ત્રિપાઠી, રાધાવલ્લભ (જ. 1949, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના વિદ્વાન સંશોધનકાર, વાર્તાકાર અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સંધાનમ્’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
ફક્ત 7 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં વાર્તાઓ લખવી શરૂ કરી હતી. તેમણે એમ.એ., પીએચ.ડી અને ડી.લિટ્.ની પદવીઓ મેળવ્યા બાદ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનકાર્ય તેમજ લેખનકાર્યનો આરંભ કર્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી પ્રતિભાસંપન્ન અને વિશેષ યોગ્યતાઓવાળી રહી છે. તેઓ સાગર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના આચાર્ય અને અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, ન્યૂ દિલ્હીમાં નિદેશક રહી ચૂક્યા છે. હાલ (2014) તેઓ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન (ડિમ્ડ યુનિવર્સિટી) દિલ્હીમાં ઉપકુલપતિ તરીકે કાર્યરત છે.
અત્યાર સુધીમાં તેમણે સંશોધનને લગતી 17 કૃતિઓ પ્રગટ કરી છે. તેમાંથી કેટલીકનું તેમણે સહલેખન કર્યું છે. તેમણે 9 સંસ્કૃત કૃતિઓનો હિંદીમાં અનુવાદ કર્યો છે અને અન્ય 9 કૃતિઓનું સંપાદન/સહસંપાદન કર્યું છે. સંસ્કૃતમાં તેમની 7 સર્જનાત્મક કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં ‘પ્રેમપીયૂષમ્’ (નાટક) તથા ‘સંધાનમ્’ (કાવ્યસંગ્રહ) ઉલ્લેખનીય છે. તેમણે હિંદીમાં કેટલીક મૌલિક કૃતિઓનું પણ સર્જન કર્યું છે. તેમાં ‘પૂર્વરંગ’, ‘જો મિટ્ટી નહીં હૈ’ (વાર્તાસંગ્રહ) તથા ‘સત્રાંત’(નવલકથા)નો સમાવેશ થાય છે.
તેમને જુદી જુદી સંસ્થાઓ તથા સરકાર દ્વારા પુરસ્કાર દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમાં ઉત્તરપ્રદેશ સંસ્કૃત અકાદમી પુરસ્કાર, મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો રાજશેખર પુરસ્કાર, સાહિત્ય કલા પરિષદ – દિલ્હીનો પુરસ્કાર, મધ્યપ્રદેશ સંસ્કૃત અકાદમીનો વ્યાસ પુરસ્કાર, મધ્યપ્રદેશ સરકારનો કાલિદાસ તથા ભોજ પુરસ્કાર તેમજ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ પુરસ્કારનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સંધાનમ્’ વિવિધ વિષયોને આવરી લેતાં 53 કાવ્યોનો સંગ્રહ છે. તેમનો રોચક ભાષાપ્રયોગ, સરળ શૈલી અને છંદ તથા લયના સુંદર પ્રભુત્વને કારણે પ્રસ્તુત સંગ્રહ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખનીય છે.
બળદેવભાઈ કનીજિયા