ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું.
બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો અને મન:સુખરામની દેખરેખ નીચે ઉછેર થવાથી આર્યસંસ્કૃતિ તરફનો પક્ષપાત અને વિદ્યોપાસનાની લગની ગોવર્ધનરામને નાનપણથી મળ્યાં હતાં.
1868માં બે મહત્વના બનાવો બન્યા. પાછળથી જેમના નામથી એન. એમ. ત્રિપાઠીની કંપનીની સ્થાપના થઈ તે તેમના ભાઈ નરહરિરામનો જન્મ અને બીજો બનાવ તે ગોવર્ધનરામનું હરિલક્ષ્મી સાથેનું લગ્ન. પછી ગોવર્ધનરામ મુંબઈ આવ્યા અને ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. 1871માં સોળ વર્ષની વયે તેમણે મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. 1874માં પત્ની હરિલક્ષ્મી રાધા નામે બાળકીને મૂકી સુવાવડમાં મરણ પામી; પિતાની ‘શ્રીકૃષ્ણવાસુદેવની પેઢી’ તૂટી અને પોતે બી.એ.માં નાપાસ થયા. બીજા વર્ષે ગોવર્ધનરામે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી (1875).
આ વર્ષોમાં જુદા જુદા વિષયો પર તેમનું લેખનકાર્ય તો ચાલતું હતું. તેમણે જીવનનું ગંભીરપણે અવલોકન કરીને નીચેના ત્રણ સંકલ્પો કરેલા : (1) એલએલ.બી.ની પરીક્ષામાં પાસ થવું. (2) પછીથી મુંબઈમાં વકીલાતનો સ્વતંત્ર ધંધો માંડવો અને કદી કોઈની નોકરી કરવી નહિ. (3) લગભગ ચાલીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ, બાકીની જિંદગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જનસમાજની સેવામાં ગુજારવી.
1876માં ગોવર્ધનરામનું દ્વિતીય લગ્ન લલિતાગૌરી સાથે થયું. બીજે વર્ષે લેખનકાર્ય ઉપરાંત તેમણે ફ્રેન્ડલી સોસાયટી સમક્ષ ‘એ રૂડ આઉટ લાઇન ઑવ્ ધ જનરલ ફીચર્સ ઑવ્ પ્રૅક્ટિકલ એસેટિસિઝમ ઇન માય સેન્સ ઑવ્ ધ વર્ડ’ એ નિબંધ વાંચ્યો. ‘વ્યવહારુ સંન્યાસ’ની તેમની વિભાવના આપતો આ નિબંધ, બળવંતરાય ઠાકોરે કહ્યું છે તેમ, ગોવર્ધનરામના વિચારમિનારના પાયારૂપ છે.
1879ના આરંભમાં ગોવર્ધનરામે ભાવનગર રાજ્યના દીવાન શામળદાસના ખાનગી સેક્રેટરી તરીકેની કામગીરી સ્વીકારી. એલએલ.બી.ની પરીક્ષામાં માંદગીને કારણે બેત્રણ વાર નાપાસ થયેલા. છેવટે 1883માં પરીક્ષા પસાર કરી. એ પછી ભાવનગર-જૂનાગઢનાં રાજ્યોમાં સારી નોકરીઓની માગણી હોવા છતાં મુંબઈમાં સ્વતંત્ર વકીલાત કરવા માટે તેમણે 1883ના છેલ્લા ભાગમાં ભાવનગર છોડ્યું. 1884માં 29 વર્ષની ઉંમરે ગોવર્ધનરામે મુંબઈમાં વકીલાત શરૂ કરી. વકીલાતના એમના વિવિધ અનુભવો તેમની અંગ્રેજીમાં લખેલી ‘સ્ક્રૅપબુક’માં નોંધાયેલા છે. બીજે વર્ષે 1885માં એટલે કે ત્રીસ વર્ષની ઉંમરે તેમણે ‘સરસ્વતીચન્દ્ર ભાગ 1’ લખવાનો પ્રારંભ કર્યો. ‘સ્નેહમુદ્રા’ કાવ્યગ્રંથ લખવો અગાઉથી શરૂ થયા છતાં તે તેમણે 1889માં પ્રગટ કર્યો. ‘સરસ્વતીચન્દ્ર’નો ભાગ પહેલો 1887માં અને બીજો 1892માં પ્રગટ થયો. ત્રીજા ભાગનું લેખનકાર્ય 1896માં પૂરું થયેલું પણ એ વખતની રાજકીય પરિસ્થિતિને કારણે એ છેક 1898માં પ્રગટ થઈ શક્યો. છેલ્લો ચોથો ભાગ 1901માં પ્રગટ થયો. આમ આ મહાનવલ પંદર વરસમાં કટકે કટકે પ્રસિદ્ધ થઈ. 1887માં ગોવર્ધનરામ એનો પહેલો ભાગ આપે છે તે ગુજરાતી સાહિત્યની જ નહિ પણ ભારતીય સાહિત્યની અસાધારણ ઘટના ગણાય છે. ગુજરાતીમાં ગદ્ય જ પૂરું વિકસ્યું ન હતું એ પરિસ્થિતિમાં ગદ્યના વિવિધ આરોહ-અવરોહ પ્રગટ કરતી આ નવલકથા યોગ્ય રીતે જ ગુજરાતીનો ગૌરવગ્રંથ લેખાય છે.
‘સરસ્વતીચન્દ્ર’નો આકાર આધુનિક સાહિત્યરુચિને કંઈક અકળાવે છે પણ ખરો. ‘પંડિતયુગ’ અને ‘ગાંધીયુગ’ના વિવેચકોએ એની ચર્ચા કરી છે. આનંદશંકર ધ્રુવ ‘સરસ્વતીચન્દ્ર’ને ‘પુરાણ’ કહે છે. વિશ્વનાથ ભટ્ટ એને ગદ્યદેહે અવતરેલું ‘મહાકાવ્ય’ કહે છે અને સંસ્કૃત સાહિત્યમીમાંસકોને અનુસરી ડોલરરાય માંકડ એને ‘સકલ કથા’ કહે છે. ‘સરસ્વતીચન્દ્ર’ના આકારનો પ્રશ્ન વિગતવાર ચર્ચ્યા બાદ રા. વિ. પાઠક એમાં ‘મહાનદ’નો આકાર જુએ છે. બળવંતરાય ઠાકોર ‘સરસ્વતીચન્દ્ર’ના કથાવસ્તુની ગૂંથણીનો પ્રશ્ન ચર્ચતાં એને ‘પંચ જૂટ જટાકલાપ’ રૂપે જુએ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આ કથામાં ‘બોરોબુદુર’નો આકાર જુએ છે. વિજયરાય વૈદ્યે એને ‘પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિકથા’ તરીકે વર્ણવેલી. ઉમાશંકર જોશી ‘આ સો વરસનું યુગકાવ્ય ગદ્યદેહે’ ‘સરસ્વતીચન્દ્ર’-રૂપે પ્રગટ્યું એમ કહે છે.
સામાજિક અભ્યુદયના પાયામાં ગૃહ અને કુટુંબ રહ્યાં હોઈ એ અંગેની પર્યેષણા તેમણે કરી, પણ રાજ્ય સંસ્થા વગર કુટુંબ સંસ્થા શી રીતે પાંગરે ? એટલે રાજ્યવિચારણા પ્રસ્તુત કરી. આમ, આ ગૃહ, કુટુંબ અને રાજ્યને તેમણે ધર્મના વિશાળ અને ઉન્નત પરિવેશમાં મૂકી આપ્યાં.
‘ઈશ્વરની લીલાનું સદર્થે ચિત્ર’ આપવા લખાયેલી આ નવલકથામાંથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવો આશય તેમણે રાખ્યો છે. ભારતનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને પશ્ચિમ – એ ત્રિવેણીસંગમના સમયમાં ભારતીયતાની ખોજ એ ગોવર્ધનરામનો મુખ્ય પ્રશ્ન છે. ગોવર્ધનરામે પશ્ચિમની બુદ્ધિપૂત વિજ્ઞાન-ર્દષ્ટિ અને સબળ કર્મયોગની સાથે ભારતીય અધ્યાત્મપરંપરાનો સમન્વય કરી એક વિશિષ્ટ જીવનદર્શન આ મહાનવલમાં આપ્યું છે. ગોવર્ધનરામ જીવનદ્રષ્ટા છે તો જીવનસ્રષ્ટા પણ છે. લગભગ અઢી હજાર પૃષ્ઠોમાં પથરાયેલી અને દોઢસો ઉપરાંત પાત્રોવાળી આ નવલકથામાં એક આગવી સભર સૃષ્ટિ તેઓ સર્જી શક્યા છે. વિચારણાના અંશો સર્વત્ર સમરસ ન થયા હોય એવું પણ બન્યું છે; તેમ છતાં, ગોવર્ધનરામને કલાતત્ત્વની સૂક્ષ્મ અને ઊંડી સૂઝ હતી એ વાતનો ઇન્કાર થઈ શકે એમ નથી.
કોઈ પણ કલાકૃતિનો સંદેશ તે પોતે જ છે, તેમ છતાં ‘સરસ્વતીચન્દ્ર’ ગુજરાતી નવલકથાનું એક સીમાચિહ્ન છે. નાયક સરસ્વતીચન્દ્ર અને નાયિકા કુમુદના ચિત્રણમાં ગોવર્ધનરામનો પ્રશ્ન સ્થૂલ-સૂક્ષ્મ પ્રીતિસંબંધથી જોડાયેલાં આ પાત્રોની પ્રીતિનું શોધન કરી પ્રેમની એક વિશિષ્ટ ભૂમિકા પર તેમને મૂક્યાં એ છે. અનેક અનુભવોમાંથી લેખક તેમને પસાર કરે છે અને રહીસહી વાસના અને રાગાવેગમાંથી પણ અંતે એ મુક્ત થાય છે અને સિદ્ધલોકનાં દર્શનનાં અધિકારી બને છે. પ્રીતિની આવી પ્રોજ્જ્વલ ભૂમિકા સંસિદ્ધ થયા બાદ ભારતવર્ષનું ભવિષ્ય તેમની સમક્ષ સ્ફુટ થાય છે. કલ્યાણગ્રામની યોજના એ ચોથા ભાગમાં ‘દેશપ્રીતિનું મનોરાજ્ય’ એ પ્રકરણમાં આવે છે, પણ આરંભથી જ સરસ્વતીચન્દ્રની દેશોદ્ધારક ભાવના લક્ષ્યસ્થાન પ્રતિ ગતિ કરતી જણાય છે. પહેલા ભાગમાં આવતો ‘કલ્યાણયજ્ઞ’ ચોથા ભાગમાં કલ્યાણગ્રામની યોજનામાં પરિણમે છે. ગોવર્ધનરામની પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના નાયક સરસ્વતીચન્દ્રમાં જોવી મુશ્કેલ નથી.
વ્યક્તિનિષ્ઠ પ્રેમને ગોવર્ધનરામ સમષ્ટિપ્રેમમાં ઓગળી જતો બતાવે છે. પ્રીતિનું શોધન અને ભારતીયતાની ખોજ બંને સમાન્તર નિરૂપાયાં છે. ગોવર્ધનરામ ભારતીય પુનર્જાગૃતિ(renaissance)માં જે કાંઈ ઉત્તમ હતું તે સારવી લઈને એક સમન્વયકારક પરિપ્રેક્ષ્યમાં આપણી સંસ્કૃતિને નવો રાહ બતાવે છે. ગોવર્ધનરામનું આ યુગકાર્ય ઐતિહાસિક ર્દષ્ટિએ બહુમૂલ્યવાન છે. રવીન્દ્રનાથે પણ આધ્યાત્મિક માનવતાવાદ પ્રબોધ્યો છે. ‘ગોરા’ અને ‘સરસ્વતીચન્દ્ર’ બંનેમાં ભારતના આત્માની ખોજ છે. આ બંને મહાન નવલકથાઓ પોતપોતાની આગવી રીતે સાચા ભારતની શોધ આદરે છે. રવીન્દ્રનાથ સાચું ભારત ભારતીયતાને અતિક્રમી જવામાં રહેલું જુએ છે.
ગોવર્ધનરામ એમના જીવનનો ત્રીજો સંકલ્પ-સ્વૈચ્છિક નિવૃત્તિનો અમલમાં મૂકવા કટિબદ્ધ બને છે ત્યારે તેમને ઘણું મનોમંથન અને સંઘર્ષ અનુભવાય છે. આ મનોમંથન તેમની મનનપોથીઓ(scrap-books)માં વેધકતાથી વર્ણવાયું છે. અંતે ગોવર્ધનરામ પોતાના જીવનનું આ સ્વપ્ન સિદ્ધ કરે છે. તેઓ બુધવાર તા. 19 ઑક્ટોબર, 1898ને દિવસે રાત્રે 9-30 વાગ્યે મેલ ગાડીથી વતન નડિયાદ જવા માટે હંમેશ માટે મુંબઈ છોડે છે. નડિયાદ આવ્યા પછી કચ્છની દીવાનગીરીની મોટા પગારની નોકરીનો તેમણે અસ્વીકાર કર્યો, બે ચાર સારા કેસો મળ્યા એ પણ લેવાની ના પાડી. 1898ના ડિસેમ્બરમાં તેઓ લાઠી અને જૂનાગઢ જઈ આવ્યા. ઈ. સ. 1900ના ડિસેમ્બરની 23મીએ તેમણે ‘સરસ્વતીચન્દ્ર’નો ચોથો ભાગ પૂરો કર્યો ‘સાક્ષરજીવન’ની લેખમાળા ‘સમાલોચક’માં આગળ ચલાવી અને થોડાં વ્યાખ્યાનો આપ્યાં. પ્રસંગોપાત્ત, તેઓ મુંબઈ પણ જતા. 1902માં તેમના જીવનનો એક કરુણ બનાવ બન્યો. તેમની મોટી પુત્રી લીલાવતીનું અવસાન થયું. પછીથી તેમણે લીલાવતીના જીવન ઉપરથી ‘લીલાવતી જીવનકલા’ પુસ્તક લખ્યું જે 1905માં પ્રગટ થયું.
ઈ. સ. 1905માં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ‘ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન’ – એ વ્યાખ્યાન આપ્યું. ઈ. સ. 1906માં ગોવર્ધનરામે અમદાવાદની ‘સાહિત્યસભા’ માટે ‘કવિ દયારામનો અક્ષરદેહ’ નિબંધ તૈયાર કર્યો. તેઓ યોગશાસ્ત્રમાં ઊંડા ઊતર્યા હતા. વિધિપૂર્વક સંન્યાસ લેવાનો વિચાર પણ તેમને આવી જાય છે પણ છેવટે ‘ઘરમાં રહીને જ સંન્યાસ’ એ નિર્ણય ઉપર તે આવે છે. તબિયત તો પહેલેથી જ નાજુક હતી. એમાં અજમેર, પુષ્કરજી, જયપુર, ગોકુલ-મથુરા વગેરે સ્થળોના પ્રવાસેથી પાછા આવ્યા બાદ તબિયત વધુ બગડી. છેવટે 1907ના જાન્યુઆરીની ચોથી તારીખ ને શુક્રવારે બપોરે અઢી વાગ્યે આ મહામના તપસ્વી-સાહિત્યકારનું અવસાન થયું. તેમનું અવસાન થતાં સંખ્યાબંધ વર્તમાનપત્રો અને માસિકોએ તેમને ભાવભરી અંજલિ અર્પી. ‘લંડન ટાઇમ્સે’ ફેબ્રુ. 13, 1907ના અંકમાં ગોવર્ધનરામની સાહિત્યસેવાને બિરદાવી. કેટલાંક સામયિકોએ તેમની સ્મૃતિમાં વિશેષાંકો પ્રગટ કર્યા, એમાં ‘સમાલોચક’ અને ‘વસંત’ના સ્મારક અંકો ખાસ ઉલ્લેખપાત્ર છે.
ગોવર્ધનરામે કાવ્યગ્રંથ ‘સ્નેહમુદ્રા’ ઉપરાંત બીજાં કાવ્યો, ‘સતી ચૂની’ નામે વાર્તા, ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નામે નાટક, ‘લીલાવતી-જીવનકલા’ નામે ચરિત્ર, મનીષી જીવનનો આદર્શ નિરૂપતો અપૂર્ણ ‘સાક્ષરજીવન’ ગ્રંથ, ‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત’, ‘ધ કલાસિકલ પોએટ્સ ઑવ્ ગુજરાત’ એ સુદીર્ઘ નિબંધ, અનેક અવલોકનો, સંખ્યાબંધ અંગ્રેજી-ગુજરાતી નિબંધો, ‘સ્ક્રેપ બુક્સ’, ‘અધ્યાત્મજીવન’ વગેરે ઘણું આપ્યું છે. તેમણે સંસ્કૃતમાં પણ રચનાઓ કરી છે.
રમણલાલ જોશી