar) કહે છે. ક્યારેક દાઝ્યા પછી થતી રૂઝપેશી ઊપસી આવે છે. તેને અતિવૃદ્ધિજન્ય(hypertrophic) રુઝપેશી કહે છે.
ચામડી પરના ત્વક્ડાઘ, ત્વક્ફોલ્લીઓ, ત્વક્ડાઘફોલ્લીઓ, સજલફોલ્લીઓ, સપૂયફોલ્લી, સજલફોલ્લાને ચામડી પરના સ્ફોટ કહે છે; જ્યારે ઉઝરડા, ચાંદાં, ગંડિકાઓ, રૂઝપેશી વગેરેને ચામડી પરના અન્ય દોષવિસ્તારો કહે છે. શીળસ (urticaria) પ્રકારની ઍલર્જી થાય ત્યારે ત્વક્શોથ (wheal) અને રક્તિમા(erythema)ને કારણે લાલ રંગનાં ઢીમડાં થાય છે. તે પણ એક પ્રકારનો ત્વક્સ્ફોટ છે.
સારણી 1 : ચામડી પરના કેટલાક સ્ફોટ (eruptions) અને તેનાં મહત્વનાં કારણો
સ્ફોટ | દોષવિસ્તારનું
વર્ણન |
કેટલાંક ઉદાહરણરૂપ
કારણો |
|
1. | ત્વક્ડાઘ-ફોલ્લીઓ
(maculopapules) |
ચામડી પર ડાઘા,
રતાશ તથા રક્તિમા (erythema) પ્રવાહી વગરની ફોલ્લીઓ. |
વિષાણુજન્ય ચેપ,
દવાની ઍલર્જી, વાહિનીશોથ (vasculitis), રુધિરછાંટ (purpura) વગેરે. |
2. | ત્વક્ફોલ્લી-
ત્વક્ચકતીઓ (papule squmous) |
પ્રવાહી વગરની
ફોલ્લીઓ, ચકતીઓ તથા પોપડીઓ- (scales)વાળી રતાશ. |
સોરાયસિસ,
પિટ્રીઆસીસ, રોઝીઆ, લાયકન પ્લેનસ, માયકોસિસ ફન્ગોડિસ, સિફિસિસ, દવાની ઍલર્જી વગેરે. |
3. | સજલફોલ્લી-ફોલ્લા;
(vesiculo- bullous) સ્ફોટ |
પ્રવાહી ભરેલી
ફોલ્લીઓ, ફોલ્લાઓ તથા ક્યારેક રતાશ. |
બરો મૂતરવો(herpes
simplex), શીતળા, અછબડા, મચ્છર કે જંતુનો ડંખ, ફટકિયો વા (impetigo) તથા ચામડીના અન્ય રોગ જેવા કે પૅમ્ફિગસ વગેરે. |
4. | સપૂય ફોલ્લીઓ
(pustules) |
પરુ ભરેલી
ફોલ્લીઓ કે કોષ્ઠ (cyst) અને રતાશ. |
પાકી ગયેલા ખીલ,
કેશમૂળ શોથ (follocylitis). |
5. | શીળસ
(urticaria) |
ચામડીનો સોજો
(ત્વક્શોથ), રતાશ, પોપડીઓ (scales) વગેરે. |
ઍલર્જીજન્ય
શીળસ વગેરે. |
શિલીન. નં. શુક્લ
દીપા ભટ્ટ