ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગનલાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી વાણિજ્યના અધ્યાપક. એમની નૈસર્ગિક હાસ્યવૃત્તિમાંથી હળવા નિબંધો–નિબંધિકાઓ પ્રગટ થવા માંડ્યાં. તેની શરૂઆત ‘કુમાર’ માસિકમાંથી થઈ. હાસ્યકાર તરીકે તેમનું હીર તરત જ પરખાઈ ગયું અને 1952માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયો.

બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી
1953થી તેમણે અમદાવાદથી પ્રગટ થતા વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં ‘ઠોઠ નિશાળિયો’ તખલ્લુસથી ‘કક્કો અને બારાખડી’ની કટાર લખવાની શરૂઆત કરી. અને 1962થી એ જ વર્તમાનપત્રમાં ‘સોમવારની સવારે’ કટાર લખવા માંડી. વિવિધ સામયિકોમાં પણ તેમના હાસ્યલેખો પ્રસિદ્ધ થવા માંડ્યા. તેમના હાસ્યનિબંધોનો પ્રથમ સંગ્રહ ‘સચરાચરમાં’ 1955માં પ્રગટ થયો. એ પછી સમયસમયે તેમના હાસ્યલેખોના સંગ્રહો પ્રકાશિત થતા રહ્યા છે. ‘સોમવારની સવારે’ (1966), ‘વૈકુંઠ નથી જાવું’ (1983), ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ (1985), ‘ગોવિંદે માંડી ગોઠડી’ (1987), ‘મન સાથે મૈત્રી (1990), ‘હિંડોળો ઝાકમઝોળ’ (1992), ‘અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં’ (1994), ‘લગ્નમંગલ અને હાસ્યમંગલ’ (1994) અને ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’ (1994) વગેરે તેમના હાસ્યનિબંધો, લલિત નિબંધો તેમજ હાસ્યકથાઓના સંગ્રહો છે.
તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમના હાસ્યલેખોનાં કેટલાંક પુસ્તકો માટે પારિતોષિક મળી ચૂક્યાં છે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તરફથી 1988ની સાલનો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. જ્યોતીન્દ્ર દવે પારિતોષિક પણ તે પ્રાપ્ત કરી ચૂક્યા છે. 1992માં ભારતીય ભાષા પરિષદ (કોલકાતા)નું પારિતોષિક, ‘ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ અમેરિકન સ્ટડીઝ’ તરફથી સન્માન (1994), ‘ગુજરાત લિટરરી એકૅડેમી ઑફ નોર્થ અમેરિકા’ દ્વારા પુરસ્કાર (1999) પ્રાપ્ત થયાં છે. બકુલ ત્રિપાઠી ઇ. સ. 2006-07ના બે વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદના પ્રમુખપદે ચૂંટાયા હતા.
‘ગુજરાત સમાચાર’માં કટારલેખન ઉપરાંત કેટલોક સમય તેમણે મુંબઈના ‘જન્મભૂમિ’ વર્તમાનપત્રમાં પણ ‘તરંગ અને તુક્કો’ શીર્ષકથી કટારલેખન કર્યું હતું.
તેમણે હળવાં એકાંકી પર પણ કલમ ચલાવી હતી. તેમનું ‘લીલા’ નામનું એક હાસ્યપ્રધાન-કટાક્ષપ્રધાન ત્રિઅંકી નાટક 1974માં પ્રગટ થયું છે. લોકનાટ્યની શૈલીનો પ્રયોગ દર્શાવતા આ નાટકમાં રાજકારણમાં પડેલા નેતાઓ તથા દેશના પ્રપંચી અગ્રણીઓ પર કટાક્ષ છે. એ નાટક અખિલ ભારતીય નાટ્યમહોત્સવમાં પણ સ્થાન પામ્યું હતું. હાસ્યપ્રધાન એકાંકી અથવા ત્રિઅંકી નાટકો લખવાની ક્ષમતા તેમનામાં છે એનો અંદાજ ‘લીલા’ નાટકમાંથી મળે છે. ‘ગણપતગુર્જરી’, ‘પરણું તો એને જ પરણું’ (2004) અન્ય નાટકો છે.
હળવા નિબંધોના સંગ્રહો રચવા ઉપરાંત તેમણે જ્યોતીન્દ્ર દવેના લેખોનું 1975ની સાલમાં સંપાદન પણ કર્યું છે. ગુજરાતી હળવા નિબંધના ક્ષેત્રે બકુલ ત્રિપાઠીનું વિશિષ્ટ અર્પણ છે. એમની નિબંધિકાઓમાં/હાસ્યલેખોમાં કટાક્ષનાં મુખ્ય નિશાન રાજકીય નેતાઓના દંભ, પ્રપંચ અને ભ્રષ્ટાચાર તેમજ શિક્ષણક્ષેત્રમાં પ્રવર્તતું અવમૂલ્યન છે. લગભગ પાંચ દાયકા સુધીના દીર્ઘ સમયપટ પર પથરાયેલા એમના વિશિષ્ટ, વિલક્ષણ હાસ્યસાહિત્યમાં શિષ્ટતા અને સુરુચિ વરતાશે. એમનો વિનોદ માણવો ગમે એવો નરવો અને સૂક્ષ્મ હોય છે. અણિયાળાં માર્મિક વિધાનો પોતાની દલીલના સમર્થન માટે હાસ્યરસિક ટુચકાઓ, કટાક્ષયુક્ત સંવાદો એ સર્વનો કુશળતાપૂર્વક થયેલો ઉપયોગ તેમની કૃતિઓમાં જોવા મળે છે.
હાસ્યના અનેક સ્તરો તેમણે અજમાવ્યા છે. નિબંધોમાં પણ તેઓ લલિત નિબંધથી માંડીને વાર્તાત્મક, નાટ્યાત્મક નિબંધો આપી ચૂક્યા છે. ‘દ્રોણાચાર્યનું સિંહાસન’માં તેમની નાટ્યાત્મક નિબંધો રચવાની કળાનો, તેમની માર્મિક કટાક્ષવૃત્તિનો પરિચય થાય છે. ‘વૈકુંઠ નથી જાવું’ જેવા સંગ્રહમાં હળવા નિબંધોની સાથોસાથ લલિત નિબંધોના રમણીય પ્રદેશોમાં પણ તેમનો કલમવિહાર દેખાય છે.
પોતાને ભોગે હાસ્ય નિષ્પન્ન કરતાં કરતાં તે માનવ મનની નિર્બળતાઓ, ધૂન, વિચિત્રતાઓને આસાનીથી પ્રગટ કરી દે છે.
એમની ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’ કૃતિમાં હાસ્યકથાનું સ્વરૂપ એમણે સફળ રીતે ખેડ્યું છે. એમાં એમનું રચનાવૈવિધ્ય અને હાસ્ય નિષ્પન્ન કરવા માટેના કલા પ્રયોગો નોંધપાત્ર છે. જ્યોતીન્દ્ર દવેના હાસ્યલેખો પછી ગુજરાતીમાં હાસ્યક્ષેત્રને હરિયાળું રાખનારા લેખકોમાં બકુલ ત્રિપાઠીનું મહત્ત્વનું સ્થાન છે.
એમણે અમેરિકા, ફ્રાન્સ, સ્પેન, ઇંગ્લૅન્ડ, કૅનેડા વગેરે દેશોનો પ્રવાસ કર્યો હતો.
મધુસૂદન પારેખ