તેજબળ : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zanthoxylum armatum DC. syn. Z. alatum. Roxb. (સં. તેજોવતી, તેજસ્વિની; હિં. મ; ગુ. તેજબળ) છે. ભારતમાં હિમાલયમાં જમ્મુથી માંડી ભુતાન સુધી ગરમ ખીણોમાં 1000-2100 મી.ની ઊંચાઈ સુધી, ખાસીની ટેકરીઓમાં 600-1800 મી.ની ઊંચાઈ સુધી અને ઓરિસા તથા આંધ્ર પ્રદેશમાં પૂર્વઘાટમાં 1200 મી.ની ઊંચાઈ સુધી તે થાય છે. આસામમાં તે કેટલીક વાર વાડમાં ઉછેરવામાં આવે છે. તે શાખિત, આરોહી (seandent) અથવા ઉન્નત ક્ષુપ કે 6 મી. કે તેથી વધારે ઊંચા નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. તેના પ્રકાંડની છાલ આછી બદામી, પાતળી, ઊંડી ખાંચોવાળી અને મરચા જેવી તીખી હોય છે. પ્રકાંડ ઉપર 2.0 સેમી. જેટલી લાંબી, ચપટી છાલશૂળો (prickles) આવેલી હોય છે. પર્ણસમૂહ સઘન હોય છે. પર્ણો અયુગ્મ પીંછાકાર (imparinnate) કે ત્રિપર્ણી (trifoliate) અને 5-13 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓની 4-5 જોડ હોય છે. તેઓ ભાલાકાર, સંમુખ, અખંડિત, દંતુર કિનારીવાળાં, ગ્રંથિમય અને તીક્ષ્ણાગ્ર (acuminate) હોય છે. પર્ણનો પત્રાક્ષ (rachis) ચપટો અને પર્ણસર્દશ હોય છે. પુષ્પો લીલાં કે પીળાં, સઘન, અગ્રસ્થ કે કેટલીક વાર કક્ષસ્થ (axillary) લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળો એકસ્ફોટી (follicles), સામાન્યત: લાલ, ઉપ-ગોળાકાર (sub-globose) અને અરોમિલ (glabrous) હોય છે. ફળ એકબીજ ધરાવે છે. તે ગોળાકાર અને ચળકતા કાળા રંગનું હોય છે.

તેજબળની પુષ્પો અને ફળ ધરાવતી શાખા

છાલ, ફળ અને બીજનો વાતાનુલોમક(carminative), ક્ષુધાવર્ધક (stomachic) અને કૃમિનાશક (anthelmintic) તરીકે સ્થાનિક ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાંડ અલ્પગ્લુકોઝ રક્ત(hypoglycaemic)-સક્રિયતા દર્શાવે છે. છાલ તીખી (pungent) હોય છે અને દાંત સાફ કરવા વપરાય છે. ફળ અને બીજ તાવ અને અપચન(dyspepsia)માં સુગંધિત પુષ્ટિવર્ધક તરીકે ઉપયોગી છે. ફળનો નિષ્કર્ષ સૂત્રકૃમિઓને બહાર કાઢવામાં અસરકારક હોય છે. ફળો ગંધહારક (deodorant), ચેપહારક (disinfectant) અને જંતુનાશક (antiseptic) ગુણધર્મો ધરાવતાં હોઈ તે દાંતની તકલીફોમાં ઉપયોગી થાય છે.

છાલનો માછલીઓને કેફ ચઢાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બીજા કેટલાક ભાગો માછલીના વિષ તરીકે અને કીટ-પ્રતિકર્ષક (insect-repellants) તરીકે વપરાય છે.

સૂકાં ફળ કેટલીક વાર બીજ તરીકે ઓળખવામાં આવે છે. બાષ્પ-નિસ્યંદન (Steam distillation) દ્વારા તેમાંથી 2.3 a/o જેટલું બાષ્પશીલ તેલ મળે છે. તે ગંધહારક અને જંતુનાશક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ સાબુ બનાવવા અને દાંતનાં ઔષધો બનાવવામાં થાય છે. તેલ આછાથી માંડી જેતૂન-પીળા (olive-yellow) રંગનું અને મસાલેદાર ગંધ ધરાવે છે. તેલનાં લક્ષણો અને તેના ઘટકો સારણી-1માં આપવામાં આવ્યાં છે.

સારણી 1 : તેજબળના બાષ્પશીલ તેલનું ઉત્પાદન, લાક્ષણિકતાઓ અને ઘટકો

બીજમાંથી પ્રાપ્ત કરેલું તાજું બાષ્પશીલ તેલ Echerichiacoli, Vibrio cholerae, Micrococcus pyogenes var. aureus, shigella dysenteriae અને Salmanella typhi સામે ઉગ્ર જીવાણુરોધી (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

પ્રકાંડ-છાલ, કાષ્ઠ અને મૂળમાંથી મળી આવતાં આલ્કેલૉઇડ સારણી–2માં આપવામાં આવ્યાં છે.

પ્રકાંડ-છાલ બાષ્પશીલ તેલ અને રાળ (resin) ધરાવે છે. છાલનો પાઉડર તીડ (Locusta migratoria) ની એક દિવસની ઇયળો સામે 100 % મૃત્યુદર દર્શાવે છે. મૂળની છાલ સ્પિલેન્થૉલ ધરાવે છે.

ભારત અને ચીનમાં વનસ્પતિનાં વિવિધ અંગો ખોરાકના પરિપક્વન (seasoning) માટે વપરાય છે. પર્ણો ફળના ટુકડાઓ સાથે ખવાય છે. દાંત સ્વચ્છ કરવા માટે સુગંધિત ડાળીઓ ચૂસવામાં આવે છે. કાષ્ઠ મજબૂત હોય છે અને ચાલવા માટેની લાકડીઓ, ખરલના દસ્તા અને ધોકા બનાવવામાં ઉપયોગી છે. આસામમાં તેના પર રેશમના કીડાઓનું સંવર્ધન કરવામાં આવે છે. બીજ રુવાંટીના પરિરક્ષણ માટે અને વાળ માટેનાં લોશન બનાવવામાં વપરાય છે.

પર્ણોના જલ-નિસ્યંદન (hydrodistillation) દ્વારા બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેની સુગંધ સતાબ(Ruta graveolens)ના તેલને મળતી આવે છે. તેનું મુખ્ય ઘટક મિથાઇલ-n-નોનિલ કીટોન છે. તે સતાબના તેલનું પણ મુખ્ય ઘટક છે. તે ફૂગરોધી સક્રિયતા દાખવે છે.

આયુર્વેદ અનુસાર, તેજબળ સ્વાદે તીખો, કડવો, ઉષ્ણવીર્ય, દીપન, પાચન, ગરમ, રુચિકર, કંઠશુદ્ધિકર્તા, ત્રિદોષનાશક તથા કફ, વાયુ, પિત્ત, વિષ, દમ, ઉધરસ, હેડકી, મંદાગ્નિ, હરસ, દંતરોગ, મુખરોગ અને કંઠ રોગ મટાડનાર છે. દાંતના રોગમાં તેની ડાળીનું દાતણ કરાય છે. તે મુખમાં અક્કલગરાની જેમ તમતમાટ પેદા કરી કંઠ-કફ દૂર કરે છે.

તેજબળની બીજી જાતિ Z. limonella Alston Syn. Z.budrunga Wall. ex DC.; Z. rhetsa DC છે. તે 35 મી. જેટલું ઊંચું અને થડ 4–6 નો ઘેરાવો ધરાવે છે. તે સામાન્યત: આસામ, મેઘાલય અને પશ્ચિમઘાટમાં સદાહરિત વર્ષાજંગલોમાં મળી આવે છે.

સારણી 2 : તેજબળમાંથી અલગ કરવામાં આવેલાં આલ્કેલૉઇડ

જાતિ સ્રોત વનસ્પતિઅંગ આલ્કેલૉઇડ (ઉત્પાદન)
Z. armatum syn. છાલ બર્બૅરિન (–)
Z. alatum; પશ્ચિમ બંગાળ પ્રકાંડ-છાલ ડિકટેમ્નિન (–)
Z. planispinum

 

 

 

ક્યોટો (જાપાન)

 

 

 

કાષ્ઠ અને છાલ

 

મૂળ

 

મૅગ્નોફ્લૂઓરિન (0.02 % પિક્રેટ તરીકે)

ઝેન્થોપ્લેનિન (0.01 % પિક્રેટ તરીકે)

મૅગ્નોફ્લૂઓરિન (0.17 % પિક્રેટ તરીકે)

ઝેન્થોપ્લેનિન, સ્કિમિયેનિન, ડિક્ટોમ્નિન અને r-ફેગેરિન

Z. limonella syn.

Z. budrunga;

 

આસામ

 

કેરળ

 

કર્ણાટક

ઢાકા (બાંગ્લા દેશ)

દક્ષિણ ભારત

 

થડની છાલ

 

થડની છાલ

 

પ્રકાંડ-છાલ

પ્રકાંડ-છાલ

અંતઃકાષ્ઠ (heartwood)

 

ઍલૅરીથ્રિન (0.014 %), ઇવોડિયેમિન (0.03 %),

હાઇડ્રૉક્સિઇવોડિયેમિન (0.05 %)

રુટેકાર્પિન (0.01 %), ઇવોડિયેમિન (0.03 %),

હાઇડ્રૉક્સિઇવોડિયેમિન (0.05 %)

પેપ્યુલિન (0.01 %)

બુડ્રુન્ગેઇન, બુડ્રુન્ગેઇનિન

સ્કિમિયેનિન (0.05 %)

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ