તેજપાલ (અ. 1248) : ધોળકાના રાજા વીરધવલના મહાઅમાત્ય. અણહિલપુરમાં પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપનું કુલ ગુર્જરેશ્વર ચૌલુક્ય વંશ સાથે સતત સંબંધ ધરાવતું. એ કુલના અશ્વરાજને ચાર પુત્ર હતા, જેમાં છેલ્લા બે–વસ્તુપાલ અને તેજપાલ સુપ્રસિદ્ધ છે. તેઓ ચૌલુક્ય રાજા ભીમદેવ બીજાની સેવામાં હતા. ધોળકાના રાણા વીરધવલે વિ. સં. 1276(સન 1220)માં તેમને પોતાના મહામાત્ય નીમ્યા. તેઓ જૈન ધર્મના પ્રભાવક હતા. તેમણે શત્રુંજય અને ગિરનાર પર દેરાસર બંધાવ્યાં હતાં. તેઓની માતાનું નામ કુમારદેવી હતું.
મહામાત્ય તેજપાલે ગોધરાના રાજા ધૂ ધુલનો પરાભવ કર્યો હતો. એની પત્ની અનુપમાદેવી ચંદ્રાવતીના પ્રપાટકુલની હતી. તેજપાલે પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેય અર્થે આબુ પરના દેલવાડામાં તીર્થંકર નેમિનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. એ મંદિરમાં તેજપાલે પોતાની સુહડાદેવી નામે બીજી પત્નીના શ્રેય માટે બે સુશોભિત ગોખલા કરાવ્યા છે. વિ.સં. 1296 (ઈ. સ. 1240)માં વસ્તુપાલનું મૃત્યુ થતાં તેજપાલ મહામાત્ય નિમાયો. એના સમયમાં ધોળકાનો રાણો વીસલદેવ અણહિલવાડનો રાજવી થયો. વિ.સં. 1304 (ઈ. સ. 1248)માં તેજપાલનું મૃત્યુ થયું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી