ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય (જ. 1 જુલાઈ 1942, પાંડર જસરા, જિ. અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નિર્ઝરિણી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે ઘણી કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યા પછી સરકારી રામાનંદ સંસ્કૃત કૉલેજ, લાલઘાટી, ભોપાલમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે રહ્યા. તેઓ રેડિયો અને ટી.વી. કાર્યક્રમો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.
1958થી તેમણે લેખનકાર્ય શરૂ કરીને અત્યાર સુધીમાં સંસ્કૃતમાં કુલ 15 ગ્રંથો આપ્યા છે. તેમાં કાવ્ય અને વિવેચનાત્મક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે ‘દૂર્વા’, ‘માનસમધુ’ અને ‘ભોજભારતી’ સમાચારપત્રોના કેટલાક અંકોનું સંપાદન સંભાળ્યું હતું.
તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે; તેમાં ‘મૃત્કૂટમ્ કાવ્યશતકમ્’ માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત અકાદમીનો વિશેષ પુરસ્કાર, ‘નિર્ઝરિણી’ માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનનો વિવિધ પુરસ્કાર તથા દિલ્હી સંસ્કૃત અકાદમીનો પં. જગન્નાથ પુરસ્કાર, સંસ્કૃત ‘જીવનમ્’ માટે ચારુદેવ શાસ્ત્રી પુરસ્કાર અને ‘બાલ-રામાયણમ્’ માટે મધ્યપ્રદેશ સંસ્કૃત અકાદમીનો ભોજ પુરસ્કાર મુખ્ય છે. ‘સર્ટિફિકેટ ઑવ્ ઓનર’નો ઍવૉર્ડ 2008માં તેમને પ્રાપ્ત થયો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નિર્ઝરિણી’ આધુનિક શૈલીનાં ગીતોનો સંગ્રહ છે. લયાત્મક અને પ્રવાહપૂર્ણ ભાષામાં રચાયેલ ગીત પારંપરિક પદયોજનામાં ગૂંથાયેલ હોવાથી આધુનિક બનવાને લીધે અને કેટલાંક ગીતો વ્યંગ્યાત્મક હોવાને કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય કવિતાની વિશિષ્ટ રચના ગણાયેલ છે.
બળદેવભાઈ કનીજિયા