ત્રિવેદી, રતિલાલ મોહનલાલ

March, 2016

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ (જ. 24 માર્ચ 1894, રાણપુર; અ. 24 એપ્રિલ 1956, અમદાવાદ) : ગુજરાતના જાણીતા નિબંધકાર, કેળવણીકાર અને સંસ્કૃતિચિંતક. ધ્રાંગધ્રામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. (1917) થઈને પ્રથમ શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ રહ્યા. 1937માં અમદાવાદની ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલની સ્થાપના કરી જીવનના અંત સુધી આચાર્ય તરીકે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું.

એમનું પ્રદાન મુખ્યત્વે સાહિત્યવિવેચન અને સંસ્કૃતિચિંતનના ક્ષેત્રમાં છે. ‘હિંદની વિદ્યાપીઠો’ (1932), ‘વાલ્મીકિનું આર્ષદર્શન’, ‘સ્મૃતિ અને દર્શન’ તથા ‘પ્રવાસનાં સંસ્મરણો’માં અનુક્રમે એમણે પ્રાચીન વિદ્યાપીઠોનો પરિચય, આદિ કવિ વાલ્મીકિના દર્શનનું – એમના માનસનું અને ભાવનાવિકાસનું નિરૂપણ, હિમાલયનાં પ્રકૃતિસ્થાનોની રમ્યતા અને સૃષ્ટિસૌંદર્યનાં ચિત્રણો મનોહર ગદ્યમાં આપ્યાં છે. આનંદશંકરના આ પ્રિય શિષ્યે ‘આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણો’ (1941) નામનું ગુરુને ભાવાર્ઘ્ય આપતું સંસ્મરણાત્મક પુસ્તક લખ્યું છે. અને એમાં જ્ઞાન અને સાહિત્યના વિવિધ પ્રદેશોમાં લેખકે વિહાર કર્યો છે.

‘થોડાંક અર્થદર્શનો’ (1949)માં મુખ્યત્વે કાલિદાસ, ભવભૂતિ, પ્રેમાનંદ, ન્હાનાલાલ, રમણલાલ દેસાઈ જેવા સર્જકોના સર્જનનું સૌંદર્યદર્શન કરાવવા સાથે કેટલાક લેખોમાં મનુષ્યત્વ, ઇતિહાસ અને ભાષા તથા શિક્ષણ વિશે પણ ચિંતન કરેલું છે. ભક્ત કવયિત્રી મીરાબાઈ વિશે 1956માં એમણે આપેલું વ્યાખ્યાન 1959માં ‘મીરાં’ નામથી મરણોત્તર પ્રકાશન પામ્યું છે. એમાં મીરાંના આધ્યાત્મિક જીવનને અને કવિહૃદયને પામવાનો પ્રયાસ થયો છે. ‘શેષ લેખો’ પણ એમના અભ્યાસલેખોનું મરણોત્તર પ્રકાશન છે.

સંસ્કૃત શબ્દોની તાજગીવાળું એમનું ગદ્ય પ્રસન્નગંભીર છે. સંસ્કૃત–અંગ્રેજી સાહિત્યના એમના અભ્યાસની ફોરમ અને લેખકની અર્થઘટન અને અર્થદર્શનની કુશળતાથી એમના નિબંધો ધ્યાન ખેંચી રહે છે.

ચિમનલાલ ત્રિવેદી