તૃણાપતૃણનાશકો (herbicides or weedicides) : અનિચ્છનીય તૃણ-અપતૃણ વનસ્પતિઓનો નાશ કરવા વપરાતાં રસાયણો.
વીસમી સદીમાં તૃણાપતૃણનાશકોનો શરૂઆતમાં ખૂબ ધીમો, પરંતુ ત્યારબાદ 1945 પછી 2,4-D (2,4 ડાઇકલોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના પ્રવેશ બાદ ખૂબ ઝડપથી ઉપયોગ વધતો ગયો છે. તૃણાપતૃણનાશકોની શોધોને લગતી કડીબદ્ધ ઘટનાઓ આ પ્રમાણે છે : (1) ધાન્યના પાકોમાં પહોળાં પર્ણોવાળાં અપતૃણના નિયંત્રણ માટે 1896–1900 દરમિયાન વરણાત્મક (selective) શીકરો(sprays)નો ઉપયોગ. (2) કૅલિફૉર્નિયામાં જ્યૉર્જ ગ્રે (1919) દ્વારા જંગલી મૉર્નિંગ ગ્લોરીમાં આર્સેનિકના સ્થાનાંતરણ(translocation)ની શોધ. (3) 1925માં અપતૃણોના નાશ માટે ભૂમિ પર સોડિયમ ક્લોરેટનો ઉપયોગ. (4) 1934માં સૌપ્રથમ વાર કાર્બનિક વરણાત્મક તૃણાપતૃણનાશક તરીકે ફ્રાન્સમાંથી અમેરિકામાં સોડિયમ ડાઇનાઇટ્રોક્રેસિલેટની આયાત. (5) 1945માં 2,4, Dની વૃદ્ધિ-નિયંત્રક તૃણાપતૃણનાશકની શોધ. 2-4Dના પ્રવેશબાદ નવાં રસાયણો અને નવી પદ્ધતિઓ ખૂબ ઝડપથી શોધાયાં છે. સૌથી આધુનિક વલણ વરણાત્મક અને પૂર્વનિર્ગમન (premergence) તૃણાપતૃણનાશકોના ઉપયોગનું રહ્યું છે. આવાં રસાયણો મકાઈ, કપાસ, સોયાબીન અને અન્ય મુખ્ય પાકો માટે હવે પ્રાપ્ય છે.
ચિકિત્સાવિજ્ઞાન અને નાશક જીવ-નિયંત્રણ (pest control)ની જેમ તૃણાપતૃણનાશકો દ્વારા અપતૃણનિયંત્રણ પણ લાભદાયી નીવડ્યું છે. કૃષિવિદ્યાકીય પાકોનું મૂલ્ય અબજો ડૉલર વધ્યું છે; વન, ગોચર ભૂમિઓ, બાગ-બગીચા અને આનંદ-પ્રમોદનાં જાહેર સ્થળો અનિષ્ટકારી વનસ્પતિઓથી મુક્ત થયાં છે. રસ્તાઓ અને ઔદ્યોગિક વિસ્તારો સ્વચ્છ બનાવી શકાયાં છે. પરાગરજ અને ઝેરી વનસ્પતિઓની અસરથી લાખો વ્યક્તિઓ મુક્ત થઈ છે. ભવિષ્યમાં નવાં અને વધારે સારાં તૃણાપતૃણનાશકોની શોધથી આ લાભો અનેક ગણા વધશે.
આધુનિક કૃષિમાં સંકર-બીજ અને કૃત્રિમ ખાતરોની જેમ તૃણાપતૃણનાશકો પણ અગત્યનાં છે. તેમના વગર પાકનું સંરક્ષણ નહિવત્ બને છે. આજે વિશ્વભરમાં 22 અબજ ડૉલરોનાં પાક માટેનાં જંતુનાશક રસાયણોનું ઉત્પાદન થાય છે અને જુદા જુદા પાક ઉપર તેનો છંટકાવ થાય છે. તે પૈકી 40 % જેટલાં તૃણાપતૃણનાશકો,
33 % કીટનાશકો (insecticides), લગભગ 22 % ફૂગનાશકો (fungicides) તથા 5 % અન્ય જંતુનાશક રસાયણોનો પાકનાં જંતુજીવાતથી સંરક્ષણ માટે ઉપયોગ થાય છે. અમેરિકામાં દર વર્ષે 11.25 કરોડ કિગ્રા.થી વધારે કાર્બનિક તૃણાપતૃણનાશકોનું ઉત્પાદન થાય છે. ભારતમાં 1984માં 2450; 1989-90માં 4460; અને 1994-95માં 6250 મેટ્રિક ટન જેટલો આવાં જંતુનાશક રસાયણોનો જથ્થો વપરાયો છે. સિંચાઈથી થતી ખેતીમાં અપતૃણોની સંખ્યા વધી છે અને તૃણાપતૃણનાશકોનો વપરાશ વધારે પ્રમાણમાં વધ્યો છે. નહેરના પાણીથી થતી સિંચાઈમાં આવાં અપતૃણોની સંખ્યા અને વૃદ્ધિમાં ઘણો મોટો વધારો નોંધાયો છે. ક્યારેક સીસુલીઆ, એમાનીઆ અને, પાર્થેનિયમ જેવાં અપતૃણ રોપેલ પાકને દબાવી દે છે અને તૃણાપતૃણનાશક રસાયણો સામે પણ ટક્કર ઝીલે છે. વધુ પડતા આવાં રસાયણનો ઉપયોગ ભૂમિની ફળદ્રૂપતા ઘટાડે છે અને પાકનું ઉત્પાદન અડધું કરે છે.
તૃણાપતૃણનાશકોનું વર્ગીકરણ : વિનિયોગ(application)ની પદ્ધતિને આધારે તેમનું આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : (1) વરણાત્મક પર્ણસમૂહ સંપર્ક શીકરો, (2) વરણાત્મક પર્ણસમૂહ સ્થાનાંતરિત શીકરો, (3) વરણાત્મક મૂળ વિનિયોગ, (4) અવરણાત્મક (non selective) પર્ણસમૂહ સંપર્ક શીકરો, (5) અવરણાત્મક પર્ણસમૂહ સ્થાનાંતરિત શીકરો; અને (6) અવરણાત્મક મૂળવિનિયોગ.
વરણાત્મક તૃણાપતૃણનાશકો વનસ્પતિ વસ્તીના કેટલાક સભ્યોનો નાશ કરે છે. અન્ય સભ્યો પર તેમની અત્યંત ઓછી અસર થાય છે. અથવા કોઈ અસર થતી નથી; દા. ત., નિશ્ચિત સાંદ્રતાને સલ્ફયુરિક ઍસિડ જળમાં જંગલી રાઈનો નાશ કરે છે.
અવરણાત્મક તૃણાપતૃણનાશકોનો જેમના પર વિનિયોગ કરવામાં આવે તે બધી વનસ્પતિઓનો નાશ કરે છે; દા. ત., ડાઇક્વેટ, પેરા ક્વેટ કે એરોમેટિક તેલ તેમનો ઉપયોગ રસ્તાની બાજુઓ અપતૃણરહિત કરવામાં થાય છે.
અપતૃણનાશકનો ઉપયોગ : પાક અને અપતૃણનો પ્રકાર, જાતિ અને સ્વરૂપને અનુલક્ષીને તૃણાપતૃણનાશકનું સંકેન્દ્રણ એવું હોવું જોઈએ જેથી પાક ઉપર તેની ખાસ અસર ન થાય. ઉપરાંત, ભૂમિનું બંધારણ અને તૃણાપતૃણનાશકની શોષણપ્રક્રિયાનો વેગ વગેરે પરિમાણોને ધ્યાનમાં લઈ વપરાશ કરવો હિતાવહ છે; નહિતર કૃષિ બગડવાનો સંભવ ઉત્પન્ન થાય છે.
સામાન્યત : તૃણાપતૃણનાશકનો શીકરો રૂપે ઉપયોગ કરવામાં આવે છે. શીકરના છંટકાવની ક્રિયા દરમિયાન પવનની ગતિ મંદ હોવી જરૂરી છે, જેથી પાક ઉપર રસાયણ પડે નહીં. ઉપરાંત તૃણાપતૃણનાશક છાંટ્યા બાદ થોડા દિવસ સુધી સિંચાઈ ન કરવી, કારણ કે સિંચાઈથી તે પાકનાં મૂળ સુધી પ્રસરે છે અને પાણીના પ્રવાહ સાથે ફેલાય છે અને ક્યારેક તંદુરસ્ત પાકને પણ હાનિ કરે છે. પાકને ફૂલ-ફળ બેઠાં હોય ત્યારે તૃણાપતૃણનાશકનો છંટકાવ ન કરવો. છંટકાવ માટે વપરાતા પંપ ને બીજાં સાધનોને ચોખ્ખા પાણીથી સાફ કરવાં. બને તો વહેતા પાણીમાં સાફ ન કરતાં મોટા તગારામાં સાફ કરી તેનું પાણી ખાડામાં નાખી દેવું, જેથી બીજા પાકને નુકસાન ન થાય. તૃણાપતૃણનાશકનો સંગ્રહ, ખાતર કે બીજી જંતુનાશક દવા કે બિયારણ સાથે ન કરવો. હવે તો તૃણાપતૃણનાશક બનાવતી મોટાભાગની કંપનીઓ તેના સંકેન્દ્રણની માત્રા તથા ઉપયોગની પદ્ધતિ આપે છે, તે મુજબ તેનો ઉપયોગ કરવાથી નુકસાન નિવારી શકાય છે.
તૃણાપતૃણનાશકોની પ્રક્રિયા : તૃણાપતૃણનાશકોની વનસ્પતિઓ પર થતી પ્રક્રિયા પર ઘણાં પરિબળો અસર કરે છે :
(1) વિભેદી આર્દ્રન (differential wetting) : ઘણાં પર્ણોની સપાટી કરકરી (ridged) મીણ ધરાવે છે; જ્યારે કેટલીક વનસ્પતિઓના પર્ણની સપાટી મીણના નાના કણો દ્વારા આવરિત હોય છે. આવાં પર્ણો શીકર બિંદુઓની જાળવણીમાં તફાવતો દર્શાવે છે. ઘણા વરણાત્મક શીકરો જેવા કે તાંબાના ક્ષારનું દ્રાવણ, સલ્ફ્યુરિક ઍસિડ અને સોડિયમ ડાઇનાઇટ્રોક્રેસિલેટ વગેરે અપતૃણોનો વરણાત્મક નાશ કરે છે; પરંતુ પાકની વનસ્પતિની સપાટી પર તે ઊછળીને નીચે પડી જાય છે.
(2) પર્ણોનો અભિવિન્યાસ (orientation) : ઘણાં તૃણનાં પર્ણો પ્રમાણમાં ઊભી સ્થિતિમાં ગોઠવાયેલાં હોય છે; જ્યારે ઘણાં અપતૃણનાં પર્ણો સમક્ષિતિજ ગોઠવાયેલાં હોવાથી તૃણનાં પર્ણો કરતાં અપતૃણનાં પર્ણો પર તૃણાપતૃણનાશક વધારે પ્રમાણમાં એકઠું થાય છે.
(3) વૃદ્ધિબિંદુઓનાં સ્થાન : મોટા ભાગની ધાન્ય વનસ્પતિઓનાં વૃદ્ધિબિંદુઓ અને કલિકાઓ સમૂહમાં ભૂમિની સપાટી પર કે નીચે આવેલાં હોય છે. અને તે જૂનાં પર્ણોના પર્ણતલો વડે, આવરિત હોવાથી શીકર-સ્વરૂપે ઉપયોગમાં લેવાતા તૃણાપતૃણનાશકોથી રક્ષણ મળે છે. મોટાં પર્ણો ધરાવતાં ઘણાં અપતૃણ પર કલિકાઓ પ્રરોહની ટોચ પર કે પર્ણની કક્ષમાં આવેલી હોવાથી તેમના પર શીકર દ્રાવણોની સીધી અસર થાય છે.
(4) વૃદ્ધિની પદ્ધતિ : કેટલાક બહુવર્ષાયુ પાક જેવા કે આલ્ફાલ્ફા, દ્રાક્ષ, વૃક્ષો વગેરે શિયાળામાં સુષુપ્તાવસ્થા દર્શાવે છે. આ સમયે તૃણાપતૃણનાશકનો સલામત રીતે ઉપયોગ કરતાં અપતૃણોનો નાશ થશે અને પાકની સક્રિય અવસ્થા દરમિયાન પાણી અને પોષક તત્વો માટે સ્પર્ધા થશે નહિ.
(5) વિનિયોગપદ્ધતિ : શીકરનો ભૂમિની સપાટીની નજીક છંટકાવ કરતાં નીચાં અપતૃણનો નાશ કરી શકાય છે. આ પદ્ધતિનો ઉપયોગ મકાઈ, શેરડી, જુવાર વગેરે પાકો માટે કરી શકાય.
જીવરસીય વરણક્ષમતા (protoplasmic selectivity) : કેટલીક અપતૃણજાતિઓ તૃણાપતૃણનાશકોની વિષાળુ અસરનો અવરોધ કરે છે; જ્યારે અન્ય જાતિઓ સંવેદી હોવાથી નાશ પામે છે. તેનું કારણ જીવરસનો સહજ (inherent) ગુણધર્મ છે; દા. ત., 2,4-D કે MCPB [2,4-D અને MCPA(2, મિથાઇલ-4- ક્લોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના બ્યુટેરિક ઍસિડના બનેલા અનુરૂપકો(analogues]નો કેટલાક શિમ્બી પાકોમાં b ઑક્સિડાઇઝિંગ ઉત્સેચક રહિત અપતૃણ પર છંટકાવ કરતાં તેઓ નાશ પામે છે, કારણ કે બ્યુટેરિક ઍસિડ સંયોજનો 2,4D અથવા MCPAમાં વિઘટન પામે છે. બીજા ઉદાહરણમાં મકાઈમાં થતાં અપતૃણનો નાશ કરવા સીમાઝીનનો ઉપયોગ કરવામાં આવે છે. મકાઈમાંનું એક સંયોજન સીમાઝીનમાંથી ક્લોરિનનો પરમાણુ દૂર કરે છે, જેથી તેના પર સીમાઝીનની અસર થતી નથી, જ્યારે મોટા ભાગનાં અપતૃણમાં આ સંયોજન હોતું નથી. જીવરસીય વરણક્ષમતા ભૂમિમાં અપાતાં ટ્રાઇક્લુરેલીન અને પ્લેનાવીન જેવાં અપતૃણનાશકો દ્વારા પણ દર્શાવી શકાય છે. આ સંયોજનો દ્વિતીયક મૂળની વૃદ્ધિને અવરોધે છે. લાંબાં સોટીમૂળ ધરાવતા મોટાં બીજવાળા પાકો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે છીછરાં મૂળવાળાં અપતૃણના બીજાંકુરોનો નાશ કરે છે. પાકના બીજાંકુરનાં મૂળ તૃણાપતૃણનાશક ધરાવતા ભૂમિના છીછરા સ્તરને ભેદી ઊંડે ગયેલાં હોવાથી તે જીવી જાય છે.
કેટલાંક અગત્યનાં તૃણાપતૃણનાશકો
ક્રમ | સામાન્ય
અને વ્યાપારિક નામ |
રાસાયણિક
નામ |
અ = દ્રાવ્યતા
આ = પ્રાપ્ય સ્વરૂપ |
ઉપયોગ |
1 | એક્રોલીઇન | એક્રોલીઇન | અ-પાણીમાં દ્રાવ્ય
આ – પ્રવાહી |
જલીય
તૃણાપ-તૃણનાશક |
2 | AMS
(એમેટ) |
એમોનિયમ
સલ્ફામેટ – |
અ-પાણીમાં દ્રાવ્ય
આ-શુષ્ક સ્ફટિકો |
કાષ્ઠમય
જાતિઓ પર સ્થાનાંતરિત શીકર |
3 | CDAA
(રેન્ડૉક્સ) |
2-કલોરો –
એન, એન- ડાઇએલીલ એસિટેમાઇડ |
અ-કાર્બનિક
દ્રાવકોમાં દ્રાવ્ય આ-પાયસીકરણીય (emulsifiable) સાંદ્ર (concentra- ted); કણિકાઓ |
વરણાત્મક
તૃણનાશક (grasskiller) |
4 | 2,4 – D | 2,4 – ડાઇ-
ક્લોરો ફિનોક્સી એસેટિક ઍસિડ |
અ-પાણીમાં ક્ષારો
તેલમાં એસ્ટર્સ અને કાર્બનિક દ્રાવકોમાં એસિડ- સ્વરૂપે દ્રાવ્ય આ-જલદ્રાવ્ય ક્ષારો, તેલદ્રાવ્ય એસ્ટર્સ, તેલદ્રાવ્ય એમાઇન્સ પાયસી કરણીય; ઍસિડ |
*તૃણાપતૃણનાશક;
પહોળાં પર્ણોવાળાં તૃણો પર અસર- કારક
*વરણાત્મક (selective) સ્થાનાંતરિત શીકર અને પૂર્વનિર્ગમન |
5 | MCPA | 2-મિથાઇલ-4
– ક્લોરો ફિનોક્સી એસેટિક ઍસિડ |
અ-પાણીમાં ક્ષારો
અને તેલમાં એસ્ટર્સ સ્વરૂપે દ્વાવ્ય. આ-જલદ્રાવ્ય ક્ષારો તેલદ્રાવ્ય એસ્ટર્સ |
વરણાત્મક
સ્થાનાંતરિત પહોળાં પર્ણોવાળાં અપતૃણો પર અસરકારક |
6 | ક્લોરેટ | સોડિયમ
ક્લોરેટ |
અ-પાણીમાં દ્રાવ્ય
આ-શુષ્ક સ્ફટિકો |
સામાન્ય
સ્થાનાંતરિત શીકર, ભૂમિ- રોગાણુહર (Soil Steri lant) |
7 | 2,4,5–T | 2,4,5 – ટ્રાઇ
ક્લોરો ફિનોક્સી એસેટિક ઍસિડ |
અ- કાર્બનિક
દ્રાવકોમાં દ્રાવ્ય આ-જલદ્રાવ્ય ક્ષારો તેલદ્રાવ્ય ક્ષારો, તેલદ્રાવ્ય એસ્ટર્સ પાયસીકરણીય સાંદ્ર |
કાષ્ઠમય
જાતિઓ માટે વરણાત્મક સ્થાનાંતરિત શીકર |
8 | ટ્રાઇ-
ફલોરેલીન (ટ્રીફલેન) |
ટ્રાઇફ્લોરો-2,
6-ડાઇ- નાઇટ્રોએન, એન-ડાઇપ્રો- પાઇલ-પી- ટોલ્યુઇડીન |
અ-કાર્બનિક
દ્રાવકોમાં દ્રાવ્ય, આ-પાયસી- કરણીય સાંદ્ર; કણિકાઓ |
વરણાત્મક
પૂર્વનિર્ગમન ભૂમિ-તૃણા- પતૃણનાશક |
જૈમિન વિ. જોશી