ત્યાગ : પોતાની પાસે હોય તેવી વસ્તુ બીજાને આપવી કે પોતે ન સ્વીકારવી તેનું નામ ત્યાગ. સારી વસ્તુ બીજાને આપવી કે ખરાબ વસ્તુથી પોતે દૂર રહેવું તે બંને વાત ત્યાગમાં સંભવે છે.

ભારતીય દર્શનોમાં ત્યાગના અંતર્ત્યાગ અને બહિર્ત્યાગ – એવા બે પ્રકારો ગણાવ્યા છે. સારી કે ખરાબ બંને જાતની વસ્તુઓનો સમજપૂર્વક મનથી ત્યાગ થાય તે અંતર્ત્યાગ છે. જ્યારે કોઈ વસ્તુથી શરીરને દૂર રાખવામાં આવે તેને બહિર્ત્યાગ કહે છે. એમાં વસ્તુની મનમાં ઇચ્છા હોય છતાં બાહ્ય રીતે તેનો શરીરથી ત્યાગ કરવામાં આવે છે. માટે બહિર્ત્યાગ અંતર્ત્યાગથી ઊતરતી કક્ષાનો ગણાયો છે. કોઈ વસ્તુના અભાવને કારણે થતો ત્યાગ પરાણે કરવો પડે છે. જ્યારે સ્વૈચ્છિક રીતે વસ્તુ હોવા છતાં કરવામાં આવતો ત્યાગ તેનાથી વધુ સારો છે.

મીમાંસાશાસ્ત્ર મુજબ પ્રાજાપત્યા ઇષ્ટિમાં પોતાની બધી વસ્તુઓનો ત્યાગ કરનાર મનુષ્ય મોક્ષ પામે છે. ઉપનિષદો તો ત્યાગનો અનેરો મહિમા બતાવે છે. સાંસારિક વસ્તુને ત્યાગીને  મોક્ષનો આનંદ ભોગવવાની ઇશાવાસ્યોપનિષદની સલાહ પ્રસિદ્ધ છે; પરંતુ સંસારમાંની વસ્તુઓનો ભોગ પણ નિષિદ્ધ નથી. ફક્ત લોલુપતા કે આસક્તિનો ત્યાગ અભિપ્રેત છે. મિથ્યા જગતના ત્યાગથી સંસારનાં સર્વ દુ:ખો દૂર થાય છે અને મોક્ષનું પરમ સુખ પ્રાપ્ત થાય છે એમ વેદાન્તશાસ્ત્ર કહે છે. ભગવદગીતા અનુસાર કામ્ય કર્મોનો ત્યાગ અને ફળની ઇચ્છાનો ત્યાગ કરીને કર્મો કરનાર સાચો કર્મયોગી મોક્ષ પામે છે. ધર્મશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર આખા રાજ્યના લાભ માટે એક ગામના લાભનો, આખા ગામ માટે એક કુટુંબના લાભનો, અને આખા કુટુંબ માટે એક વ્યક્તિના લાભનો ત્યાગ કરવાની ભલામણ કરે છે. સમાજ માટે વ્યક્તિનો છેદ ઉડાડતા આ શાસ્ત્રમાં આત્માના કલ્યાણ માટે સકળ જગતનો ત્યાગ કરવાની સલાહ પણ છે. આમ ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને ત્યાગી મનુષ્યનો ઘણો આદર કરવામાં આવ્યો છે. ત્યાગ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે.

છેક ઉપનિષદના મંત્રદ્રષ્ટા ઋષિઓ વસ્તુના ત્યાગ દ્વારા વસ્તુને ભોગવ્યાનો આનંદ મેળવવા ભલામણ કરે છે. સાંસારિક ભોગથી બંધન પ્રાપ્ત થાય છે; પરંતુ તેનો ત્યાગ કરવાથી અમરપણું કે મોક્ષ પ્રાપ્ત  થાય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની તમામ ધનનો ત્યાગ કરી મોક્ષના માર્ગે જવાની  ઉપનિષદ-કથા ખૂબ જાણીતી છે. ગૌતમબુદ્ધનું મહાભિનિષ્ક્રમણ પણ રાજપાટ, કુટુંબ વગેરે તમામ સાંસારિક ભોગનો ત્યાગ કરી નિર્વાણના માર્ગે લઈ જનારું બન્યું છે. દાનેશ્વરી કર્ણ કવચકુંડળના દાન દ્વારા મૃત્યુ સ્વીકારીને મૃત્યુ પર વિજય મેળવવાનું કાર્ય પોતાના પ્રાણત્યાગથી કરે છે. બલિરાજા પણ ભગવાનને દાન આપી પોતાના ત્યાગથી જ સિદ્ધિ હાંસલ કરે છે. વસ્તુમાં મમત્વ, આસક્તિ કે સ્વામિત્વ, રાખવાથી મૃત્યુ અને સંસારના માર્ગે આવાગમન થયા કરે છે, જ્યારે સ્વામિત્વ આસક્તિ કે મમત્વનો ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ, ત્યાગ બધાં જ દુ:ખોનો નાશ કરે છે. ભૌતિક અને માનસિક ત્યાગ તો ત્યાગના જાણીતા પ્રકારો છે; પરંતુ ત્યાગના અનેક પ્રકારો આ જગતમાં જોવા મળે છે. દેવપૂજા વગેરે ધાર્મિક વિધિઓને અંતે તેનું ફળ ‘મારું નથી, પરંતુ તે દેવનું છે’, એવું ઈશ્વરાર્પણ કે બ્રહ્માર્પણનો ભાવ જગાવતું કાર્ય એ ત્યાગનો જ પાયો ધરાવે છે.

જગતમાં જન્મનાર એક બાળક જન્મથી જ પોતાનાં માતાપિતા, કુટુંબ, સગાંસબંધી, પાડોશી, સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર પાસેથી ઘણું ઋણ સ્વીકારે છે. તેથી યુવાનવયે ગૃહસ્થ બનીને તે ઋણનો બદલો અનેક વસ્તુઓના ત્યાગ અને અન્યને ઉપકારક પ્રવૃત્તિઓ વડે ચૂકવે છે. વ્યક્તિએ પોતે આખા કુળના ફાયદા માટે, આખા ગામના ફાયદા માટે એક કુળે તેમજ આખા રાજ્યના ફાયદા માટે એક ગામે પોતાને થતું નુકસાન વેઠી લેવું એ ધર્મશાસ્ત્રનો નિયમ કુટુંબ, સમાજ અને રાજ્ય માટે વ્યક્તિએ ત્યાગ કરવાના પાયા પર રહેલો છે. દેવો માટે ધર્મકાર્યના ફળનો ત્યાગ, સમાજ અને રાજ્ય માટે પોતે એકત્ર કરેલા ધન અને કીમતી વસ્તુઓનો ત્યાગ, સમાજવ્યવસ્થા ટકાવવા પોતાની કામનાઓનો ત્યાગ અને છેલ્લે, આત્માના મોક્ષ માટે સકળ સંસારનો ત્યાગ એ જ ધર્મશાસ્ત્રનો અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો સઘળો સાર છે. શૂરવીર વ્યક્તિ માટે શત્રુ સામે પોતાના રાજ્યને બચાવવા પ્રાણનો ત્યાગ વીરગતિ કે મોક્ષ અપાવનાર છે. હાથમાં શસ્ત્ર લીધા વગર ફક્ત દેશબાંધવોના કલ્યાણ માટે સ્વતંત્રતા માટે વિદેશીઓ સામે સત્ય અને અહિંસાથી સત્યાગ્રહ, હડતાળ અને અનશન કરનાર મહાત્મા ગાંધી પણ ત્યાગથી વીરગતિ પામનાર મનુષ્યનું અનેરું ઉદાહરણ છે. વેદશાસ્ત્રમાં કહેલા યજ્ઞો પણ સમૂહને માટે વ્યક્તિને ત્યાગનો  સંદેશો પાઠવનાર છે. પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડનારા ત્યાગી કે સંન્યાસી ભક્તો ત્યાગથી જ મોક્ષ પામ્યા છે અને જીવનને ઊજળું બનાવી ગયા છે. ત્યાગમાં સારી વસ્તુનું દાન એકલું જ નથી. મનુષ્યે પોતે સારા બનવા શરીર અને મનને હાનિકારક વસ્તુઓનો  અનેક દુર્ગુણો અને વ્યસનો વગેરેનો ત્યાગ કરવો, જેથી જીવનને નવી દિશા મળે. આમ, ત્યાગ અનેક પ્રકારે થઈ શકે છે અને તે જ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું પાયાનું તત્વ છે. માટે જ ભગવદગીતામાં શાંતિ માટે ત્યાગનું મહત્વ ગાવામાં આવ્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી