તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર મુકામે પેટા-કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે. આ કેન્દ્રોને રાજ્યસરકાર તરફથી તા. 1 જૂન, 1992થી ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં તબદીલ કરવામાં આવેલ છે. આ કેન્દ્રો ઉપરાંત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તથા વિશ્વબૅંકની સહાયથી 1968થી 1983ના સમય દરમિયાન વિવિધ તેલીબિયાં પાકો જેવા કે મગફળી, દિવેલાં, તલ, સૂર્યમુખી, સોયાબીન અને રાઈ-સરસવ ઉપર જુદી જુદી સંશોધન યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેની વિગત આ મુજબ છે :
અ.નં. | યોજનાનું નામ | શરૂ થયાનું વર્ષ |
1. | પ્રોજેક્ટ ફૉર રિસર્ચ ઑન ઑઇલસીડ્ઝ | 1962 |
2. | ઑલ ઇન્ડિયા કો-ઑર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ
ઑન ઑઇલસીડ્ઝ |
1968 |
3. | ઑલ ઇન્ડિયા કો-ઑર્ડિનેટેડ રિસર્ચ
પ્રોજેક્ટ ઑન સોયાબીન |
1971 |
4. | નૅશનલ ઍગ્રિકલ્ચર રિસર્ચ પ્રોજેક્ટ | 1982 |
5. | સ્ટ્રેગ્થનિંગ રિસર્ચ ઇન ઑઇલસીડ્ઝ | 1987 |
6. | ઑલ ઇન્ડિયા કો-ઑર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ
ઑન પ્લાન્ટ પેરેસાઇટિક નીમેટોડ |
1987 |
7. | પ્રોજેક્ટ ફૉર પ્રોડક્શન ઑવ્ બ્રીડર સીડ
ફૉર એન્યુઅલ ઑઇલસીડ-ક્રૉપ્સ |
1988 |
ઉપરની યોજનાઓ પૈકી અ.નં. 3માં બતાવેલ સોયાબીન સંશોધન યોજના 1993થી બંધ થયેલ છે અને અ.નં. 4માં બતાવેલ યોજના રાજ્યસરકાર તરફથી ચાલુ રહેલ છે. જ્યારે 1988થી ધરમપુર ખાતે રામતલ સંશોધન યોજના શરૂ થયેલ છે. 1989થી જૂનાગઢ કેન્દ્ર ઉપર મુખ્યત્વે મગફળી, સરદાર કૃષિનગર ખાતે રાઈ અને દિવેલાં અને અમરેલી કેન્દ્ર ઉપર અન્ય તેલીબિયાં પાકોની સંશોધન-કામગીરી પ્રગતિમાં છે.
મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના હેતુઓ : જુદા જુદા તેલીબિયાં પાકોની વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી, રોગપ્રતિકારક જાતો શોધવી અને ખેતીવિષયક તેમજ પાકસંરક્ષણની પદ્ધતિઓ વિકસાવી ખેડૂતોને ભલામણ કરવી. તેલીબિયાં પાકોની ભલામણ થયેલ જાતોનું ન્યૂક્લિયસ અને બ્રીડર કક્ષાનું બિયારણ જરૂરિયાત મુજબનું તૈયાર કરવું.
સંશોધનની સિદ્ધિઓ : તેલીબિયાં પાકોમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થયેલ સંશોધનના પરિણામ રૂપે કુલ 92 ખેડૂત-ઉપયોગી ભલામણ કરવામાં આવી છે. તેની વિગત સારણી-1માં આપવામાં આવેલ છે.
સારણી 1 : તેલીબિયાં પાકોમાં ખેડૂત–ઉપયોગી ભલામણો
અ.નં. | પાકનું નામ | પાકસંવર્ધન | ક્ષેત્રવિદ્યા | પાકસંરક્ષણ | કુલ |
1. | મગફળી | 11 | 12 | 10 | 33 |
2. | એરંડા | 6 | 5 | 6 | 17 |
3. | તલ | 5 | 4 | 3 | 12 |
4. | રાઈ | 4 | 7 | 5 | 16 |
5. | સોયાબીન | 2 | 6 | – | 08 |
6. | સૂર્યમુખી | 2 | 4 | – | 0 |
30 | 38 | 24 | 92 |
પાકસંવર્ધન : પાકસંવર્ધનના સઘન પ્રયાસોના ફળ-સ્વરૂપે નીચે મુજબની જાતો સામાન્ય ખેતી માટે બહાર પાડવામાં આવેલ છે :
પ્રકાર | જાત | વર્ષ |
1. મગફળી
(1) વેલડી
(2) ઉભડી
(3) અર્ધવેલડી |
જીએયુજી – 10 એમ – 13 જીજી – 11 સોમનાથ જીજી – 12 જીજી – 13 જૂનાગઢ – 11 જીએયુજી – 1 જેએલ – 24 જીજી – 2 જીજી – 2 જીજી – 4 જીજી – 20 |
1973 1977 1984 1989 1991 1994 1964 1973 1982 1984 (ઉનાળુ ઋતુ માટે) 1986 (ખરીફ ઋતુ માટે) 1993 1991 |
2. દિવેલાં(એરંડા) | જે-1 (જાત)
જીએયુસી-1 (જાત) જીસીએચ-3(હાઇબ્રિડ) જીએયુસીએચ-1 (’’) જીસીએચ-2 (’’) જીસીએચ.4 (’’) |
1968–69
1973–74 1968–69 1973–74 1984–85 1989–88 |
3. તલ : જાતો : મૃગ-1, પાટણ-64, ગુજરાત-1, ગુજરાત-2 અને
અર્ધશિયાળુ ઋતુ માટે પૂર્વા-1. |
||
4. રાઈ : જાતો : પાટણ-66, પાટણ-69, વરુણા (ટી.59) અને
ગુજરાત રાઈ-1. |
||
5. સોયાબીન : ગુજરાત સોયાબીન-1 અને ગુજરાત સોયાબીન-2. | ||
6. સૂર્યમુખી: ઈસી 68414, મૉડર્ન અને ગુજરાત સૂર્યમુખી-1 |
ક્ષેત્રવિદ્યા : તેલીબિયાં પાકોમાં ખેતીવિષયક પદ્ધતિઓ જેવી કે, વાવણીનો અનુકૂળ સમય, બિયારણનું પ્રમાણ, છોડની બે હાર વચ્ચે અનુકૂળ અંતર, ખાતરનું પ્રમાણ, ખાતર આપવાનો સમય, નીંદામણનાશક દવાનો ઉપયોગ, પિયતની સંખ્યા, તે ક્યારે અને તે આપવાની પદ્ધતિ, મિશ્રઆંતરપાક પદ્ધતિઓ તેમજ ઉત્પાદન પરનાં પરિબળોનો અભ્યાસ વગેરે અંગે સંશોધન-કામગીરી થઈ રહી છે.
દેહધર્મવિદ્યા : મગફળીના પાકમાં ડોડવા/દાણાના સંગ્રહ દરમિયાન સ્ફુરણશક્તિની જાળવણી, ઠંડા તાપમાનમાં ઉગાવા અંગેની ક્ષમતા, ડોડવા બનવાના કાળ દરમિયાન ખોરાકની ફાળવણી, શુષ્કતાપ્રતિકારક શક્તિ ધરાવતી જાતો તેમજ ઊભડી મગફળીના દાણામાં કાપણી બાદ 15 દિવસની સુષુપ્તતા ધરાવતી જાતો શોધવા અંગે ચકાસણીની કામગીરી થાય છે.
પાકસંરક્ષણ : તેલીબિયાં પાકોમાં આવતા રોગ અને જીવાત સામે પ્રતિકારકતા શોધવી તેમજ તેના નિયંત્રણ માટે દવાઓ અને બાયૉપેસ્ટીસાઇડ્ઝની ચકાસણી કરવી, મગફળીમાં આવતા એફલાટૉક્સિનની વિષજન્ય પ્રતિકારકતા ધરાવતી જાતોનું મૂલ્યાંકન કરવું, મગફળીમાં આવતા કૃમિ સામે કૃમિનાશક દવાઓ તથા સેન્દ્રિય જમીનસુધારકોનો અભ્યાસ વગેરે પાકસંરક્ષણના ઉપાયો છે.
તેલીબિયાં રસાયણશાસ્ત્ર : તેલીબિયાંના જુદા જુદા પાકોમાં તેલનું પ્રમાણ ચકાસવું, તેલની ગુણવત્તા અને પ્રમાણ વધારવા જરૂરી સંશોધન કરવું તેનો તેલીબિયાંના રસાયણશાસ્ત્રમાં સમાવેશ થાય છે.
તેલીબિયાં પાકોની સંશોધનપ્રવૃત્તિઓ હેઠળ મગફળીના પાકમાં વેલડી, અર્ધવેલડી અને ઊભડી જાતોના વધુ ઉત્પાદન, વધારે તેલનું પ્રમાણ, રોગજીવાત-પ્રતિકારકતા, ઓછા ભેજમાં ટકી શકવાની પ્રતિકારકતા, એચ.પી.એસ. મોટા દાણાવાળી જાતો, સુષુપ્ત અવસ્થા ધરાવતી ઊભડી જાતોના કેન્દ્ર ઉપર શોધાયેલ અને દેશનાં અન્ય કેન્દ્રોની જાતોની ચકાસણીના પ્રયોગો કરવામાં આવે છે. ઉનાળુ ઋતુમાં પણ ઊભડી મગફળીની સંશોધન-કામગીરી કરવામાં આવે છે. દિવેલાંમાં હાઇબ્રીડ જાતો વિકસાવવાની કામગીરી થઈ રહેલ છે.
દિવેલાંના ઉત્પાદન અને તેની ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ નંબરે છે. હાઇબ્રીડ દિવેલાંના સંશોધનમાં ગુજરાત રાજ્ય આગવું સ્થાન ધરાવે છે અને દેશમાં હાઇબ્રીડ જાતો વિકસાવવામાં પ્રથમ છે. રાજ્યમાં દિવેલાં પાક નીચે ઘણોખરો વિસ્તાર હાઇબ્રીડ જાતો નીચે આવરી લેવામાં આવેલ છે. દિવેલાંની ખેતીમાં ગુજરાત રાજ્યમાં ક્રાંતિ થયેલ છે. મગફળીમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે, જ્યારે રાજ્યની રાઈની ઉત્પાદકતા દેશમાં પ્રથમ ક્રમે છે. આ પ્રમાણે અન્ય તેલીબિયાં પાકોમાં પણ સંશોધનની કામગીરી થાય છે.
બીજઉત્પાદન કાર્યક્રમ : તેલીબિયાં પાકોમાં જરૂરિયાત મુજબ બ્રીડર-બીજઉત્પાદન કાર્યક્રમ મોટા પાયા ઉપર લેવામાં આવે છે.
વિસ્તરણ અને તાલીમ પ્રવૃત્તિઓ : તેલીબિયાં પાકોની સુધારેલી ખેતીવિષયક પદ્ધતિઓ ખેડૂતોને પ્રત્યક્ષ બતાવવા અને સમજાવવા ખેડૂતોની સ્થાનિક પદ્ધતિ સાથે ખેડૂતોનાં ખેતરોમાં નિદર્શનો ગોઠવવામાં આવે છે. અવારનવાર યોજાતા તેલીબિયાં-ઉત્પાદન વધારવા અંગેના તાલીમવર્ગમાં કેન્દ્રના વૈજ્ઞાનિકો વ્યાખ્યાનો આપે છે. રાજ્યના ખેતીવિસ્તરણના કાર્યકરો અને ખેડૂતો તરફથી ખેતી અંગેના તાંત્રિકી પ્રશ્નોનું પત્રવ્યવહારથી અને જરૂર જણાય ત્યાં ખેડૂતોના ખેતરમાં ઊભા પાકની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત આકાશવાણી અને દૂરદર્શન-કેન્દ્રો તરફથી ફાળવવામાં આવતા વાર્તાલાપ આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો અને વિસ્તરણ-કાર્યકરો તેલીબિયાં સંશોધન-કેન્દ્રની અવારનવાર મુલાકાત લઈને માર્ગદર્શન મેળવે છે.
વલ્લભભાઈ જીવરાજભાઈ પટેલ