તોરી : પ્રાચીન જાપાનના શિન્ટો મંદિર સંકુલમાં પ્રવેશસ્થાન નિર્ધારિત કરતું તોરણ. તેની રચનામાં બે સ્તંભ પર સ્તંભની બંને તરફ બહાર નીકળતા એક અથવા બે મોભ મુકાતા. આ મોભના છેડા ઉપરની તરફ વળેલા રહેતા. શરૂઆતના તબક્કામાં તોરીની રચના લાકડામાંથી કરાતી. પાછળથી તેમાં પથ્થરનો ઉપયોગ પણ થતો.
જાપાનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર પછી ભારતીય સ્તૂપના તોરણના ખ્યાલ પ્રમાણે તોરી બનાવાયાં. તેને સામાન્ય રીતે લાલ રંગે રંગતા. મંદિરની ભૌગોલિક અને ધાર્મિક સીમા નિર્ધારિત કરતો ‘તોરી’ શબ્દ પાછળથી પર્વતના પ્રવેશદ્વાર તરીકે પણ પ્રયોજાયો. જુઓ તોરણ.
હેમંત વાળા