તેજાવરણ (corona) : સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ. તેજાવરણ ગરમ આયનિત વાયુ અથવા પ્લાઝ્માનું બનેલું હોય છે, જેનું તાપમાન લગભગ 2000,000 (વીસ લાખ) કૅલ્વિન હોય છે, જ્યારે ઘનતા અત્યંત ઓછી હોય છે. તેજાવરણનો વિસ્તાર સૂર્યની સપાટી–તેજકવચથી 13 લાખ કિમી. અથવા તેથી પણ વધારે હોય છે. તેજાવરણની કોઈ સ્પષ્ટ સીમાઓ નથી હોતી, કારણ કે સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસરથી તેનાં કદ અને આકાર સતત બદલાયા કરે છે. તેજાવરણના વાયુના પ્રસરણથી ઉત્પન્ન થતો સૌર-પવન (solar wind) ત્રિજ્યાની દિશામાં બહારની તરફ સમગ્ર સૌર-મંડળમાં વહે છે.

ઊંચું તાપમાન હોવા છતાં તેજાવરણ પ્રમાણમાં ઓછી ગરમી આપે છે, કારણ કે તેની ઘનતા ઓછી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેના વાયુના અણુઓની સંખ્યા એટલી ઓછી છે કે સૂર્યના અંદરના ભાગની સરખામણીમાં તેજાવરણની ઘન સેન્ટિમીટરદીઠ ઉષ્મા-શક્તિનો જથ્થો ઓછો હોય છે.

તેજાવરણની તેજસ્વિતા ચંદ્ર કરતાં અડધી હોય છે અને સામાન્ય રીતે નરી આંખે એ જોઈ શકાતું નથી, કારણ કે સૂર્યની સપાટીના ઝળહળતા પ્રકાશ કરતાં  એનો પ્રકાશ અત્યંત ઝાંખો હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ્યારે તેજકવચનો પ્રકાશ ચંદ્રથી રોકાય છે ત્યારે તેજાવરણ નરી આંખે જોઈ શકાય છે. કિરીટ ચિત્રક (coronagraph) નામના ખાસ પ્રકારના ઉપકરણવાળા દૂરબીનની મદદથી ગ્રહણ સિવાય પણ તેજાવરણનો અભ્યાસ કરી શકાય છે. તેજાવરણની રજ લાવવા ‘સ્ટારડસ્ટ’ અને ‘જીનેસીસી’ નામના યાનો ગયેલા.

પરંતપ પાઠક