ત્રિચુર (ત્રિશુર) : ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 10 52´ ઉ. અ. અને 76 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ (Palakkad) અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ ઘાટ સીમા બનાવે છે. ઐતિહાસિક મલબાર કિનારાનો થોડો ભાગ પણ આવેલો છે.

આ જિલ્લામાં આવેલ પશ્ચિમ ઘાટની પૂર્વે ઢોળાવને કારણે કુદરતી રીતે તેના ત્રણ ભાગ પડે છે. જેમાં પશ્ચિમ ઘાટનો ઊંચાઈ ધરાવતું ભૂમિસ્વરૂપ, મેદાની વિસ્તાર અને સમુદ્રકિનારો. આ જિલ્લાના પશ્ચિમ ઘાટ વિસ્તારમાં આવેલ કરીમલ્લા ગોપુરમ્ શિખર સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. જે પલક્કડ અને પરમબીકુમ વન્ય અભયારણ્યની વચ્ચે આવેલ છે. આ જિલ્લાની કુરુવન્નુર નદીની શાખાઓ પેરિયાર, ચલાકુડી અને કુરુવન્નુર તેમજ પોન્નાની નદી મુખ્ય નદીઓ છે. આ નદીઓનાં ઉદગમસ્થાન પૂર્વમાં પર્વતીય ક્ષેત્રોમાં રહેલા છે. અને પશ્ચિમે આવેલા ઢોળાવક્ષેત્રને અનુસરીને અંતે અરબીસમુદ્રને મળે છે. ઉપરોક્ત નદીઓ સિવાય અનેક નાની નદીઓ મુખ્ય નદીમાં ભળી જાય છે. નદીમાર્ગમાં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. અથીરાપિલ્લી (Athirappilly) જળધોધની વિશાળતા અને સૌંદર્યને કારણે તેને ‘ભારતનો નાયગરા’ કહેવામાં આવે છે. આ જિલ્લામાં પેરિયાર અને પોન્નાની (ભારથાપુઝા) નદીઓ ખૂબ ઓછા  અંતરે એકબીજાને સમાંતર વહે છે. આ સિવાય અહીં ચલાકુડી નદી, પેચી, વાત્ઝા, પુનમાલા વગેરે નદીઓ આવેલી છે.

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. માર્ચથી મે માસ ઉનાળાની ઋતુ અનુભવાય છે. જુલાઈ માસનું તાપમાન 26 સે.થી 32 સે. જ્યારે જાન્યુઆરી માસનું તાપમાન 19 સે.થી 28 સે. જોવા મળે છે. નૈર્ઋત્યના મોસમી પવનો જૂનથી સપ્ટેમ્બર માસના સમયગાળામાં અનુભવાય છે. વરસાદની માત્રા 3000 મિમી. જેટલી રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ઈશાન દિશાના પવનો અનુભવાય છે. જે પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખાય છે. ડિસેમ્બર સુધી આ પવનો થોડો વરસાદ આપે છે. ત્યાર બાદ ફેબ્રુઆરી માસ સુધી અહીંનું વાતાવરણ શુષ્ક રહે છે.

આ જિલ્લામાં આવેલાં જંગલો નિત્ય લીલાં અને ભેજવાળાં પાનખર જંગલોનું મિશ્રિત સ્વરૂપ છે. અહીં ભેજનું પ્રમાણ 80% કરતાં વધુ છે. વરસાદ આશરે 3000 મિમી. પડે છે. વાંસનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ સરગવો, આમલી, રોઝવુડ, કદમ, કુસુમ, ભારતીય ચેસ્ટનટ જેવાં વૃક્ષો અધિક છે. ફળાઉ વૃક્ષોમાં ફણસ, કેરી, નાળિયેરી, સોપારી જ્યારે બાગાયતી ખેતીમાં રબર, ચા, કૉફી, મરી, લવિંગ, ઇલાયચી વગેરે છે.

અર્થતંત્ર : અહીં ખેતી લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. અહીં જમીનસપાટી વૃક્ષોના પાનથી ઢંકાઈ જાય છે. જમીનનો રંગ કાળો, ભૂરો કે લાલ રંગનો હોય છે. આ જમીનમાં પોટાશ, ફૉસ્ફરસ તત્ત્વોની ઊણપ હોય છે. આવી જમીનમાં રબર, ચા, કૉફી, મસાલા, ફળો, શાકભાજીની ખેતી ‘બાગાયતી ખેતી’ સ્વરૂપે લેવાય છે. ખાદ્યાન્ત તરીકે ડાંગર, જવ, ઘઉં મુખ્ય છે. જ્યારે કપાસ, તમાકુ, નાળિયેરીની ખેતી જોવા મળે છે.

અહીં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝ અને કાપડ બનાવવાની મિલો આવેલી છે. કાથી અને નળિયાં બનાવવાના નાના મોટા ઉદ્યોગો આવેલા છે. જંગલોમાંથી મળતાં ઇમારતી લાકડાંને આધારે લાકડાં વહેરવાની મિલો આવેલી છે. અહીં સૌપ્રથમ ‘સો મિલ’ 1905માં સ્થપાઈ હતી. ખાદ્યપ્રક્રમણની ઇન્ડસ્ટ્રીઓ વિકસી રહી છે. દીવાસળીની સળીઓ બનાવવાના ઉદ્યોગો પણ આવેલા છે. આ સિવાય દવાઓ, રંગ બનાવવાના એકમો આવેલા છે. કેરળ રાજ્યમાં સૌપ્રથમ કૉફી બનાવવાનો પ્લાન્ટ 1957માં અહીં સ્થપાયો હતો. ખાદી અને હાથવણાટ કાપડ બનાવવાના ગૃહઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે.

પરિવહન – જોવાલાયક સ્થળો : આ જિલ્લાને અર્નાકુલમથી કોઇમ્બતુરને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ મળ્યો છે. જ્યારે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અહીંથી પસાર થાય છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા માર્ગની સારી સુવિધા છે. રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો, ટૅક્સીઓ ઉપલબ્ધ છે.

આ જિલ્લો જંગલોથી સભર હોવાથી તેમજ નાની નદીઓ ઉપર આવેલા ધોધને કારણે જોવાલાયક સ્થળો વધુ આવેલાં છે. જેમાં અથીરાપિલ્લી જળધોધ (ઊંચાઈ આશરે 30 મીટર) ત્રિચૂરથી 63 કિમી. દૂર આવેલ છે. અહીં ડ્રીમવર્લ્ડ અને સીલ્વસ્ટ્રોમ મનોરંજન માટેના પાર્ક આવેલા છે. ચલાકુડી નદી જે કેરળની પાંચમી સૌથી લાંબી નદી છે. અહીં મીઠા પાણીના મત્સ્યની વિવિધતા રહેલી છે. પુન્તાથુર કોટા હાથી અભયારણ્ય, પેરસી બંધ, પેચી-વાઝાની વન્ય અભયારણ્ય, પુનમાલા બંધ, પેરુવનમાલાની ટેકરી, વાઝાની બંધ, સ્નેહાથીરમ રેતીપટ, ચીમોની બંધ, કુડાલ મનીકયામ મંદિર, ત્રિચૂર પ્રાણીસંગ્રહાલય વગેરે છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,032 ચો.કિમી. છે. જ્યારે વસ્તી આશરે 32,43,170 (2018 મુજબ) છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1107 સ્ત્રીઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 95.32% છે. કેરળ રાજ્યમાં શહેરીકરણના સંદર્ભમાં આ જિલ્લો દ્વિતીય ક્રમે છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તીઓની ટકાવારી અનુક્રમે 58.42%, 17.07% અને 24.27% છે. હિન્દુઓમાં નૈયર, થીપ્પાસ, અમ્બાલાવાસીસ, બ્રાહ્મણ વગેરે. ક્રિશ્ચિયનોમાં કૅથલિક પંથના લોકોની વસ્તી 90% છે. ઈ. સ. 52માં સંત થોમસે અહીં સૌપ્રથમ ચર્ચ ઊભું કર્યું હતું. જે ભારતમાં સૌથી પહેલું સ્થપાયું હોવાનું મનાય છે. જ્યારે મુસ્લિમોની મસ્જિદના સંદર્ભમાં જોઈએ તો ભારતીય દ્વીપકલ્પમાં સૌપ્રથમ મસ્જિદ મલિક દીનારે ઈ. સ. 624માં બંધાવી હતી. આ મસ્જિદમાં કેરાલિયન સ્થાપત્ય જોવા મળે છે. જેમાં લટકતા દીવા રહેલા છે.

ત્રિચૂરને વહીવટી દૃષ્ટિએ 7 તાલુકામાં વિભાજિત કરેલ છે. જેમાં ત્રિચૂર ‘મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન’ ધરાવે છે. જ્યારે મુકુન્દાપુરમ્, કોડુન્ગાલુર, ચવાકાડ, થાલાપિલ્લી, ચાલાકુડી અને કુન્નામકુલમમાં  મ્યુનિસિપાલિટી આવેલી છે. આ જિલ્લો 1 જુલાઈ, 1949ના રોજ અસ્તિત્વમાં આવ્યો.

ઇતિહાસ : ત્રિચૂર (ત્રિશૂર) શબ્દ થ્રીસીવાપેરુ (Thrissivapeur) શબ્દ ઉપરથી બન્યો હોવાનું મનાય છે. જેનો અર્થ ‘ભગવાન શિવ’ (Lord Shiva) થાય છે. ચેરા સામ્રાજ્યનું પાટનગર વાન્ચી હતું. પ્રાચીન અને મધ્યકાળમાં કેરળ દરિયાપારના દેશો  સાથે વેપાર-વણજથી સંકળાયેલું હતું. 9થી 12મી સદીના ગાળામાં કોન્ડુગાલુર ખાતે ક્રિશ્ચિયન, યહૂદી અને મુસ્લિમોએ વેપાર અર્થે વસાહત સ્થાપી હતી. 1790થી 1805ના સમયગાળામાં રાજા રામા વર્માનું પ્રભુત્વ હતું.

કેરળનું સાંસ્કૃતિક કેન્દ્ર ત્રિચૂર હતું. આ શહેરમાં નૃત્ય અને સ્થાપત્ય કલાનો ઘણો વિકાસ થયો છે. આ શહેરમાં આવેલું ચર્ચ લેડી ઑફ ડોલોર્સ (Lady of Dolors) જે એશિયામાં ઊંચાઈને દૃષ્ટિએ ત્રીજો ક્રમ ધરાવે છે.

ત્રિચૂર (શહેર) : આ શહેર 10 31´ ઉ. અ. અને 76 21´ પૂ. રે. પર સ્થિત છે. જે કેરળ રાજ્યના મધ્ય ભાગમાં આવેલું છે. કોચીથી ઈશાને 75 કિમી. દૂર છે. તે સમુદ્રની સપાટીથી આશરે 22.83 મીટરની ઊંચાઈએ છે. આ શહેરની પાસે થેકીનકાડુ મેદાન (Thekkinkadu Maidan) ટેકરીની નજીક છે. આ ટેકરીનું ‘શિખર વીલાંગાન’ સૌથી ઊંચું છે. આ શહેરને કુદરતી જળપરિવાહ પ્રાપ્ત થયેલો છે. ‘ત્રિશૂર-પોન્નાની કોલે’ જળપ્લાવિત વિસ્તારમાંથી પાણી વિવિધ નદીઓ દ્વારા વહેતું રહે છે અને તે લક્ષદ્વીપ સમુદ્રમાં ઠલવાય છે. પરિણામે નદીમાં આવતા પૂરની માઠી અસરથી મુક્ત છે.

ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો અહીં આર્કિયન સમયના નાઈસ (સ્ફટિક – અબરખ) ખડકો આવેલા છે. આ શહેરની નજીક ઇન્ડિયન ટૅકટોનિક પ્લૅટ આવેલી છે. જેથી જ્વાળામુખીય પ્રવૃત્તિની સંભાવના રહેલી છે.

આ શહેરની આબોહવા ઉષ્ણકટિબંધીય વર્ષાઋતુ પ્રકારની છે. માર્ચથી મે માસ વધુ ગરમ હવા સાથે ભેજનું પ્રમાણ અધિક રહેતું હોવાથી જે વધુ અનુકૂળ બનતી નથી. દિવસ દરમિયાન તાપમાન 36 સે. થી 38 સે. રહે છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન નૈર્ઋત્યના મોસમી પવનોનો અનુભવ થાય છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસનો ગણાય છે. જે પ્રમાણમાં ઠંડો અને પવનસભર હોય છે. આ સમયગાળામાં તાપમાન 30 સે. જેટલું રહે છે. વર્ષાઋતુમાં વરસાદની માત્રા અધિક હોય છે. અહીં સરેરાશ વરસાદ 3100 મિમી. પડે છે. મે માસના અંતભાગથી વરસાદ આવવાની શરૂઆત થાય છે અને જુલાઈ માસના અંતથી વરસાદની માત્રા ઘટતી જાય છે.

અર્થતંત્ર : આ શહેર દક્ષિણ ભારતનું સોનાનાં ઘરેણાં અને સોનાના ઢોળ ચઢાવેલાં ઘરેણાં બનાવવાનું મુખ્ય કેન્દ્ર છે. કેરળનાં 70% સોનાનાં ઘરેણાં ત્રિચૂર ખાતે બને છે. અહીં આશરે 3000 કરતાં વધુ સોનાનાં ઘરેણાં બનાવતા એકમો આવેલા છે. આ ઘરેણાં બનાવવામાં 40,000 કરતાં વધુ કારીગરો રોકાયેલા છે. આશરે બે લાખ કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે સોનાનાં ઘરેણાં બનાવવાના વ્યવસાયમાં રોકાયેલા છે. કેરળમાં બનતા એક ટન સોનાનાં ઘરેણાંમાં 85% જેટલો સોનાનો વપરાશ આ ત્રિચૂર ખાતે એક જ દિવસમાં થાય છે. કેરળમાં દાગીના બનાવવા દરરોજ 90 ટન સોનાનો ઉપયોગ થાય છે.

ત્રિચૂર આજે કેરળમાં ‘બૅન્કિંગ શહેર’ તરીકે જાણીતું બન્યું છે. 58 બૅન્કોનાં મુખ્ય કાર્યાલય અહીં આવેલો છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, મન્નાપુરમ્ જનરલ ફાઇનાન્સ કંપનીનાં મુખ્ય કાર્યાલય અહીં આવેલાં છે. 2010માં આશરે 3000 ચીટ ફંડ કંપનીઓ અહીં આવેલી હતી.

આ શહેરમાં આયુર્વેદિક દવાઓ બનાવતી અનેક કંપનીઓ તેમજ ટેલિકોમ્યુનિકેશન અને I.T. ક્ષેત્રની ઘણી કંપનીઓ અહીં છે.

પરિવહન : આ શહેર પાકા રસ્તા અને રેલમાર્ગથી સંકળાયેલું છે. કોઇમ્બતુર અને અર્નાકુલમને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને 544 ત્રિચૂરથી પસાર થાય છે. આ સિવાય રાજ્ય અને જિલ્લામાર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. કેરળમાં જાણીતી ‘શકટાન થમ્પુરન’ ખાનગી બસ કંપનીની સેવા અહીં ઉપલબ્ધ છે. આ સિવાય ખાનગી બસ, ટૅક્સી, ઑટોરિક્ષા અહીં ઉપલબ્ધ છે.

આ શહેર ‘દક્ષિણ રેલવે વિભાગ’માં આવે છે. આ શહેરમાં ચાર રેલવેસ્ટેશનો આવેલાં છે. અહીં બ્રૉડગેજ રેલવે બ્રિટિશરોના સમયથી સ્થપાયેલી છે. હવે આ રેલવેમાર્ગ ઉપર સંપૂર્ણ વીજળીકરણ થયેલું છે. ત્રિચૂર રેલવે જંકશન સૌથી મોટું છે. પરાં વિસ્તારોને સાંકળતી રેલવેનું ગીચ જાળું પથરાયેલું છે. અહીં કોચી અને પલક્કડ શહેરને જોડતી ‘મેમુ’ સેવા પણ ઉપલબ્ધ છે.

ત્રિચુરનો પુરમ્ ઉત્સવ — એક દૃશ્ય

સંસ્કૃતિ : આ શહેર ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને વસ્તીની વિવિધતાની દૃષ્ટિએ આગવું શહેર છે. એક સમયે ‘કોચીન રાજ્ય’નું પાટનગર હતું. અસીરિયન, ગ્રીક, પર્શિયન, અરબ, રોમન, પોર્ટુગીઝ, ડચ અને ઇંગ્લિશ પ્રજાના વેપાર-વણજ સાથે સંકળાયેલું શહેર હતું.

અહીં અનેક મંદિરો આવેલાં છે. જેમાં વડક્કુમાનાથન (Vadaakkumnathan) મંદિર, થીરુવમ્બાડી શ્રીકૃષ્ણ મંદિર અને પરામેકુવુ (Paramekkavu) મંદિર વધુ પ્રસિદ્ધ છે. અહીં ક્રિશ્ચિયનોનાં ચર્ચ કે જેમાં સેંટ એન્ટોની સીરો-મલબાર કૅથલિક ફોરાને, લેડી ઑફ લૉર્ડ – સીરો મલબાર કૅથલિક મેટ્રોપોલિટન કૅથીડ્રલ અને લેડી ઑફ ડોલોર્સ – સીમો મલબાર કૅથલિક બાસીલીકા જે ભારતમાં સૌથી મોટા ગણાય છે.

ઉત્સવોની ઉજવણી અહીં વધુ થાય છે. તેમાં દર વર્ષે મધ્ય એપ્રિલ અને મધ્ય મે માસના ગાળામાં એટલે કે મલબારની સંસ્કૃતિના કૅલેન્ડર મુજબ સૌથી મોટો ‘પૂરમ’ ઉત્સવ ઊજવાય છે. આ ઉત્સવમાં વિવિધ જગ્યાએથી હાથીઓ લાવવામાં આવે છે. ‘ઓનમ’ પણ ડાંગરની કાપણી સમયે ઊજવાય છે. પૂલીકાલીનો ઉત્સવ પણ મહત્ત્તવનો છે. ક્રિશ્ચિયનોના ‘નાતાલ’ ઉત્સવનું મહત્ત્વ વધુ છે. રામાધાન (રમજાન) માસનું મહત્ત્વ મુસ્લિમો માટે વધુ છે.

અહીં ડાંગરનો મહત્તમ ઉપયોગ થાય છે. ચોખામાંથી વિવિધ વાનગીઓ બનાવાય છે, જેમાં અચ્ચાપામ, કુઝહાલપ્પમ, યુનિયાપ્પમ વગેરે.

વસ્તી : આ મેટ્રોપોલિટન શહેરનો વિસ્તાર 101.42 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 13,67,742 છે. બૃહદ શહેરની વસ્તી (2011 મુજબ) 24,06,791 છે. સમુદ્રની સપાટીથી 39.58 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંની મુખ્ય ભાષા મલયાળમ અને અંગ્રેજી છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1092 છે. સાક્ષરતાનું પ્રમાણ 95.96% છે. હિન્દુઓની વસ્તી 54.20%, ક્રિશ્ચિયનોની વસ્તી 40.04% જ્યારે મુસ્લિમોની સંખ્યા 5.50% છે. ત્રિચૂર ખાતે મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન શહેરનો વહીવટ ચલાવે છે. આ શહેરને 52 વૉર્ડમાં વિભાજિત કરેલ છે. આ શહેરનો વિકાસ થાય તે માટે ‘ત્રિચૂર અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટી’ની સ્થાપના કરવામાં આવી છે.

પ્રાચીન સમયથી આ શહેર શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું રહ્યું છે. અહીં ખાનગી અને સરકારી શાળાઓ આવેલી છે. શિક્ષણનું માધ્યમ મલયાળમ અને અંગ્રેજી ભાષા છે. CBSE, ICSE અને NOIS શિક્ષણપદ્ધતિ જોવા મળે છે. આર્ટ્સ, સાયન્સ, કૉમર્સ, એન્જિનિયરિંગની કૉલેજો આવેલી છે.

ઇતિહાસ : ત્રિચૂર કેરળમાંનું વિખ્યાત તીર્થસ્થાન છે. નગરની સ્થાપના પરશુરામે કરી હતી અને તેમનાં અંતિમ દર્શન પણ ત્યાં જ થયાં હતાં એવી આખ્યાયિકા છે. નગરની મધ્યમાં આવેલ એક ટેકરી પર પ્રખ્યાત શિવમંદિર છે. પથ્થરના બનેલા કોટથી તે ઘેરાયેલું છે. કોટમાં અલગ અલગ દિશામાં ચાર ગોપુર છે. આ મંદિર કેરળના શિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. મુખ્ય મંદિરની આસપાસ નાનાંમોટાં અનેક મંદિરો છે, જેના બાંધકામમાં લાકડાંનો પુષ્કળ ઉપયોગ થયેલો છે. લાકડા પરનું નકશીકામ કોતરણીકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. ત્યાં સોળમી અને સત્તરમી સદીનાં ભીંતચિત્રો જોવાલાયક છે. આદિ શંકારાચાર્યનાં માતાપિતાએ આ જ મંદિરમાં પુત્ર માટેની કામના કરી હતી. 1760માં સામુરી આક્રમણ પછી નગરનું રક્ષણ કરવા માટે 1774માં તેની કિલ્લેબંધી કરવામાં આવી હતી. 1776માં હૈદરઅલીએ તથા 1789માં ટીપુ સુલતાને આ નગર પર આક્રમણ કર્યું હતું. સોળમી સદીના કોચીનના રાજાઓ આ નગરમાં રહેતા હતા. સીરિયન ક્રિશ્ચિયનોનું મહત્ત્તવનું કેન્દ્ર ગણાય છે. નગરમાં તેમનું જાણીતું દેવળ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી