ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર (જ. 15 એપ્રિલ 1885, સૂરત; અ. 16 જાન્યુઆરી 1963, નવસારી) : ગુજરાતી નિબંધકાર અને તત્વજ્ઞાનના અધ્યાપક. પિતા પ્રસિદ્ધ વૈયાકરણ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. પિતાની નોકરીમાં બદલીઓ થતાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદા જુદા સ્થળોએ લીધું હતું. 1904માં બી.એ., 1906માં એમ.એ. અને 1907માં એલએલ.બી. થયા. વડોદરા કૉલેજમાં ફિલૉસૉફીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે કાર્ય કરેલું.
નિવૃત્ત થયા પછી નવસારીની ગાર્ડા કૉલેજમાં આચાર્ય હતા. મુંબઈ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ અને સેનેટના સક્રિય સભ્ય તરીકે તેમણે વર્ષો સુધી સેવા આપેલી. મુખ્યત્વે તેઓ નિબંધકાર હતા. તેમનામાં વિનોદ અને નર્મ-મર્મ યુક્ત હાસ્ય-કટાક્ષ નિરૂપવાની નૈસર્ગિક શક્તિ હતી. તેમના નિબંધસંગ્રહોમાં ‘સાહિત્યવિનોદ’ (1928), ‘પ્રવાસવિનોદ’ (1934), ‘નિવૃત્તિવિનોદ’ (1917) પ્રગટ થયેલા છે. તેમના લેખો અને વ્યાખ્યાનોનો સંગ્રહ ‘આત્મવિનોદ’ 1941માં પ્રગટ થયો હતો. તેમના પિતાશ્રીએ તૈયાર કરેલ બૃહદ્ વ્યાકરણનો સંક્ષેપ ‘પાઠ્ય બૃહદ્ વ્યાકરણ’ અને ‘મધ્ય વ્યાકરણ’ તેમણે 1922માં પ્રગટ કરેલાં. તેમણે સંપાદિત કરેલ ‘કાવ્યસાહિત્યમીમાંસા’ (1930) કાવ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની હાથવગી પ્રવેશિકા છે. પોતાના અધ્યાપનકાર્યના ફળ રૂપે તેમણે તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિશે સંખ્યાબંધ પાઠ્યપુસ્તકો લખ્યાં છે, અનુવાદો પણ કર્યા છે.
વિદ્વાન પિતાના આ વિદ્યાવ્યાસંગી પુત્રે સાહિત્ય અને શિક્ષણમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે.
રમણલાલ જોશી