ત્વચાશોથ (dermatitis) : ચામડીનો શોથજન્ય(inflamatory) વિકાર. ચેપ, ઈજા કે ઍલર્જીને કારણે પેશીમાં જ્યારે લોહી તથા પેશીના રક્ષક કોષોના ભરાવાથી રતાશ, ગરમી, સોજો અને દુખાવો થાય ત્યારે તેને શોથ(inflammation) કહે છે. સામાન્ય રીતે તેની મદદથી જે તે પેશીની ઈજાને રુઝવવાની પ્રક્રિયા થાય છે. ચામડીમાં આવતો શોથનો વિકાર મુખ્યત્વે ચેપ અથવા ઍલર્જીથી થાય છે. ચામડીના વિકારોના લગભગ અર્ધા-ભાગના વિકારોમાં ઉગ્ર કે લાંબા સમયનો ત્વચાશોથ થયેલો હોય છે.
ત્વચાશોથમાં સામાન્ય રીતે ક્રમશ: કેટલાંક ચિહનો ઉદભવે છે : (1) ચામડીની લાલાશ અને સોજો. તેને અનુક્રમે રક્તિમા (erythema) અને શોથ(swelling) કહે છે. (2) ત્યારબાદ તેમાંથી કાં તો પ્રવાહી ઝરે છે (oozing) અથવા તેમાં પ્રવાહી ભરેલી સજલ ફોલ્લીઓ(vesicles) થાય છે અથવા તે બંને થાય છે. (3) પાછળથી તેમાં પોપડીઓ(crusts) બાઝે છે કે કોષપોપડીઓ (scales) ઊખડે છે. (4) લાંબા સમયે વારંવાર ચામડીનાં પડ ઊખડી જાય છે. (5) છેલ્લે તે સ્થળે ગાઢા રંગનો ડાઘો પડે છે. (hyperpigmentation), ત્વક્ફોલ્લીઓ (papules) થાય છે અથવા ત્વક્ચક્તીકાઠિન્ય (lichenization) થાય છે. પ્રથમ ત્રણ તબક્કા ઉગ્ર(acute) ત્વચાશોથના છે, જ્યારે દીર્ઘકાલી ત્વચાશોથમાં પાછલા બે તબક્કા પણ જોવા મળે છે.
ત્વચાશોથનું કોઈ વ્યવસ્થિત વર્ગીકરણ ઉપલબ્ધ નથી; પરંતુ તેને સંસર્ગજન્ય ત્વચાશોથ(contact dermatitis), સ્વગત-સંવેદિતાજન્ય (atopic) ત્વચાશોથ, અતિત્વક્તૈલી (seborrhoeic), ત્વચાશોથ વગેરે વિવિધ મુખ્ય જૂથોમાં વહેંચી શકાય છે.
સંસર્ગજન્ય(contact) ત્વચાશોથ : તે બાહ્ય પદાર્થો, ખાસ કરીને ધાતુઓ અને રસાયણના સંસર્ગથી થતો ચામડીનો વિકાર છે. તેથી તે ચહેરો, હાથ, છાતીનો ઉપલો ભાગ વગેરે સ્થળે જોવા મળે છે. જો સીધી રેખા કે નાના નાના ભાગ પર ત્વચાશોથ થયો હોય તો તેને માટે કોઈ રસાયણ કારણભૂત હોય છે. ક્યારેક તે વ્યાપકપણે ફેલાયેલો હોય છે. ઘણી વખત રસાયણોથી થતી ઍલર્જી કે પ્રકાશ-સંવેદિતા(photosensitization)થી પણ તે થાય છે; દા. ત., સલ્ફોનેમાઇડ, ક્લોરથાયેઝાઇડ, ક્વિનિડિન, ગ્રિસોફેલ્વિન વગેરે. સંસર્ગજન્ય ત્વચાશોથ અને પ્રકાશસંવેદિતામાં માથાનો વાળવાળો ભાગ ભાગ્યે જ અસરગ્રસ્ત થાય છે. ઘણી વખત આ પ્રકારનો વિકાર વ્યવસાયને કારણે ઉદભવતા રાસાયણિક સંસર્ગથી પણ થાય છે. નુકસાનકારક દ્રવ્યથી દૂર જવાનું સૂચવાય છે તથા જરૂર પડ્યે સ્થાનિક કોર્ટિકોસ્ટીરોઇડ વડે સારવાર કરાય છે.
ઍલર્જિક ત્વચાશોથ (allergic dermatitis) : ચામડીમાં રસાયણો કે સજીવોના પ્રોટીન સામે પ્રતિરક્ષાલક્ષી (immunological) રાસાયણિક સ્વરક્ષણની પ્રક્રિયા થાય ત્યારે ત્વચાશોથ થાય છે. ક્યારેક આવો વિકાર પ્રતિરક્ષાલક્ષી તંત્રના વિકારને કારણે પણ બને છે. દરેક વખતે બાહ્ય પ્રોટીન સામેનો પ્રતિકાર શરીરનું રક્ષણ ન પણ કરે અને ક્યારેક તેને હાનિ પણ પહોંચાડે છે. બાહ્ય પદાર્થો તરફની આવી અતિશય સંવેદનશીલતાને અતિસંવેદિતા(hypersensitivity) કહે છે; જ્યારે આવી અતિસંવેદનશીલતા વ્યક્તિના બંધારણમાં કૌટુંબિક રૂપે આવી હોય તો તેને બંધારણીય અતિસંવેદિતા અથવા સ્વગતસંવેદિતા(atopy) કહે છે. ચામડીમાં થતા શોથનું તે એક મહત્વનું કારણ છે. તેનાથી થતા શોથને સ્વગતસંવેદિત ત્વચાશોથ (atopic dermatitis) કહે છે. આવા દર્દીના કુટુંબમાં ઍલર્જિક તાવ(hay fever), દમ, ઍલર્જિક ત્વચાદોષ (dermatosis), ખરજવું વગેરે જોવા મળે છે. આવા વિકારવાળી વ્યક્તિની ચામડી પર શક્ય ઍલર્જન દ્રવ્યવાળી સોયથી ઘસરકો કરવાથી ચામડીના પડમાં લાલાશ અને સોજો, એટલે કે ત્વચાશોથ (wheal), થાય છે. આમ સ્વગતસંવેદિતાવાળી વ્યક્તિમાં ઍલર્જન (allergen) વડે કરાતી ઉપર વર્ણવેલી ઉઝરડા-કસોટી(scratch test) હકારાત્મક પરિણામ આપે છે. આવા દર્દીઓના લોહીમાં ઇઓસીનરાગી શ્વેતકોષો(eosinophils)નું પ્રમાણ વધુ હોય છે. તેઓનો ઠંડી, ગરમી, ભેજ, ઈજા, લાગણીના તણાવ અને ચેપની સામેનો પ્રતિભાવ અસામાન્ય હોય છે. અને ઘણી વખત પેનેસિલીન કે અન્ય દવાઓ સામેનો ઍલર્જીજન્ય પ્રતિભાવ એટલો બધો હોય છે કે ક્યારેક તેઓ મૃત્યુ પણ પામે છે. સ્વગત સંવેદિતાજન્ય ત્વચાશોથનો વિકાર સમાજમાં વ્યાપકપણે જોવા મળે છે. નાનાં બાળકોમાં તે શિશુલક્ષી ખરજવા(infantile eczama) રૂપે જોવા મળે છે. તેમાં શરૂઆતમાં ગાલ પર લાલ ફોલ્લીઓ, પ્રવાહી ભરેલી ફોલ્લીઓ, પ્રવાહી ઝરતા અને પોપડા બાઝતા દોષવિસ્તારો(lesions) અને ખૂજલી થાય છે. તે ચહેરા પર બધે ફેલાય છે. ક્યારેક તે વાળવાળા ભાગો, હાથ, પગ વગેરેમાં પણ ફેલાય છે. ક્યારેક આ વિકાર ઉંમર વધવા સાથે પણ શમતો નથી અને મોટી ઉંમરે કોઈ એક ભાગ પર ખરજવા રૂપે રહી પણ જાય છે. આ વિકાર વારંવાર ઊભરાય છે અને શમે છે. તેની સારવાર રૂપે તાપમાનની આત્યંતિકતા (extremes of temperatures) અને ભેજ ન રહે તે જોવાય છે. બાળકને હળવાં અને મુલાયમ કપડાં પહેરાવાય છે. તેનાં ભીનાં થયેલાં કપડાં અને ચાદરને તરત બદલી કઢાય છે. ખોરાક, સાબુ, પાઉડરની ઍલર્જી હોય તો તેનો ઉપયોગ બંધ કરાય છે. તેથી આસપાસનું વાતાવરણ ધૂળ વગરનું રખાય છે. ચામડીમાં ચેપ ન લાગે તેની સંભાળ રખાય છે. જરૂર પડ્યે મૃદુતાકારક તેલ તથા કોર્ટિકોસ્ટીરોઇડનો મલમ વપરાય છે. યુવાવયે તથા પુખ્તવયે ક્યારેક મોં વાટે કે ઇન્જેક્શન દ્વારા કોર્ટિકોસ્ટીરોઇડ અને કોર્ટિકોટ્રોફિન અપાય છે. હાલ કોર્ટિકૉસ્ટીરોઇડ આપતાં પહેલાં અતિ જરૂરી ચરબીના તેલનો લેપ કે મુખમાર્ગી પ્રયોગ કરવામાં આવે છે. આ વિકાર કાયમ માટે ભાગ્યે જ મટે છે.
ચેપજન્ય ત્વચાશોથ (infective dermatitis) : સૂક્ષ્મજીવો, ખાસ કરીને જીવાણુઓ (bacteria) વડે થતા ચામડીના ચેપથી ત્વચાશોથ થાય છે. તેવી જ રીતે હર્પિસ-જૂથના વિષાણુઓ ચામડીમાં પ્રવાહી ભરેલી સજલ ફોલ્લી કે પ્રવાહી ભરેલા ફોલ્લાવાળો વિકાર કરે છે. મોંમાં તથા હોઠની આસપાસ થતા ફોલ્લાને ‘બરો મૂતરી જવો’ કહે છે. તે હર્પિસ-સિમ્પેક્સ નામના વિષાણુથી થાય છે. આવો જ વિકાર સ્ત્રીઓની યોનિમાં પણ થાય છે. અછબડા (chicken pox) અને હર્પિસ-ઝોસ્ટરમાં ફોલ્લા થાય છે. તેમાં વિષાણુઓ ચેતાતંતુઓના છેડામાં રહેલા હોય છે. ચામડીમાં થતો ફોલ્લાકારી ત્વચાશોથ (dermatitis herpetiformis) નામનો રોગ વિષાણુજન્ય ચેપ અથવા ઍલર્જીને કારણે થાય છે. તેની સારવાર ઘણી વખત મુશ્કેલ બને છે. બળતરા ઘટાડતા પ્રવાહીનો લેપ, સલ્ફા કે પેનિસિલીન જેવી ઍન્ટિબાયૉટિકનો મલમ અને જરૂર પડ્યે કોર્ટિકોસ્ટિરોઇડનો સ્થાનિક મલમ કે મોઢા વાટે આપીને બહુતંત્રીય(systemic) ઉપયોગ કરાય છે.
પ્રકીર્ણ (miscellaneous) ત્વચાશોથ : ક્યારેક મોં, માથું, છાતીના આગળના કે પાછળના ભાગ પર તથા બગલ કે જાંઘના ખાંચામાં પોપડાવાળી લાલાશ સાથે સ્ફોટ(erruption) થાય છે. જ્યાં જ્યાં ચામડીમાં ત્વક્તૈલગ્રંથિઓ(sebaceous glands) વધુ હોય ત્યાં તે થાય છે. તેથી તેને અતિતૈલી ત્વચાશોથ (seborrhoeic dermatitis) કહે છે. તે શારીરિક બંધારણ, અંત:સ્રાવી (endocrinal) વિકારો, ખોરાકનાં પરિબળો અને વાતાવરણનાં પરિબળોને કારણે થાય છે. દવાઓથી થતા ત્વચાશોથને ઔષધીય ત્વચાશોથ (dermatitis medicamautosa) કહે છે. ક્યારેક કેટલાક ચામડી પર લગાડેલા કે તેના સંસર્ગમાં આવેલા પદાર્થો ચામડીની પ્રકાશ-સંવેદિતા(photosensitivity) વધારે છે અને ત્યારે પણ ત્વચાશોથ થાય છે.
શિલીન નં. શુક્લ
દીપા ભટ્ટ