ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા  સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો હતો. ગોવર્ધનરામના ઘડતરમાં એમનો ઘણો ફાળો હતો.

મન:સુખરામ ત્રિપાઠી

1861માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ. 1863માં આંખની બીમારીને કારણે અભ્યાસ છોડ્યો. ધંધો શૅરસટ્ટાનો હતો. મુંબઈમાં  શેઠ માધવદાસ ધીરજલાલની પેઢીમાં જોડાયા. પૈસા કમાયા. ગોવર્ધનરામ ભાવનગરના દીવાન શામળદાસના અંગત સેક્રેટરી તરીકે જોડાયા એમાં પણ મન:સુખરામનો હિસ્સો હતો. ગોવર્ધનરામે ચાલીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થવાનો સંકલ્પ કરેલો. એ અંગે તેમણે ભારે મનોમંથન અનુભવેલું. છેવટે તેમને નિવૃત્ત થવાની રજા મન:સુખરામ આપે છે ત્યારે તેમનું હૃદય હરખાઈ ઊઠે છે. એમની સ્ક્રૅપબુકમાં આ આનંદોદગાર પ્રગટ થયેલો છે. ગોવર્ધનરામની છેલ્લી માંદગીમાં મન:સુખરામની પોતાની તબિયત બરોબર નહિ હોવા છતાં પોતાના વહાલા ‘ગોરધન’ની ખબર જોવા માટે તેઓ ખાસ મુંબઈથી નડિયાદ આવેલા.

મન:સુખરામ ત્રિપાઠી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. મુંબઈની ‘ફાર્બસ સભા’ના તેઓ એક સ્થાપક સભ્ય હતા. ‘બુદ્ધિવર્ધક સભા’ના પણ તેઓ સભ્ય હતા. અમદાવાદની ‘ધર્મસભા’ના મુખપત્ર ‘ધર્મપ્રકાશ’ના ઉપતંત્રી તરીકે પણ તેમણે થોડો સમય કામ કરેલું. ‘બુદ્ધિપ્રકાશ’માં લેખો લખતા. તેમણે પોતાની પત્નીના નામ ઉપરથી નડિયાદમાં ‘ડાહીલક્ષ્મી લાઇબ્રેરી’ સ્થાપેલી તે આજે પણ ચાલે છે.

1859માં રણછોડભાઈ ઉદયરામના સહયોગમાં તેમણે પદ્યકૃતિ ‘વિવિધોપદેશ’ પ્રગટ કરેલી. તેઓ મુખ્યત્વે નિબંધકાર અને ચરિત્રકાર હતા. એમના ગંભીર લેખોમાં વેદાન્તવિચાર, પ્રાચીન સંસ્કૃતિ એ મુખ્ય વિષયો હતા. સંસ્કૃતપ્રાચુર્ય એ એમના ગદ્યની લાક્ષણિકતા હતી. એમની બહુશ્રુતતા એમનાં લખાણોમાં જણાઈ આવે છે. અનેક સંદર્ભો એમના લેખોમાં જોવા મળે છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘વિપત્તિ વિશે નિબંધ’ (1863), ‘અસ્તોદય અને નળદમયંતી’ (1870), ‘ફોર્બસ જીવનચરિત્ર અને ફોર્બસવિરહ’ (1869), ‘સુજ્ઞ’ ગોકુલજી ઝાલા તથા વેદાન્ત’ (1881), ‘શેઠ હરિવલ્લભદાસ બાલગોવિંદદાસ’ (1889), ‘શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર એઓના જીવનચરિત્રનું ઉદઘાટન’ (1904), ‘કરસનદાસ અને તત્સંબંધી વિચાર’ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ ચરિત્રગ્રંથો ઉપરાંત તેમણે ‘ઉત્તરજયકુમારી’ નામનું નાટક રચેલું છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજ્યનીતિસાર’ (1868), ‘વેદાન્તવિચાર’ (1898) અને ‘વેદાન્તતત્ત્વ પત્રાવલિ’, ‘વાર્તિક લેખક અને વાચન’ પણ ઉલ્લેખનીય છે. તેમણે ‘ભગવદ્ગીતા’, ‘અદ્વૈતાનુભૂતિ’, ‘વિચારસાગર’ અને ‘મણિરત્નમાળા’ના અનુવાદો પણ કરેલા. ‘ધ સ્કૅચ ઑવ્ વેદાન્ત ફિલૉસૉફી’ નામે અંગ્રેજી પુસ્તક પણ લખેલું.

મુંબઈમાં જૂનાગઢના દીવાન સુજ્ઞ ગોકળજી ઝાલા સાથે મૈત્રી. 1869માં જૂનાગઢ રાજ્યના એજન્ટ તરીકે મુંબઈમાં નિમણૂક. પછી કચ્છ, ભાવનગર વગેરે રાજ્યોના એજન્ટ બન્યા. દીવાનોની પસંદગીમાં પણ તેમનો ફાળો. સતત વિદ્યાવ્યાસંગ. વિદ્વાનો અને સાહિત્યરસિકોના મંડળને ઉત્તેજન આપતા.

શુદ્ધ ગુજરાતી લેખન માટે ચીવટ. શૈલી સંસ્કૃતમય. તેમનો વારસો તનસુખરામને મળેલો.

રમણલાલ જોશી