તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા Tel Aviv Jaffa) : ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈર્ઋત્ય તરફ આશરે 80 કિમી. તથા જેરૂસલેમથી વાયવ્ય હાઇફાથી આશરે 56 કિમી. દૂર આવેલું છે. વિસ્તાર : નગર : 52 ચોકિમી., શહેર : 176 ચોકિમી., મહાનગર : 1516 ચોકિમી., 1909માં શેરોનના મેદાનમાં પાસેના જાફા શહેરના ઉદ્યાન ઉપનગર તરીકે તેની સ્થાપના થઈ. અતિ પ્રાચીન ઇતિહાસ ધરાવતા (ઈ. સ. પૂ. પંદરમી સદી) ગીચ વસ્તીવાળા જાફા શહેરની સરખામણીમાં આ નગર એક અત્યાધુનિક સમૃદ્ધ અને વિકસતું શહેર છે. ઇઝરાયલની રચના પહેલાં તે એકમાત્ર યહૂદી વસ્તી ધરાવતું નગર હોઈને તેના મધ્યવર્તી સ્થાનને લઈને તે વ્યાપારી, રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સૌથી વધારે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું.
ઔદ્યોગિક કેન્દ્ર તરીકેના તેના વિકાસમાં મોટી સંખ્યામાં બહારથી આવેલ ટૅકનિકલ અને સંચાલકીય કૌશલ ધરાવતા લોકો અને મૂડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાપડ, ઇલેક્ટ્રૉનિક્સ, ખાદ્ય-પ્રક્રમણ, રસાયણ, દવાઓ તથા યંત્રોના ઉત્પાદનને લગતા ઉદ્યોગો અહીં મુખ્ય છે. બૅંકો, શૅરબજાર, ચેમ્બર ઑવ્ કૉમર્સ તથા શ્રમ-સંઘનાં વડાં મથકો પણ તેલ-અવીવ ખાતે આવેલ છે. દેશના તમામ રાજકીય પક્ષોની વડી કચેરીઓ પણ અહીં છે. તેલ-અવીવમાંથી તમામ મુખ્ય અખબારોનું પ્રકાશન થાય છે.
1933માં હાઇફા ખાતે આધુનિક બંદરની શરૂઆત થતાં તેલ-અવીવ તથા જાફા ખાતેનાં નાનાં બંદરો બંધ કરવામાં આવ્યાં. રેલ માર્ગે તે હાઇફા, જેરૂસલૅમ તથા બેરસેબા સાથે સંકલિત છે. ઇઝરાયલનાં તમામ નગરો સાથે તે અદ્યતન વિશાળ માર્ગોથી જોડાયેલું છે. લૉડ તેનું આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. ઇલાથ તથા ગેલીલી સાથેનો વિમાની સંપર્ક સ્થાનિક હવાઈ મથકેથી થાય છે.

ભૂમધ્ય સમુદ્રના કિનારે તેલ-અવીવ શહેર
ઇઝરાયલની કલા અને રંગમંચની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ તેલ-અવીવ બની રહ્યું છે. ત્યાં આવેલાં હાબીમા અને ચૅમ્બર નાટ્યગૃહો સુપ્રસિદ્ધ છે. ઇઝરાયલી ફિલહાર્મોનિક ઑરકેસ્ટ્રા તથા ઑપેરા પણ અહીંનું આકર્ષણ છે. તેલ-અવીવ યુનિવર્સિટીની સ્થાપના 1956માં થઈ. ‘શેલોમ ટાવર્સ’ નામની 32 માળની બહુમાળી ઇમારત યુનિવર્સિટીના કૅમ્પસની આભામાં વધારો કરે છે.
તેનો શરૂઆતનો વિકાસ જાફાથી દૂર ઉત્તર તરફ મુગરાબી ચૉક સુધીનો હતો. 1930ના દાયકા દરમિયાન દરિયાકાંઠાની સાંકડી રેતાળ પટ્ટીને પગલે પગલે ઉત્તરમાં આવેલ યાર્કોન નદી સુધી તે વિસ્તર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) પછી યહૂદી વસાહતીઓના ધસારાને સમાવવા માટે નવાં ઉપનગરો રચવામાં આવ્યાં અને તેનો વિસ્તાર નગરની પૂર્વ દિશાએ આગળ વધ્યો. આ પૂર્વીય વિસ્તારમાં મુખ્યત્વે રહેણાકનાં મકાનો આવ્યાં છે. જૂના તેલ-અવીવની પૂર્વ બાજુએ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે. 1950 સુધીમાં તો તેલ-અવીવના વિકાસમાં પૂર્વમાં આવેલ ઘણી નગરપાલિકાઓનો લોપ થયો. 1949માં જાફા અને તેલ-અવીવના સંયોજનને માન્ય રાખવામાં આવ્યું ત્યારથી તેના મહાનગરપાલિકા તરીકેના વિકાસને કાનૂની માન્યતા પ્રાપ્ત થઈ. 1950ના દાયકાના ઉત્તરાર્ધમાં તેલ-અવીવમાં ઘણી ગગનચુંબી ઇમારતો ઊભી થઈ.
ઇતિહાસ : તેલ-અવીવના વિકાસનો પ્રાચીન ઇતિહાસ તપાસીએ તો જાણવા મળે છે કે તેના ભાગરૂપ જાફા એક પ્રાચીન કેન્નાઇટ નગર હતું. ઇજિપ્તના થુટમોસ 3 જાના સેનાપતિ થુટીએ તેના પર કબજો જમાવ્યો હતો (ઈ. સ. પૂ. પંદરમી સદી). ઇજિપ્તના નવા રાજ્યનું તે પ્રાદેશિક પાટનગર હતું. બાઇબલના ‘જૂના કરાર’માં પણ તેનો ઉલ્લેખ છે. શરૂઆતમાં તે ફિલિસ્તિની લોકોના અંકુશમાં હતું; પરંતુ પાછળથી ઇઝરાયલી રાજાઓ ડેવિડ અને સોલોમનના કબજામાં આવ્યું. એસીરિયનો, પર્શિયનો, સીરિયનો, રોમનો અને તુર્કોએ પણ તેના પર શાસન કર્યું. સત્તરમી સદીના અંત ભાગે એક બંદર તરીકે તેનો વિકાસ થયો. આધુનિક નગર તરીકેનો તેનો વિકાસ 1920થી શરૂ થયો. ‘બૅલફર ઘોષણા’(1917)ને પગલે પગલે ત્યાં યહૂદી વસાહતીઓ આવીને વસ્યા. પેલેસ્ટાઇન પરના બ્રિટિશ ‘મેન્ડેટ’ (1923–48) પછી તેની વસ્તીમાં વધારો થયો. 1948માં સ્વતંત્ર ઇઝરાયલ રાજ્યની સ્થાપના પછી જાફાના મૂળ આરબ લોકો (65,000) ઇઝરાયલ છોડી જતા રહ્યા. 1950 પછી જાફા અને તેલ-અવીવના સંયોજન પછી આ નગર ઇઝરાયલનું મહત્વનું આર્થિક, ઔદ્યોગિક તથા રાજકીય નગર બની રહ્યું છે. તેની કુલ વસ્તી : નગર – 4,60,613; શહેરી : 13,88,400; મહાનગર : 38,54,000 (2019) છે.
નવનીત દવે