તેજકવચ (photosphere) : સૂર્યની ફરતે ર્દશ્યમાન સપાટી. વાસ્તવમાં તેજકવચ કોઈ નક્કર સપાટી નથી, પરંતુ 300 કિ. મી. જાડાઈનો ઘટ્ટ વાયુનો સ્તર છે, જેના તળિયાનું તાપમાન 9000° સે. છે અને ટોચનું તાપમાન 4,300° સે. છે, જ્યાં એ રંગકવચ (chromosphere) સાથે ભળી જાય છે. પૃથ્વી પર મળતો સૂર્યનો લગભગ બધો જ પ્રકાશ તેજકવચમાંથી આવે છે, જોકે શક્તિનો સ્રોત તો અંદર ખૂબ ઊંડે છે. એમ માનવામાં આવે છે કે સૂર્યના અંતર્ભાગ(core)માંથી વિકિરણ(radiation)ના રૂપમાં શક્તિ ઉપર આવે છે અને પછી વિશાળ સંવહન-પ્રવાહો (convection currents) દ્વારા સપાટી ઉપર પહોંચે છે. આ સંવહન-પ્રવાહોની ટોચ ઉપર દાણાદાર કોષ રચાય છે, જે દ્વારા તેજકવચનું સૂક્ષ્મ બંધારણ બને છે. દરેક ષટ્કોણ આકારનો દાણો ફક્ત લગભગ 1000 કિમી. મોટો હોય છે, આથી પૃથ્વીના પ્રક્ષુબ્ધ (turbulent) વાતાવરણની આરપાર આ કોષોની ગૂંથણી જોવાનું અત્યંત મુશ્કેલ હોય છે. દરેક દાણાના કેન્દ્રમાંથી ઊંચે ઊભરતો વાયુ આજુબાજુના વાયુ કરતાં લગભગ 100° વધારે ગરમ હોય છે, જ્યારે ઠંડો વાયુ કોષની અંધારી સીમા ઉપર નીચે ઊતરે છે. દરેક કોષનું આયુષ્ય વધારેમાં વધારે ફક્ત 10 મિનિટ જેટલું જ હોય છે. દાણાદાર સંરચના ઉપરાંત, તેજકવચમાં વિશાળ વિસ્તારને આવરી લેતી પ્રક્ષુબ્ધ ગતિ પણ દેખાય છે. તેજકવચનાં અન્ય લક્ષણો છે – સૂર્યકલંક તથા તેની સીમાની નજીક દેખાતા તેજસ્વી વિસ્તારો; જેને પ્રદ્યુતિક (faculae) કહે છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને લીધે સામાન્ય પ્રક્ષુબ્ધ ગતિ અવરોધાય છે ત્યારે જ સૂર્યકલંક અને પ્રદ્યુતિક દેખાય છે.
તેજકવચનું વર્ણપટ, 6000° સે. તાપમાન ધરાવતા ગરમ પદાર્થના વર્ણપટ જેવું અવિરત હોય છે. આ વર્ણપટમાં કાળી શોષણરેખાઓ ફ્રોનહોફર રેખાઓ જોવા મળે છે, જે સૂર્યના બહારના સ્તરમાં અસ્તિત્વ ધરાવતાં રાસાયણિક તત્ત્વોનું સાપેક્ષ વૈપુલ્ય (relative abundance) બતાવે છે, જેમાં 90 % હાઇડ્રૉજન, 8 % હિલિયમ તથા સૂક્ષ્મ પ્રમાણમાં ઑક્સિજન, કાર્બન, નાઇટ્રૉજન, મૅગ્નેશિયમ, સિલિકોન તથા લોખંડ હોય છે. એમ માનવામાં આવે છે કે જે મૂળભૂત પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહો બન્યા હતા, તે જ પદાર્થોનું પ્રતિનિધિત્વ તેજકવચના વાયુમાં હોય છે, જ્યારે સૂર્યનો ઊંડો અંતસ્થ ભાગ ન્યુક્લિયર પ્રક્રિયાઓથી બદલાયો હશે.
પરંતપ પાઠક