ત્રિવેદી, રામકૃષ્ણ (જ. 21 જાન્યુઆરી 1921, મિંગયાન, મ્યાનમાર; અ. 19 નવેમ્બર 2015, લખનઉ) : ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-નિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ ગવર્નર. મહાવીરપ્રસાદ અને રમાદેવીના પુત્ર. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક ઉપાધિ હાંસલ કર્યા પછી, 1943માં ‘ઇન્ડિયન સિવિલ સર્વિસીસ’માં જોડાયા. ત્યારબાદ 53થી 79 દરમિયાન તેમણે જિલ્લા–મૅજિસ્ટ્રેટ, વાઇસ-પ્રિન્સિપાલ (આઇ.એ.એસ. ટ્રેનિંગ સ્કૂલ, દિલ્હી) તરીકે સેવાઓ આપી. ત્યારબાદ તેમણે રાજ્ય-સરકારમાં ડિરેક્ટર, સેક્રેટરી, કમિશનર, ચૅરમૅન જેવા વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. વળી તેઓ બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીના કુલપતિ હતા. (1978–79).
તેમણે જાન્યુઆરી–જૂન, 1980 દરમિયાન મધ્યપ્રદેશના રાજ્યપાલના સલાહકાર તરીકે કામ કર્યું. 1980–82 સુધી તેમણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે ભારતના મુખ્ય ચૂંટણીનિયામક તરીકે સેવાઓ આપી (જૂન 1982 ડિસેમ્બર, 1985). 1986માં રામકૃષ્ણ ત્રિવેદીએે ગુજરાતના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળ્યો (1986–90). ત્યારબાદ તેમણે લખનૌના રામકૃષ્ણ મિશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમને 1986માં પદ્મભૂષણની ઉપાધિથી અલંકૃત કરવામાં આવેલા છે.
નવનીત દવે