તેજાસિંહ [જ. 2 જૂન, 1894 અડીલા, જિ. રાવલપિંડી (હાલ પાકિસ્તાન); અ. 10 જાન્યુઆરી 1958 અમૃતસર] : પંજાબી લેખક. તેમણે પતિયાલામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી લઈને એમ.એ. માં પ્રથમ વર્ગમાં પાસ થતાં, અમૃતસર કૉલેજમાં પ્રાધ્યાપકની નોકરી મળી. પછીથી એ કૉલેજમાં પ્રિન્સિપાલ થયા.
એમણે વિવિધ સાહિત્યપ્રકારો ખેડ્યા છે. પણ પંજાબી નિબંધસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમના નિબંધોમાં વિષય અને શૈલીની ર્દષ્ટિએ પ્રચુર વૈવિધ્ય છે. સામાજિક વિષયોના નિબંધોમાં એ પંજાબના વાતાવરણને સફળતાપૂર્વક મૂર્ત કરી શક્યા છે. ‘ઘરદા પ્યાર’, ‘આરસી’ ‘સાહિત્યદર્શન’, ‘નદિયાં સોચા’ વગેરે એમની પ્રસિદ્ધ રચનાઓ છે. પંજાબી સાહિત્યમાં એમનું વિશિષ્ટ પ્રદાન ‘ગુરુ ગ્રંથ-સાહેબ’ પરની ટીકાના ચાર ગ્રંથો છે. તે ઉપરાંત એમણે અંગ્રેજી-પંજાબી કોશ તથા પંજાબી-અંગ્રેજી કોશ પણ સંપાદિત કર્યા છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે.
ચન્દ્રકાન્ત મહેતા