ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ (જ. 25 જાન્યુઆરી 1913, પાટણ (ઉ. ગુજરાત); અ. 11 ઑગસ્ટ 1971, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના સુપ્રસિદ્ધ સંશોધક–અધ્યાપક. પિતા માધવલાલ તથા માતા વિમુબહેનના સુપુત્ર અશ્વિનકુમારે નાનપણમાં જ માતા ગુમાવી દીધેલી. 1929માં મુંબઈ વિશ્વવિદ્યાલયની મૅટ્રિક્યુલેશનમાં ગણિતમાં ડિસ્ટિંકશન સાથે પાસ થઈ વડોદરા સાયન્સ કૉલેજમાંથી 1933માં બી.એસસી. તથા ડૉ. એમ.ડી. અવસારેના હાથ નીચે સંશોધન દ્વારા 1936માં એમ.એસસી.ની પદવી મેળવી. તેમના વડીલબંધુઓ સનતભાઈ અને વિજયકુમારની સહાય અને પ્રેરણાથી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઍડિનબરોમાં કલીલ-વિજ્ઞાની ડૉ. ટી.આર. બોલમના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી 1941માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સ્વદેશ પાછા ફર્યા બાદ તેમણે ઉટાકામંડ પાસે સરકારી કોર્ડાઇટ (દારૂગોળો) બનાવવાની ફૅક્ટરીમાં વર્ક્સ મૅનેજરનો હોદ્દો સંભાળ્યો (1943–46). દરમિયાન ESSO(Standard Oil) રિફાઇનરીમાં મળતી ઉચ્ચ નિમણૂક તેમણે અંગ્રેજો માટે અનામત જગ્યાઓ રાખવાના વિરોધમાં સ્વીકારી નહિ, પરંતુ બેલગામની લિંગરાજ કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કામ કર્યું (1946–47). 1947માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રસાયણવિભાગના વડા તથા પ્રોફેસર તરીકે કામ સ્વીકાર્યું. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાં રીડર તથા 1967માં રસાયણવિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ બન્યા. તે પછી ચાર વર્ષે તેઓ અવસાન પામ્યા.
ડૉ. અશ્વિનભાઈના સંશોધનમાં કલીલ-રસાયણથી શરૂ કરી અનેક નવી મૌલિક સંશોધનની શાખાઓ જેવી કે ક્ષારીય જમીન અંગે સંશોધન, ધાત્વિક ક્ષારણ, સંકીર્ણ-સંયોજનોનું રસાયણ વગેરે ગુજરાત યુનિવર્સિટીમાં વિકસાવી. આગળ જતાં તે સંશોધનની મુખ્ય શાખાઓ બની. તેમની બહુમુખી પ્રતિભાને કારણે આવી અનેક-વિધ સંશોધન શાખાઓ ગુજરાત યુનિવર્સિટીમાં વિકાસ પામી. તેમણે 14 વિદ્યાર્થીઓ પીએચ.ડી. માટે તૈયાર કર્યા હતા તથા 100 જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં.
તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટના સભ્ય તેમજ વિજ્ઞાનવિદ્યાશાખાના ડીન વગેરે સ્થાનો શોભાવ્યાં હતાં. સંશોધન- કાર્ય માટે 1965માં તેમને ડૉ. કે. જી નાયક ચંદ્રક એનાયત થયો હતો.
રસિકલાલ કે. શાહ