ત્રિવેદી, ચંદુલાલ માધવલાલ (સર) (જ. 2 જુલાઈ 1893, અમદાવાદ; અ. 14 માર્ચ 1980) : પ્રથમ ગુજરાતી રાજ્યપાલ. વતન કપડવંજ. જન્મ અમદાવાદમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી 1913માં બી.એ. થયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીની જ્હૉન કૉલેજમાં જોડાયા. ભારતીય સનદી સેવાની પરીક્ષા પસાર કરી 1917માં હિન્દના બ્રિટિશ શાસનમાં જોડાયા. ઉપસચિવના પદેથી એક પછી એક સોપાન સર કરતાં કરતાં મધ્યપ્રાંત (હવે મધ્યપ્રદેશ) અને વરાડ ના મુખ્ય સચિવ થયા. 1942માં એક બાજુ વિશ્વયુદ્ધ પુરજોશમાં ચાલતું હતું તથા દેશમાં ‘ભારત છોડો’ આંદોલન ઉગ્ર સ્વરૂપે આરંભાયું હતું ત્યારે તેઓ સંચારવિભાગના સચિવ થયેલા અને તે પછી તરત યુદ્ધવિભાગમાં સચિવ નિમાયા. આ પદ તેમણે 1946 સુધી સંભાળ્યું. 1946–47માં ઓરિસા સરકારના સચિવ થયા. તે જ સમયમાં તેઓ પ્રથમ ગુજરાતી રાજ્યપાલ પણ નિમાયા. ભાગલા-સમયે પંજાબની અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં તેમણે પંજાબના રાજ્યપાલ તરીકે 1947થી 53 સુધી કુશળતાપૂર્વક કામગીરી સંભાળી. ભાષાવાર રાજ્યરચના માટે આંધ્રપ્રદેશમાં ભારે અશાંત પરિસ્થિતિ હતી. ત્યારે, 1953થી ’56માં, સર ચંદુલાલે આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે કપરી કાર્યવાહી સંભાળી હતી. 1957માં તેઓ આયોજનપંચના સભ્ય નિમાયા. આંધ્ર અને શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેમની ઉજ્જ્વલ કારકિર્દી અનેક માનસન્માનોથી પણ સુશોભિત બની. ઓ.બી.ઈ. (1931), સી. આઈ. ઈ. (1935), સી. એસ.આઈ. (1941), નાઇટ (1945), કે. સી. એસ. આઈ. (1945) જેવાં બ્રિટિશ સન્માનો ઉપરાંત પંજાબ તથા આંધ્ર યુનિવર્સિટીઓની માનાર્હ પદવીઓ અને 1956માં અર્પણ થયેલ ‘પદ્મવિભૂષણ’ જેવા ઉચ્ચ ભારતીય સન્માન તેમના પ્રત્યેની શાસકોની તથા દેશવાસીઓની કૃતજ્ઞતાની ભાવના દર્શાવે છે.
બંસીધર શુક્લ