તૈત્તિરીય બ્રાહ્મણ : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાનો બ્રાહ્મણ ગ્રંથ. ત્રણ કાંડોના બ્રાહ્મણ ગ્રંથમાં 10 અધ્યાયોનો આરણ્યક ભાગ પણ જોડવામાં આવ્યો છે. પહેલા કાંડમાં 8 પ્રપાઠકો અને 78 અનુવાકો, બીજા કાંડમાં 8 પ્રપાઠકો અને 96 અનુવાકો અને ત્રીજા કાંડમાં 12 પ્રપાઠકો અને 134 અનુવાકો રહેલા છે. આરણ્યક ભાગના 10 અધ્યાયોમાં 7થી 9 અધ્યાયો તૈત્તિરીય ઉપનિષદ તરીકે અને 10મો અધ્યાય નારાયણ ઉપનિષદ તરીકે ઓળખાય છે. પહેલા કાંડમાં અગ્ન્યાધાન, ગવામયન, વાજપેય, સોમયાગ, નક્ષત્રેષ્ટિ, રાજસૂય વગેરે યજ્ઞોની વાત છે. બીજા કાંડમાં અગ્નિહોત્ર, ઉપહોમ, સૌત્રામણિ, સવનો, રાજ્યાભિષેક, રથારોહણ વગેરેની વિગતો છે. ત્રીજા કાંડમાં નક્ષત્રેષ્ટિની શેષ વિગતો, પુરુષમેધ, બલિ આપવા યોગ્ય પશુઓ, યૂપ સંસ્કાર, યજ્ઞમાં થતી ભૂલો, અશ્વમેધ, અવભૃથસ્નાન, સાવિત્ર યજ્ઞ, નાચિકેતાગ્નિ, ચાતુર્હોત્ર, વિશ્વસૃજ્ યજ્ઞ વગેરેની વિગતો છે. સાયણ, ભટ્ટભાસ્કર, ભવસ્વામી અને રામાગ્નિચિત્ જેવા તેના ભાષ્યકારો દક્ષિણ ભારતમાં આ ગ્રંથનો પ્રચાર સૂચવે છે. તેમાં બ્રહ્મચર્ય, પ્રણવ, બ્રહ્મ, ચાર વેદોમાંથી બ્રાહ્મણ વગેરે વર્ણોની ઉત્પત્તિ, તપ, નાચિકેતાગ્નિ અને સૌત્રામણિ યજ્ઞમાં સુરાપાન વગેરે બાબતો ધ્યાન ખેંચે તેવી છે. જ્યોતિષ, ઇતિહાસ, પુરાણ વગેરેના ઉલ્લેખોની સાથે તેમાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ વિશે ઘણી માહિતી છે.
સુરેશચંદ્ર કાંટાવાળા