ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ પશ્યંતી, મધ્યમા અને વૈખરી ત્રણેય વાણીઓના સંકેત પ્રાપ્ત થાય છે. આને કારણે ક્યારેક કાશ્મીરી-શૈવદર્શન ‘ત્રિક્-દર્શન’ને નામે ઓળખાય છે. આ ત્રિક્-દર્શનની સહુથી મોટી વિશેષતા એ છે કે એમાં ક્યાંય આત્યંતિકતા અનુભવાતી નથી. તે પ્રકૃત્તિને સાંખ્યની જેમ એકદમ નિરપેક્ષ સત્તા માનતું નથી તેમ અદ્વૈત વેદાંતની જેમ નિષ્કેવળ બ્રહ્મ રૂપે પણ સ્વીકારતું નથી. ત્રિક્-દર્શન વાસ્તવમાં માનવસ્વભાવનાં બધાં અંગોને સ્પર્શ કરવા પ્રયત્ન કરે છે. કેમકે તેને મતે ચૈતન્યરૂપ હોવાને કારણે શિવ પ્રત્યેક વસ્તુ સાથે તાદાત્મ્ય સ્થાપિત કરાવીને જ્ઞાન-બોધ કરાવે છે. પોતાની શક્તિ સાથે શિવશક્તિ સદાય લીલારત હોવાને લઈને સતત વૈવિધ્યપૂર્ણ ઇચ્છાશક્તિ પ્રગટ્યા કરે છે.
પ્રવીણચંદ્ર પરીખ