ત્ર્યંબક : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈર્ઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 7876 (1991) છે.
પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર તરીકે જાણીતું થયું. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ –આ ત્રણે દેવતાઓનું પ્રતીક ગણાય છે. ત્ર્યંબકેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણાં મંદિરો છે; જેમાં શ્રીકૃષ્ણ, શ્રીરામ, પરશુરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિરો મુખ્ય છે. ગામની ઉત્તરે આશરે એક કિમી. અંતરે નીલપર્વત નામની એક ટેકરી છે જેના પર નીલાંબિકા દેવીનું મંદિર છે.
બ્રહ્મગિરિ નામક જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે તે પર્વત ગોદાવરી નદીનું ઉદગમસ્થાન છે. પર્વત પર એક કિલ્લો પણ છે. પર્વતના ઢાળ પર નાથપંથીઓનો મઠ છે જ્યાં નાસિકના કુંભમેળા સમયે નાથપંથના અનુયાયીઓ ભેગા થાય છે. પર્વતની તળેટીએ જ ગંગાસાગર નામક જળાશયના પશ્ચિમ તરફના તટ પર જ્ઞાનેશ્વરના મોટા ભાઈ નિવૃત્તિનાથની સમાધિ છે.
કારતક પૂનમ, નિવૃત્તિનાથની પુણ્યતિથિ, પોષ વદ એકાદશી અને માઘ માસની શિવરાત્રી – દિવસોએ આ ગામમાં મોટા મેળા ભરાય છે. 1866થી ગામની નગરપાલિકા સ્થપાઈ. હવે આ ગામમાં શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ગ્રંથાલય, નગરગૃહ, નગર-ઉદ્યાન વગેરે અદ્યતન સુવિધાઓ છે.
ત્ર્યંબકેશ્વરના મંદિર વિશે ઘણી પુરાણકથાઓ પ્રચલિત છે. આ મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. મંદિરનો કુલ વિસ્તાર 80.7 × 66.91 મી. છે. તેની આસપાસના કોટનો વિસ્તાર 80.77 × 66.45 મી. જેટલો છે. મંદિરમાંના શિવલિંગની વિશેષતા એ છે કે તે પિંડીની અંદર છે. અને તેની તડમાંથી સતત પાણી ઝરતું હોય છે. શિવલિંગની સામે શુભ્ર પાષાણનો નંદી છે. મંદિરની પાછળના ભાગમાં પવિત્ર જળનો કુંડ છે. મંદિરની દીવાલોના બહારના ભાગ પર સુંદર મૂર્તિઓ કંડારેલી છે.
પહેલા પેશવા બાળાજી બાજીરાવે (1740–61) આ મંદિર બંધાવ્યું હતું અને છેલ્લા પેશવા બાજીરાવ-બીજાના દત્તક પુત્ર નાનાસાહેબના સમય દરમિયાન (1851–57) જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે