તૃણભૂમિ

January, 2014

તૃણભૂમિ (grassland)

સ્થળજ નિવસનતંત્રનો એક મુખ્ય વનસ્પતિ-સમૂહ. ભૌતિક અને પર્યાવરણીય પરિબળોના સંયુક્ત આધારે વર્ગીકૃત કરેલા વનસ્પતિ-સમૂહોમાં રણ, ટુંડ્ર અને વનભૂમિ (wood land) ઉપરાંત તૃણભૂમિનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વૃક્ષોની ગેરહાજરીમાં અથવા દૂર દૂર છૂટાંછવાયાં વૃક્ષોની હાજરીમાં તૃણ અને તૃણાભ (graminoid) વનસ્પતિઓ પ્રભાવી હોય છે. એક વનસ્પતિસમૂહનું બીજા વનસ્પતિસમૂહમાં થતું ક્રમિક સંક્રમણ અને માનવપ્રક્રિયાઓને લીધે ર્દશ્યભૂમિ(land scape)ની ભૌમિક અને જૈવિક લાક્ષણિકતાઓમાં થતા ફેરફારોને કારણે કોઈ પણ વનસ્પતિ-સમૂહ દ્વારા રોકાયેલ ભૂમિનું ક્ષેત્રફળ નક્કી કરવું મુશ્કેલ  હોય છે. મનુષ્ય કૃષિવિદ્યાકીય અને ઔદ્યોગિક રીતે ભૂમિનો બહોળો ઉપયોગ કરી પ્રવર્તમાન પર્યાવરણમાં ઝડપી ફેરફારો લાવે તે પહેલાં પૃથ્વીની કુલ ભૂમિની સપાટી પૈકી 40 % થી 45 % ભૂમિ પ્રાકૃતિક તૃણભૂમિઓ દ્વારા રોકાયેલી હતી. જોકે તૃણભૂમિઓ અને સવાનાના વિસ્તારો પાળેલાં પશુધન અને શિકારી પ્રાણીઓ માટે ગોચરભૂમિ (range lands) સ્વરૂપે રૂપાંતરિત સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. તેના ઘણાખરા ભાગનો કૃષિમાં વધારે પડતો ઉપયોગ શરૂ થયો હોવાથી તેનાં મૂળ વનસ્પતિઓ અને પ્રાણીઓ અર્દશ્ય થયાં છે.

આબોહવા : પ્રાકૃતિક તૃણભૂમિઓની આબોહવા વરસાદની બાબતમાં ઋતુનિષ્ઠ અને વાર્ષિક નોંધપાત્ર ફેરફારો દર્શાવે છે. શુષ્કતા(drought)નો ગાળો કેટલાંક અઠવાડિયાંથી શરૂ થઈ કેટલાક મહિનાઓ સુધીનો હોય છે. વનની સીમાથી જેમ દૂર જઈએ તેમ શુષ્કતાની માત્રા વધતી જાય છે. સમશીતોષ્ણ પ્રદેશની તૃણભૂમિઓમાં સરેરાશ વાર્ષિક વરસાદ 250થી 750 મિમી. થાય છે. ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ તૃણભૂમિઓ અને સવાનામાં 1500 મિમી. જેટલો વરસાદ પડે છે. જોરદાર પવનો બાષ્પીભવનમાં વધારો કરી વધારાની જલતાણ (water stress) ઉત્પન્ન કરે છે. ઊંચા તાપમાને શુષ્કતાની પ્રતિકૂળ અસરોમાં વધારો થાય છે. ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં વૃદ્ધિઋતુ વર્ષાઋતુની લંબાઈ પરથી નક્કી થાય છે; તે લગભગ 120થી 190 દિવસ સુધીની હોય છે. સમશીતોષ્ણ પ્રદેશોમાં તાપમાન મહત્ત્વનું પરિબળ બને છે. આવા પ્રદેશોમાં દૈનિક તાપમાન 5°થી 10° સે. હોય ત્યારે વૃદ્ધિ શરૂ થાય છે. ઠંડા સમશીતોષ્ણ પ્રદેશની તૃણભૂમિમાં તુષારહીન (frost-free) ઋતુ ઓછામાં ઓછી 100 દિવસની હોય છે અને વૃદ્ધિઋતુ સામાન્યત: 165 દિવસથી વધારે હોય છે. સુષુપ્ત ઋતુ કરતાં વૃદ્ધિઋતુ દરમિયાન વિવિધ તૃણભૂમિમાં તાપમાનનો તફાવત ઓછો રહે છે. સમશીતોષ્ણ તૃણભૂમિઓના સૌથી ગરમ મહિનાનું તાપમાન 15°થી 20° સે.થી ઓછું હોતું નથી. ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણપ્રદેશની વર્ષાઋતુનું તાપમાન સરેરાશ કરતાં 10° સે.થી વધારે  ઊંચું હોતું નથી. રણપ્રદેશની નજીકના વિસ્તારોમાં જ્યાં વાર્ષિક વરસાદ 100થી 300 મિ.મી થાય છે ત્યાં ટૂંકાં તૃણ પ્રભાવી બને છે. ફસલ ઉગાડવા માટેની આબોહવા અનુકૂળ હોય તેવી અર્ધરણથી અલ્પાર્દ્ર (subhumid) પરિસ્થિતિમાં મધ્યમ કદનાં અને ઊંચાં તૃણ જોવા મળે છે. વર્ષાઋતુ દરમિયાન વૃદ્ધિ માટેનાં પરિબળો  ખૂબ અનુકૂળ હોય એવા ઉપોષ્ણ પ્રદેશોમાં 4 મીટર કે તેથી વધારે ઊંચાં તૃણ થાય છે. આમ, આબોહવા તૃણભૂમિના નિર્માણ અને પ્રકાર માટે સૌથી મહત્વનું પરિબળ છે.

ભૂમિ : પ્રાકૃતિક તૃણભૂમિઓનો વિકાસ થયેલો હોય છે તેવા પ્રદેશોમાં ભૌતિક અને જૈવિક ઘટકોની સંયુક્ત  અસરથી વનભૂમિ  કરતાં તદ્દન જુદા પ્રકારના ગુણધર્મોવાળી ભૂમિ બને છે.

સમશીતોષ્ણ તૃણભૂમિમાં અંત:સ્રવિત (percolated) જલની અછત અને ભૌમિક દ્રવ્યોની ઓછી દ્રાવ્યતાને કારણે મર્યાદિત નિક્ષાલન (leaching) થાય છે. તેથી નિક્ષાલિત રાસાયણિક દ્રવ્યોનું ભૂમિ પાર્શ્વિકા(soil profile)ના તળિયે અવક્ષેપન થાય છે. તેમાં બધી ઊંડાઈએ કાર્બનિક દ્રવ્ય પણ ભરપૂર હોય છે. આમ, સમશીતોષ્ણ તૃણભૂમિ વનસ્પતિને લાંબા સમય સુધી ધીમે ધીમે પોષકતત્વો પૂરાં પાડવા માટે સમર્થ હોય છે. તેથી પ્રાકૃતિક વાનસ્પતિક આવરણના નાશ પછી પણ ફસલનું ઉત્પાદન થઈ શકે છે. સમશીતોષ્ણ પ્રદેશની તૃણભૂમિનો રંગ કાળા (કાર્બનિક દ્રવ્ય લગભગ 10 % જેટલું)થી માંડી બદામી (કાર્બનિક દ્રવ્ય 3 %થી ઓછું) હોય છે.

કેટલીક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણની તૃણભૂમિઓમાં ઊંચા તાપમાન અને વધારે વરસાદને કારણે  નિક્ષાલન ખૂબ થાય છે. તેની ભૂમિમાં કોહવાટ ઝડપી થતો હોય છે અને કાર્બનિક દ્રવ્યોનું એકત્રીકરણ ઓછું થાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોની ભૂમિ લાલાશ કે પીળાશ પડતી હોય છે, જે દર્શાવે છે કે આવી પાર્શ્વિકામાં લોહતત્વનું પુષ્કળ પ્રમાણ હોય છે.

સમગ્ર તૃણભૂમિના  વિભાગોમાં ગઠન (texture) અને રચનામાં રહેલા તફાવતો વનસ્પતિઆવરણમાં જલપ્રવૃત્તિ (water regimes)-ને કારણે ફેરફારો લાવે છે. કાંપ કે ચીકણી માટીયુક્ત (clayey) ભૂમિ કરતાં રેતાળ ભૂમિમાં વરસાદના પાણીનું ઝડપી અંત:સ્રવણ થતાં પાણી વધારે પ્રમાણમાં પ્રવેશ પામે છે. તેથી પાણીનો પુરવઠો વધારે પ્રાપ્ય બનતાં રેતાળ ભૂમિમાં ઊંચાં તૃણ અને વૃક્ષોની વૃદ્ધિ શક્ય બને છે.

અગ્નિ : તે તૃણભૂમિના પર્યાવરણનું મહત્વનું લક્ષણ ગણાય છે. વીજળીપ્રેરિત અગ્નિ સામાન્ય હોય છે અને મનુષ્ય તેનું નિયંત્રણ કરે તે પહેલાં મોટા વિસ્તાર સળગી જતા હોય છે. અગ્નિનાં કારણો તૃણભૂમિની આબોહવાની શુષ્ક પ્રકૃતિ સાથે એટલાં ગાઢ રીતે સંબંધિત હોય છે કે સામાન્ય આબોહવાકીય પરિબળોથી તેને જુદાં ગણવાં યોગ્ય નથી. કેટલાક ભૂગોળવિદ જોકે, અગ્નિને આબોહવાકીય પરિબળ ગણતા નથી. અને તેથી તે અગ્નિની ગેરહાજરીમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિસમૂહને જ પ્રાકૃતિક ગણે છે. શુષ્કતા, દહનશીલતા વનસ્પતિ-આવરણનું સાતત્ય અને વીજળીના ચમકારાઓને લીધે અગ્નિ કુદરતી રીતે અનેક વાર ઉત્પન્ન થાય છે. આવા વિસ્તારોમાં વારંવાર થતા અગ્નિને કારણે વનસ્પતિસમૂહમાં ફેરફાર થાય છે. તે તૃણભૂમિઓના વધારે ભેજયુક્ત ભાગોની સીમાઓ જાળવે છે અને વનની વૃદ્ધિને ટેકો આપે છે. આમ, તૃણભૂમિમાં વનની વૃદ્ધિને તે અટકાવે છે. તૃણભૂમિ અને વન વચ્ચે રહેલા આવા સંક્રમણક્ષેત્ર (transitional zone)ની પ્રકૃતિ એવી હોય છે; જે તૃણભૂમિના લાંબા સમયના અસ્તિત્વનો નિર્દેશ કરે છે.

સમશીતોષ્ણ તૃણભૂમિઓમાં વનની સીમાને બાદ કરતાં વૃક્ષોની વૃદ્ધિ માટે પ્રતિકૂળ આબોહવા હોય છે; પરંતુ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં સમગ્ર તૃણભૂમિમાં ઘણી વાર વૃક્ષો અને ક્ષુપો છૂટાંછવાયાં હોય છે, તેને સવાના કહે છે. શાકીય વનસ્પતિઓની વર્ષાઋતુ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં થતી વૃદ્ધિ બળતણ પૂરું પાડે છે. તે ઘણા પ્રદેશોમાં દર વર્ષે શુષ્ક ઋતુ દરમિયાન અગ્નિ માટેની અનુકૂળતા પૂરી પાડે છે. અગ્નિની ગેરહાજરીમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વનનો વિકાસ થાય કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તેમને સવાના [જેમાં શાકીય સ્તર (herbaceous layer) પ્રભાવી છે.] ગણીને સંતોષ માનવો રહ્યો.

અગ્નિ તૃણ અને શાકીય વનસ્પતિઓ કરતાં વૃક્ષ અને ક્ષુપ માટે સૌથી વિશેષ વિનાશકારી છે; કારણ કે જેમાંથી નવી ઋતુ દરમિયાન નવી વૃદ્ધિ થવાની હોય તેવી કલિકાઓ અગ્નિ પહોંચી શકે તેટલી ઊંચાઈએ પ્રકાંડ પર હોય છે. શાકીય જાતિઓમાં વૃદ્ધિપ્રદેશો ભૂમિની સપાટીએ અથવા તેથી નીચે આવેલા હોય છે.

સ્થળાકૃતિ (topography) : ઘણી તૃણભૂમિઓના પ્રદેશો મૃદુ તરંગિત (undulating) સ્થળાકૃતિ ધરાવે છે. ઘણી વાર, જોકે ભૂમિની આકૃતિ અનિયમિત હોય છે. તેની સૂક્ષ્મ આબોહવા(microclimate)માં ભિન્નતાઓ પેદા થાય છે; જેથી તેના વનસ્પતિસમૂહના પ્રકારોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે; દા.ત., ઉત્તર અમેરિકાના સેન્ટ્રલ લો લૅંડ અને ગ્રેટ પ્લેઇન્સના ભાગોમાં આવેલ હિમનદીય હિમોઢ (glacial moraines) અને વાતોઢ (loessial) ભૂમિ ધરાવતી ટેકરીઓ અને જ્યાં રેતીના ટીંબા હોય ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. વનતૃણભૂમિની સીમા પાસેનો વિસ્તાર તૃણભૂમિ  માટે અનૂકૂળ હોય છે. વનના શુષ્ક ઢોળાવો જ્યાં વિકિરણ અને પવનની અસર વધારે હોય છે તેવા વિસ્તારો પણ તૃણભૂમિ માટે અનુકૂળ હોય છે; તેથી ઊલટું, સંરક્ષિત ઢોળાવો પર આવેલી તૃણભૂમિમાં વૃક્ષોના સમૂહો પણ જોવા મળે છે.

ઉચ્ચ અક્ષાંશો પર જ્યાં ઢોળાવો વિષુવવૃત્તમુખી હોય અને અભિધ્રુવમુખી (poleward facing) ઢોળાવો કરતાં વધારે વિકિરણ મેળવે ત્યાં વનસ્પતિસમૂહમાં વિરોધાભાસો જોવા મળે છે. સંરક્ષિત જલગ્રહણક્ષેત્રો(sheltered basins)માં આવેલ તૃણભૂમિમાં વન થાય છે અને ખુલ્લાં પર્વતીય શિખરો પર આવેલા વનમાં તૃણભૂમિનાં ઝૂમખાં જોવા મળે છે.

તૃણભૂમિમાં આવેલા અવનમિત (depressed) વિસ્તારોનો અને અભિધ્રુવમુખી ઢોળાવો પરનો શાકીય વનસ્પતિ-સમૂહ ઘણી વાર અભિધ્રુવ વિસ્તારોની સમતલ ભૂમિમાં જોવા મળતી પ્રભાવી જાતિઓ ધરાવે છે. તે જ પ્રદેશના ખુલ્લા આવાસોમાં વિષુવવૃત્તમુખી સમુદાયોમાં થતી વનસ્પતિની પ્રભાવી જાતિઓ થાય છે. તે જ રીતે રણપ્રદેશની નજીકની તૃણભૂમિના ખુલ્લા વિસ્તારોમાં રણપ્રદેશની જાતિઓ થાય છે.

જૈવ ઘટકો (biotic components) : કોઈ પણ નિવસનતંત્રના જીવંત સભ્યોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે; જે અનુક્રમે કાર્બનિક દ્રવ્યના ઉત્પાદકો ઉપભોક્તાઓ અને વિઘટકો (decomposers) તરીકે કાર્ય કરે છે.

વનસ્પતિસમૂહ : પ્રાકૃતિક તૃણભૂમિઓનો વનસ્પતિસમૂહ મૂળભૂત રીતે બીજધારી શાકીય વનસ્પતિઓની જાતિઓનો બનેલો હોય છે; જેને બાહ્યાકાર વિદ્યા(morphology)ની ર્દષ્ટિએ બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. (1) તૃણ (grasses) અને તૃણ જેવી પ્રતૃણ (sedges) વનસ્પતિઓ; જેમને સામૂહિક રીતે તૃણાભ (grassinoids) વનસ્પતિઓ કહે છે; અને (2) તૃણ સિવાયની મોટેભાગે પહોળાં પર્ણો ધરાવતી શાકીય વનસ્પતિઓ જેમને તૃણેતર (forbs) કહે છે. ભૂમિની સપાટી પર બહુવર્ષાયુ (perennial) પ્રકાંડ ધરાવતી કાષ્ઠમય વનસ્પતિઓ પણ થાય છે. તૃણ જેટલું કદ ધરાવતાં વામન ક્ષુપ પણ કેટલીક વાર જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં વધારે ઊંચાં ક્ષુપ એકાકી અથવા ઝૂમખામાં થાય છે. સવાનામાં વેરવિખેર વૃક્ષો જોવા મળે છે. કેટલીક તૃણભૂમિના વિસ્તારોમાં સ્થાનિક રૂપાંતરિત આવાસો દા.ત., નદી અને ઝરણાના માર્ગ પર ઉપવન જોવા મળે છે. ઘણી વખત બીજરહિત વનસ્પતિઓ ખાસ કરીને લાઇકેન્સ, શેવાળ (mosses) અને લીલની વસાહતો ભૂમિની સપાટી પર આચ્છાદન કરતી હોય છે.

અનુકૂળ ભેજવાળી અને સમશીતોષ્ણ આબોહવા ધરાવતા તૃણભૂમિઓના વિસ્તારોમાં વનસ્પતિની વિવિધ જાતિઓ સારી સંખ્યામાં થાય છે; પરંતુ પર્યાવરણીય પ્રતિકૂળતા વધતાં જાતિઓની સંખ્યા ઘટે છે. પૂર્વીય નેબ્રાસ્કાની કાળી તૃણભૂમિમાં લગભગ 2.5 ચોકિમી.ના વિસ્તારમાં ઘાસનાં બીડ(prairie)ની 200 જેટલી જાતિઓ થાય છે. જ્યારે દક્ષિણ સાસ્કાટ્ચેવાનની 1600 કિમી. ઉત્તર-પૂર્વે આવેલ બદામી તૃણભૂમિના વિસ્તારમાં 50 જેટલી જ જાતિઓ થાય છે. તે જ પ્રમાણે ઉષ્ણકટિબંધીય સવાનામાં અગ્નિ અને શુષ્કતાનો અવરોધ કરી શકતી વનસ્પતિની જાતિઓ થાય છે.

સ્થાન રોકવામાં તૃણની સફળતા : તૃણાભ વનસ્પતિઓ શાકીય સમુદાયોમાં પ્રભાવિતા દર્શાવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂલન પામેલી હોય છે. જોકે તૃણભૂમિમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિ જાતિઓ પૈકી તે 20 %થી પણ ઓછી હોય છે, છતાં તે ઘણી વાર કુલ વનસ્પતિ જૈવભાર (plant biomass)નો 90 %થી વધારે જૈવભાર પૂરો પાડે છે. બીજધારી વનસ્પતિઓની કુલ જાતિઓની તુલનામાં તૃણાદિ (Poaceae) કુળ ખૂબ ઓછી જાતિઓ ધરાવતું હોવા છતાં વનસ્પતિ-સમુદાયોમાં બધાં જ સ્થાનોએ તેનો ફાળો ખૂબ વધારે હોય છે.

તૃણનો ઉદવિકાસ (evolution) ઉષ્ણકટિબંધીય કાષ્ઠમય પૂર્વજો દ્વારા થયો છે. વાંસ તેનું આધુનિક ઉદાહરણ છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં આવેલાં વનની પાસે જોવા મળતી તૃણભૂમિઓમાં થતાં તૃણની આદ્ય પ્રકૃતિ દ્વારા આ ઉદભવ  પ્રતિફલિત થાય છે. શાકીય સ્વરૂપ દ્વારા તે સમયાન્તરે થતા અગ્નિ અને ઋતુની શુષ્કતા જેવી કેટલીક પ્રતિકૂળતાઓની સામે અસ્તિત્વ ટકાવી શકે છે. શુષ્ક, પવનવાળાં અને ઠંડાં પર્યાવરણોમાં પણ બીજ-ઉત્પાદનમાં વધારો કરે તેવાં અન્ય અનુકૂલનોમાં પવન પરાગનયન, પુષ્પને મળતું વધારે રક્ષણ અને અવનત દેહવિન્યાસ(reduced stature)નો સમાવેશ થાય છે.

તૃણાભ જીવસ્વરૂપ : તે તૃણેતર સાથેની સ્પર્ધામાં પ્રભાવી બનવા માટે સારી રીતે અનુકૂલન પામેલું હોય છે. ભૂમિ પર ગાઢ વનસ્પતિ-આવરણ બનાવવાની ક્ષમતાને લીધે ઓછાં આક્રમક (aggressive) બીજાંકુરો સ્થાપિત થઈ શકતાં નથી. તૃણાભ વનસ્પતિ તેની વૃદ્ધિની પદ્ધતિને લીધે ચરાણ તેમજ અગ્નિ સામે સારી રીતે અનુકૂલન પામેલી હોય છે. તેમની પ્રકાંડની આંતરગાંઠ(internode)ની નીચે અંતર્વેશી વર્ધનશીલ પેશી (intercalary meristem) આવેલી હોય છે; જ્યારે તૃણેતર અને કાષ્ઠમય વનસ્પતિઓમાં તે અગ્ર ભાગે આવેલી હોય છે. આમ, પ્રરોહના ઉપરના ભાગો કપાય, કચડાય કે ચરાય અથવા અગ્નિથી બળી જાય તોપણ તૃણ તેની વૃદ્ધિ સતત ચાલુ રાખી શકે છે.

ઊંચાઈને અનુલક્ષીને તૃણનું વર્ગીકરણ તૃણભૂમિમાં થતાં પ્રભાવી તૃણની ઊંચાઈને અનુલક્ષીને ઊંચાં, મધ્યમ અને ટૂંકાં તૃણ – એમ ત્રણ પ્રકારોમાં તેને વિભાજિત કરે છે. ઊંચાં તૃણ કેટલીક વાર ત્રણ મીટર કે તેથી વધુ ઊંચાં હોય છે અને પુષ્કળ વરસાદવાળી ઉષ્ણકટિબંધીય તૃણભૂમિઓમાં જોવા મળે છે. ઊંચાં તૃણ ઉષ્ણકટિબંધ અને ઉપોષ્ણ પ્રદેશોમાં આવેલા સવાના તેમજ સમશીતોષ્ણ તૃણભૂમિઓના સૌથી અનુકૂળ ભાગો(ખાસ કરીને  ભેજયુક્ત આવાસો)માં થાય છે. મધ્યમ ઊંચાઈવાળાં તૃણની પુષ્પીય શાખાઓ 30થી 90 સે.મી. લાંબી હોય છે અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વનભૂમિની નજીક આવેલી તૃણભૂમિમાં પ્રભાવી હોય છે. ટૂંકાં તૃણ પર્ણીય પ્રરોહ સહિત 8થી 15 સેમી. ઊંચાં હોય છે અને શુષ્ક તૃણભૂમિમાં પ્રભાવી હોય છે. ટૂંકાં તૃણ અને મિશ્ર ઊંચાઈ ધરાવતાં તૃણ ઉત્તર અમેરિકાના ગ્રેટ પ્લેઇન્સના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર-તૃણનાં પ્રેઅરિ મેદાનો આવેલાં છે.

તૃણની પ્રત્યેક જાતિના અનુકૂલનનો આધાર તે દર્ભસ્થલીય તૃણ (turf) કે ગુચ્છ-તૃણ (bunch-grass) છે તેના પર રહેલો છે. દર્ભસ્થલીય તૃણ ભૂમિની નીચે રહેલા પ્રકાંડ (ગાંઠમૂળી)ની પાર્શ્વીય કલિકા દ્વારા અથવા ક્વચિત જ ભૂમિ પર વિરોહ દ્વારા પ્રસરે છે. ગુચ્છ તૃણ તેના કદમાં સમક્ષિતિજ રીતે પ્રસરે છે અને ઉંમરના વધારા સાથે તેમાં ઘટાડો થાય છે. ગુચ્છ તૃણમાં કેટલીક વાર બીજાંકુરણ દ્વારા વિકાસ જરૂરી બને છે; જ્યારે દર્ભસ્થલીય તૃણમાં બીજાંકુરણ જરૂરી હોતું નથી. ગુચ્છ-તૃણ શુષ્ક અને દર્ભસ્થલીય તૃણ ભેજયુક્ત આવાસોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.

પ્રતિકૂળતાઓ સામે અનુકૂલન સાધી શકે તે માટે તૃણની જાતિઓ દેહધાર્મિક લાક્ષણિકતાઓ ધરાવે છે. કેટલીક જાતિઓ શુષ્કતા દરમિયાન પણ ભૂમિમાંથી વધારે જથ્થામાં પાણી મેળવી વૃદ્ધિ ચાલુ રાખી શકે છે. અન્ય કેટલીક જાતિઓ શુષ્કતા અતિશય વધી જાય તે પહેલાં સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. શુષ્કતા કે શિશિરાતિજીવન (overwintering) જેવી આત્યંતિક પરિસ્થિતિ દરમિયાન તે બીજ દ્વારા અસ્તિત્વ ટકાવી રાખે છે. આવી વનસ્પતિઓને એકવર્ષાયુ (annual) કહે છે. તે રણપ્રદેશોમાં વધારે જોવા મળે છે અને હંગામી શાકીય આવરણ બનાવે છે, છતાં તૃણભૂમિના વિક્ષુબ્ધ આવાસોમાં પણ તે દેખાય છે.

તૃણનાં મૂળતંત્ર લાક્ષણિક રીતે શાખિત અને પુન:શાખિત બની ભૂમિમાં ગાઢ જાળ રૂપે વિસ્તરે છે. ઊંચાં અને મધ્યમ કદનાં તૃણમાં મૂળની લંબાઈ બે મીટરથી ઓછી હોય છે, જ્યારે ટૂંકાં તૃણનાં મૂળ 30થી 90 સેમી. લાંબાં હોય છે. આ લંબાઈ તે જે આવાસોમાં પ્રભાવી હોય ત્યાંની ભૂમિની ભેજપ્રવેશ (moisture penetration) માટેની મહત્તમ ઊંડાઈ છે.

કેટલીક સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય તૃણભૂમિઓમાં તૃણની સાથે જોવા મળતાં પ્રતૃણ (દા.ત., Carex) સમાન પરિસ્થિતિવિદ્યાકીય (ecological) સંબંધો દર્શાવે છે. તૃણ અને પ્રતૃણ પછી એસ્ટરેસી કુળની વનસ્પતિઓ વિપુલ  પ્રમાણમાં થાય છે. વનની સીમાની નજીક વૃદ્ધિની અનુકૂળ પરિસ્થિતિઓમાં તૃણેતર જાતિઓ વધારે પ્રમાણમાં થાય છે. જોકે વધારે શુષ્ક તૃણભૂમિઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેમની વિપુલતા જાતિ અને કુલ વનસ્પતિઓની સંખ્યાની ર્દષ્ટિએ ઘટે છે. કેટલીક તૃણેતર જાતિઓ તૃણ કરતાં પણ વધારે ઊંડાઈ સુધી મૂળ ફેલાવીને શુષ્ક પરિસ્થિતિનો સામનો કરે છે. અને ભૂમિગત અંગો દ્વારા ઘણાં વર્ષો સુધી અસ્તિત્વ ટકાવે છે. અન્ય કેટલીક જાતિઓ પેશીઓમાં પાણીનો સંગ્રહ કરે છે. કેટલીક તૃણેતર જાતિઓનું મૂળતંત્ર તૃણ જેવી રચના ધરાવે છે; જ્યારે બીજી જાતિઓમાં સોટી મૂળતંત્ર કે કંદ કે વજ્રકંદ હોય છે અને તેમનાં મૂળ પ્રરોહનું નિર્માણ કરી શકતી કલિકાઓનું સર્જન કરે છે. છેલ્લા પ્રકારની જાતિઓ તૃણના પ્રબળ સ્પર્ધકો છે. તે કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (અગાઉના યુ.એસ.એસ.આર.)ની તૃણભૂમિઓમાં વિપુલ પ્રમાણમાં હોય છે. કેટલાક વિસ્તારોમાં તૃણ કરતાં તૃણેતર જાતિઓ પ્રભાવી હોય છે. આ પ્રકારનાં મૂળતંત્ર ધરાવતી યુરેશિયન તૃણેતર જાતિઓ વિશ્વના ઘણા પ્રદેશોની ખેતીલાયક ભૂમિમાં પ્રવેશ પામેલા સૌથી દીર્ઘસ્થાયી અપતૃણ તરીકે જોવા મળે છે; જેમાં Euphorbia (spurge), Cardaria (white top), centaurea (thistle) અને convolvulus (morning glory)ની બહુવર્ષાયુ જાતિઓનો સમાવેશ થાય છે.

સામાન્ય અવલોકનકારને લાગે તે કરતાં પ્રાકૃતિક તૃણભૂમિના વાનસ્પતિક આવરણની જટિલતા વધારે હોય છે. તૃણભૂમિમાં 1.0 ચોમી.માં રહેલી વનસ્પતિની જાતિઓ જેટલી ભિન્નતા દર્શાવે છે તેટલી ભિન્નતા વનમાં લગભગ 4840 ચોમી.-એ હોય છે.

પ્રભાવી જાતિઓ સમક્ષિતિજ (horizontally) રીતે વસાહતો (colonies) અને સમાજો(societies)ના સ્વરૂપમાં ગોઠવાયેલી  હોય છે; અને શિરોલંબમાં (vertically) ભૂમિ પર અને ભૂમિમાં સ્તરો સ્વરૂપે જોવા મળે છે. સ્તરોની સંખ્યા તૃણભૂમિની પ્રકૃતિ પર આધાર રાખે છે. સૌથી ઉપર સ્તર સૌથી ઊંચી તૃણ અને તૃણેતર જાતિઓથી બનેલું હોય છે. કેટલાંક તૃણેતરની વાનસ્પતિક વૃદ્ધિ નીચલા સ્તરો જેટલી હોવા છતાં પર્ણરહિત પુષ્પીય શાખા પરાગનયન અને બીજવિકિરણ માટે તૃણસ્તર કરતાં પણ વધારે ઊંચી વધે છે. અન્ય જાતિઓ વધારે ઊંચા તૃણની જેમ વૃદ્ધિ સાધે છે અને તેમનાં પુષ્પો પર્ણીય પ્રકાંડ પર આવેલાં હોય છે. નીચલું સ્તર ટૂંકું કદ ધરાવતી જાતિઓનું બનેલું હોય છે; તે પૈકી કેટલીક દ્વિતીયક (secondary) જાતિઓ તેમને પ્રભાવી જાતિઓ આવરી લે તે પહેલાં ઊગતી હોય છે.

ભૂમિની સપાટી પર સૌથી નીચલું સ્તર લાઇકેન્સ, શેવાળ, (mosses) અને લીલ વડે બને છે; જે કેટલીક વાર ઉપરનાં સ્તરોનાં ભૂમિ પર પડેલાં પ્રકાંડ અને પર્ણો પર થાય છે. વનસ્પતિઓનાં વિવિધ જૂથો તેમનાં મૂળ જુદી જુદી ઊંડાઈએ નાખે છે. ટૂંકાં તૃણ અને નાનાં પ્રતૃણ ભૂમિમાં એક છીછરો સ્તર બનાવે છે, જ્યારે વધારે ઊંચાં તૃણ ઊંડો સ્તર બનાવે છે. કેટલીક તૃણેતર જાતિઓનાં મૂળ ઘણી વાર તૃણનાં મૂળના સૌથી ઊંડા સ્તરની પણ નીચે તેની શાખા ફેલાય છે. તે કેટલીક વખતે પ્રભાવીઓ કરતાં બેગણી ઊંડાઈ સુધી મૂળ નાંખે છે.

વિવિધ જાતિઓના પુષ્પનિર્માણનો સમય જુદો જુદો હોવાથી સમશીતોષ્ણ તૃણભૂમિઓનો દેખાવ જુદી જુદી ઋતુએ બદલાતો રહે છે. બહુ ઓછી જાતિઓ બરફ પીગળ્યા પછી તરત જ પુષ્પીય શાખાનું નિર્માણ કરે છે. અને ઠંડી ઋતુનાં તૃણની વસંત ઋતુમાં વૃદ્ધિ થાય તે પહેલાં ખરી પડે છે તેમના પછી વસંત ઋતુમાં પુષ્પ નિર્માણ કરતી તૃણેતર જાતિઓ(શિમ્બી કુળની વહેલી ઊગી નીકળતી જાતિઓ સહિત)નો ક્રમ આવે છે. વહેલાં ઊગતાં તૃણ અને કેટલાંક પ્રતૃણ વસંત ઋતુના અંતે પુષ્પનિર્માણ કરે છે. ઉનાળા અને શિયાળા દરમિયાન થતાં મોટાભાગનાં પ્રભાવી તૃણ મોટાભાગની શિમ્બી જાતિઓની જેમ ઉનાળામાં પુષ્પનિર્માણ કરે છે. તે બધાં વાદળી અને સફેદ છાંટ ધરાવતા ર્દશ્યવાળી ભૂમિ બનાવે છે. પાનખર ઋતુમાં પુષ્પનો મુખ્ય રંગ  પીળો હોય છે. અને આ સમયે એસ્ટરેસી કુળની જાતિઓ વિપુલ પ્રમાણમાં થાય છે. ઋતુઓના આ ફેરફારો સાથે, વસંત ઋતુની શરૂઆતમાં અગાઉનાં વર્ષનાં તૃણની જૂની શાખાઓ ભૂખરા રંગમાંથી નવાં ઉત્પન્ન થતાં પર્ણોના ગાઢ લીલા રંગમાં પરિણમે છે અને ત્યારબાદ તે ઉનાળો ઊતરતાં આછો પીળો રંગ ધારણ કરે છે. શુષ્ક તૃણભૂમિઓની જાતિઓના પ્રરોહ પીળા હોય છે; જ્યારે તે વધારે ભેજવાળા વિસ્તારોમાં ખૂબ ઝડપથી ભૂખરા બને છે. દરેક વર્ષે વૃદ્ધિની ઋતુનાં લક્ષણ બદલાય છે. આબોહવામાં થતા ફેરફારોને લીધે વિવિધ જાતિઓનાં પુષ્પનિર્માણમાં વેગ આવે કાં તો અવરોધ આવે છે. શિયાળા દરમિયાન તૃણભૂમિ અનાકર્ષક અને પ્રમાણમાં નિર્જીવ હોય છે. ઉષ્ણકટિબંધીય તૃણભૂમિઓમાં ઋતુમાં થતા ફેરફારોનું સચોટ પ્રલેખન (documentation) નહિ થયું હોવા છતાં શુષ્ક ઋતુમાંથી વર્ષા ઋતુમાં થતા પરિવર્તન દરમિયાન થતા મુખ્ય ફેરફારમાં લીલી વનસ્પતિઓની પુષ્કળ પ્રમાણમાં થતી વૃદ્ધિનો સમાવેશ થાય છે; જેનો અંત શુષ્કતાનો પુન: પ્રારંભ થાય ત્યારે આવે છે. ઉષ્ણકટિબંધીય સવાનામાં કેટલાંક વૃક્ષ અને તૃણેતર જાતિઓ વર્ષા ઋતુના આગમન પહેલાં  પર્ણો ઉત્પન્ન કરે છે.

વૃક્ષઅવરોધક પરિબળો : પ્રાકૃતિક તૃણભૂમિઓની વૃક્ષરહિતતા ઘણે ભાગે શુષ્કતાનું પરિણામ છે. પ્રમાણમાં ઓછો વરસાદ અને બાષ્પીભવનનો ઊંચો દર ભૂમિજલના પુરવઠાને મર્યાદિત બનાવે છે. જ્યાં ભૂમિનું ઉપરનું સ્તર ત્રુટક રીતે ભેજયુક્ત હોય અને ઊંડા સ્તરો સતત ભેજરહિત હોય ત્યાં મોટા ભાગનાં વૃક્ષો તૃણ સાથે અસરકારક સ્પર્ધા કરી શકતાં નથી. અન્ય પરિબળોમાં અ-પારગમ્ય (inpermeable) ભૂમિ, અતિશય લવણતા (salinity) અને ઓછી જલનિકાસ (water drainage) ગણાવી શકાય.

વારંવાર આગ લાગતી હોય તેવા પ્રદેશમાં પ્રાકૃતિક તૃણભૂમિ જોવા મળે છે, કારણ કે શાકીય જાતિઓ અગ્નિની અસરોને અનુલક્ષીને ક્ષુપ અને વૃક્ષ કરતાં વધારે સારી રીતે ટકી શકે છે. તેમની દીર્ઘજીવી (perennating) કલિકાઓ ભૂમિની સપાટીની નજીક હોય છે અને ઘણુંખરું તે ઢંકાયેલી હોય છે. વૃક્ષરેખાથી ઊંચે શાકીય સમાજો અને ધ્રુવીય પ્રદેશમાં તૃણાભ વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, તેમને તૃણભૂમિઓ કહી શકાય. અતિશય ઠંડા અને સખત પવનવાળા વિસ્તારોમાં વૃક્ષો આક્રમક બળોનો સામનો ન કરી શકતાં હોવાથી આવા શાકીય સમાજો અસ્તિત્વ ધરાવે છે.

પ્રાણીસમૂહ : તૃણભૂમિઓમાં વિભિન્ન પ્રકારનાં પ્રાકૃતિક પ્રાણીઓની વસ્તી હોય છે, કારણ કે ભૂમિની સપાટી પર થતી ઘણી જાતિઓ નાની, તરત નજરે ન ચઢે તેવી સૂક્ષ્મ હોય છે અને ઘણી જાતિઓ જીવનનો અમુક ભાગ ભૂમિમાં વિતાવે છે. સૌથી વધારે જાણીતાં ચારક સસ્તનો અથવા શિકારી પ્રાણીઓ છે. તૃણભૂમિમાં જોવા મળતા બીજા ખૂબ જાણીતા પ્રાણીસમૂહોમાં ચારક શિશુધાનીસ્તની (marsupials, દા.ત., કાંગારું), બિલાડી અને કૂતરાના કુળોનાં પરભક્ષીઓ (predators), વિવિધ કદનાં કૃન્તકો (rodents), પક્ષીઓ, ગરોળીઓ, સાપ, મોટા કદના કીટકો ખાસ કરીને તીતીઘોડા અને તીડની જાતિઓનો સમાવેશ થાય છે. ભૂમિની સપાટી પર થતી મોટાભાગની જાતિઓ કાં તો ધાવક (running) કે બિલકારી (burrowing) હોય છે. તેમના લાક્ષણિક સમુચ્ચયન (aggregation) દ્વારા થતું વસાહતનિર્માણ ખુલ્લા પ્રકારના આવાસમાં કેટલેક અંશે રક્ષણ આપે છે. આ ઉપરાંત, ભૂમિમાં વિવિધ પ્રકારનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

પૃષ્ઠવંશીઓ : માનવપ્રવૃત્તિને કારણે મોટાં ચારક સસ્તનોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે અને માત્ર સંરક્ષિત વિસ્તારોમાં કેટલીક જાતિઓ અસ્તિત્વ ટકાવી શકી છે. આ પ્રાણીઓ ધરાવતી પહેલાંની ગોચરભૂમિઓમાં હવે ઢોર, ઘેટાં-બકરાં અને ઘોડા દ્વારા પુષ્કળ પ્રમાણમાં ચરાણ થાય છે. આફ્રિકાના કેટલાક પ્રબંધિત આરક્ષિત વિસ્તારો(managed reserve)માં પ્રાકૃતિક અને પાળેલાં પ્રાણીઓની  વસ્તી મિશ્ર થઈ જાય છે. પરંતુ ઘણુંખરું મૂલનિવાસી ચારક જાતિઓને ઘૂસણખોર (intruders) ગણવામાં આવે છે અને તેમનું ભક્ષણ કરનારાંને વિષ આપીને કે શિકાર કરીને અથવા વાડ બનાવીને અલગ કરવામાં આવે છે.

આફ્રિકાની તૃણભૂમિઓમાં એક સમયે નૂ, (Connochaetes taurinus, gnu), હરણ (gazelle), જિરાફ અને ઝિબ્રા જેવી જાતિઓ મોટા વિસ્તારોમાં પુષ્કળ સંખ્યામાં થતી હતી. બીજી જાતિઓમાં ભેંસ, જિરાફ, સાબર (deer),  આફ્રિકન સાબર (Alcephalus caama, harte beast), હિપોપોટેમસ, વૉટર બક (પૂર્વ આફ્રિકામાં નદીકિનારે થતાં અને ઝડપી તરી શકતાં હરણ) અને ઇમ્પાલાનો સમાવેશ થાય છે. લીલાં પર્ણો અને કુમળી શાખાઓ ખાતી જાતિઓ તેમજ ચારક જાતિઓ વૃક્ષોની વૃદ્ધિ અટકાવવામાં કારણભૂત બને છે. આ શાકાહારીઓ(herbivores)ની સાથે સર્વાહારીઓ(omnivores); દા.ત., પાણીમાં રહેતાં સુવર અને માંસાહારીઓ (carnivores) ખાસ કરીને સિંહ, ચિત્તા, શિકારી કૂતરા અને શિયાળ પણ જોવા મળે છે. તરક્ષુ (hyena) કદાચ અપમાર્જક (scavanger) છે,  પરંતુ જ્યારે ટોળામાં હોય ત્યારે  પરભક્ષી તરીકે વર્તે છે. એશિયન તૃણભૂમિઓની લાક્ષણિક ચારક જાતિઓમાં જંગલી ઢોર, સૈગા-હરણ, જંગલી ઘોડો, શૈલ મૂષક (marmot), મહામૃગ (stag) અને વરાહ(boar)નો સમાવેશ થાય છે. વરુ અને શિયાળ ‘પરભક્ષીઓ’નું પ્રતિનિધિત્વ કરે છે. જંગલી ઘોડા અને ઢોર જે પહેલાં વિપુલ પ્રમાણમાં હતાં તેમનો મનુષ્ય દ્વારા સંહાર થઈ રહ્યો છે અને શૈલમૂષક તૃણભૂમિમાંથી નષ્ટ થતા ગયા છે.

અર્વાચીન ભૂસ્તરીય યુગમાં પશ્ચિમ ગોળાર્ધમાં ચારક સસ્તનોની મોટી જાતિઓની સંખ્યા ઘટી  ગઈ છે. ઉત્તર અમેરિકામાં પહેલાં પ્રોન્ગહોર્ન સાબર (Antilocarpa americana) અને બાઇસન મુખ્ય જાતિઓ હતી. તેમના સૌથી અગત્યના પરભક્ષીઓ કોયોટ(Canis latrans) અને બોબકેટ (Lynx rufus, bobcat) હતાં. દક્ષિણ અમેરિકામાં મોટાં ચારક પ્રાણીઓ ઓછાં પ્રભાવી છે; જેમાં લામા અને તેના સંબંધીઓ તથા રિયા સૌથી અગત્યનાં છે. ઑસ્ટ્રેલિયાના અલગીકૃત પ્રાણીસમૂહમાં કાંગારુંની કેટલીક જાતિઓ મુખ્ય મોટાં ચારક પ્રાણીઓ છે અને ડિંગો (Canis dingo) તેમનું મુખ્ય પરભક્ષી છે.

કેટલીક તૃણભૂમિઓમાં મોટાં ચારક સસ્તનો વનસ્પતિ-સમુદાયની પ્રકૃતિ નક્કી કરવામાં ઋતુમાન અને ભૌમિક પરિબળો જેટલું મહત્વ ધરાવે છે; કારણ કે કેટલીક વનસ્પતિજાતિઓ ચરાણના દબાણ માટે વધારે સંવેદી હોય છે.

પ્રાકૃતિક તૃણભૂમિઓમાં નાનાં શાકાહારી પ્રાણીઓ જોવા મળે છે, જેમાં કૃન્તકો [દા.ત., ઉંદર, શાદ્વલ મૂષક (voles) છછુંદર, જમીન પરની ખિસકોલીઓ, ગોફર (બિલકારી કૃન્તક), પ્રેરી મૂષક અને સસલાં]ની જાતિઓનો સમાવેશ થાય છે. મનુષ્યે પરભક્ષીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હોય તેવા પ્રદેશમાં કેટલીક જાતિઓની વસ્તીમાં વધારો માલૂમ પડ્યો છે. અન્ય જાતિઓ(દા.ત., ઉત્તર અમેરિકાના ગ્રેટ પ્લેઇન્સના પ્રેરી મૂષક)ની વસ્તી માનવ દ્વારા થતા સંહારના સીધેસીધા પ્રયત્નોને કારણે ઘટી છે. તૃણભૂમિઓમાં સૌથી વધારે  પ્રમાણમાં મળી આવતાં કૃન્તકો ગોચરભૂમિના બહોળી માત્રામાં થતા વિધ્વંસ માટે જવાબદાર છે; કારણ કે તે વનસ્પતિ આવરણના જાતિ ઉદભવન(speciation)માં ફેરફાર કરે છે અને ભૂમિની સપાટી ખુલ્લી થતાં ભૂરક્ષણ (erosion) માટે જવાબદાર બને છે.

તૃણભૂમિઓમાં વિવિધ પ્રકારની શાકાહારી, સર્વાહારી અને માંસાહારી પક્ષીઓની જાતિઓ પણ વસવાટ ધરાવે છે. તે પૈકી શાકાહારી જાતિઓ સૌથી ઓછી અને સર્વાહારી જાતિઓ સૌથી વધારે હોય છે. ચટક કુળની જાતિઓમાં ચંડોળ(lark), દીર્ઘ પદકંટ (long spur), ગોચર ચંડોળ(meadow lark), સારિકા (starling), ગ્રાઉઝ, સારસ (crane), તેતર (partridge) અને કબૂતરનો સમાવેશ થાય છે. બાજ(hawk) ઘુવડ અને ગરુડ મહત્ત્વનાં પરભક્ષીઓ છે.

ઘણી તૃણભૂમિઓમાં ઉભયજીવીઓ અને સરીસૃપો મહત્ત્વના સજીવો છે. ગરોળીઓ, ભેક (toad) અને કાચબા કીટકોનાં મુખ્ય ભક્ષીઓ છે. સાપ કૃન્તકો અને બીજાં નાનાં પૃષ્ઠવંશીઓના ભક્ષી છે. આ સજીવો તૃણભૂમિઓનાં સૌથી ઓછાં નજરે ચઢતાં પ્રાણી હોવા છતાં ઘણી વાર સૌથી વિપુલ પ્રમાણમાં થતાં પૃષ્ઠવંશીઓ પૈકીમાંનાં છે.

અપૃષ્ઠવંશીઓ : તૃણભૂમિઓમાં કીટકો અને અન્ય અપૃષ્ઠવંશીઓની પુષ્કળ જાતિઓ જોવા મળે છે. તીતીઘોડા અને તેમના સંબંધીઓ સૌથી વધારે નજરે ચઢે છે. ભૂમિની સપાટીએ પ્રતિ ચોરસ મીટરે 1000 કીટકો હોય છે અને એક જ પ્રકારની તૃણભૂમિમાં 200 કરતાં વધારે જાતિઓ થાય છે. કેટલાક વિસ્તારોમાં તો મોટાં ચારક સસ્તનો કરતાં પણ તેમનો જૈવભાર વધારે હોય છે. તીતીઘોડા (ઋજુપંખી Orthoptera), પછી ગોત્ર વિષમપંખી (Heteroptera; દા. ત., માંકડ) અને સમપંખી[Homoptera; દા.ત., મધુયૂકા (aphids), લીફ હોપર્સ]નો ક્રમ આવે છે. કલાપંખી (Hymenoptera; દા. ત. કીડીઓ) અને સમાનપંખી (Isoptera; દા. ત. ઊધઈ) ખાસ કરીને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ તૃણભૂમિઓ તેમજ સવાનામાં જોવા મળે છે. વર્મ પંખી (Coleoptera; દા. ત. ભૃંગ)ની ઇયળો વનસ્પતિઓનાં મૂળ અને ખાસ કરીને મોટાં ચારક પ્રાણીઓના મળ પર જીવે છે. દ્વિપંખી- (Diptera; દા. ત., માખીઓ)ની ઇયળો ઘણી વાર બીજ-ઉત્પાદન પર અસર કરે છે અને કચરા કે ગંદવાડનો સડો કરવામાં સક્રિય હોય છે. ફૂદાં અને પતંગિયાં જેવાં શલ્કપંખી (Lepidoptera) તૃણના મુકુટ પરથી પોષણ મેળવે છે. કાષ્ઠકીટ (thrips) પણ બીજ-ઉત્પાદનમાં ઘટાડો કરે છે. ભૂમિની સપાટી પર કરોળિયા સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતા પરભક્ષી અપૃષ્ઠવંશીઓ છે.

તૃણભૂમિના નિવસનતંત્રમાં નાનાં ભૌમિક પ્રાણીઓ અગત્યનાં છે. તે પૈકી સૂત્રકૃમિઓ, કોલમ્બેલા (spring tails: સ્ફાનપુચ્છ), ચાંચડ અને એન્ચીટ્રીઇડ્સ (નાનાં ખંડવાળાં પ્રાણીઓ) તેમજ કીટકો મુખ્ય છે. જોકે અળસિયાં અર્ધસ્થાયી અને ઉગાડવામાં આવેલ તૃણભૂમિઓમાં સામાન્ય હોવા છતાં પ્રાકૃતિક તૃણભૂમિની પરિસ્થિતિઓમાં ભાગ્યે જ હોય છે.

સૂક્ષ્મજીવો : તૃણભૂમિઓમાં સૂક્ષ્મ વનસ્પતિ સમૂહ (બૅક્ટેરિયા, એકટીનોમાયસેટીસ, લીલ અને ફૂગ) સૂક્ષ્મ પ્રાણીસમૂહ (પ્રજીવ) કરતાં સંભવત: વધારે પ્રમાણમાં હોય છે. ભૂમિમાં રહેલા મોટાભાગના સૂક્ષ્મ જીવો કોઈ એક સમયે નિષ્ક્રિય કે સુષુપ્ત હોય છે. તૃણભૂમિમાં મૂળતંત્રો પુષ્કળ પ્રમાણમાં હોવાથી બૅક્ટેરિયાની વધારે સંખ્યા ધરાવે છે; તેથી તેનો બૅક્ટેરિયલ જૈવભાર કૃષિભૂમિના બૅક્ટેરિયલ જૈવભાર (15 સેમી.ની ઊંડાઈએ 330-720 કિગ્રા. પ્રતિ હેક્ટર) કરતાં વધારે હોય છે. બૅક્ટેરિયા કરતાં ફૂગની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં કોષો કદમાં ઘણા વધારે મોટા હોય છે અને બૅક્ટેરિયા કરતાં બે ગણો જૈવભાર ધરાવે છે. લીલનો જૈવભાર સૂક્ષ્મ વનસ્પતિસમૂહના કુલ જૈવભારના 10 %થી પણ ઓછો હોય છે.

આકૃતિ 1 : તૃણભૂમિ જૈવ સમાજોનું વિશ્વમાં વિતરણ.

સમશીતોષ્ણ તૃણભૂમિઓ : યુરેશિયામાં સ્ટેપ્સ, મધ્ય અને પશ્ચિમ અમેરિકામાં પ્રેરી, આર્જેન્ટિનામાં પમ્પા અને તેની પાસેના વિસ્તારો સમશીતોષ્ણ પ્રદેશની સૌથી વિસ્તૃત તૃણભૂમિઓ છે; જ્યારે દક્ષિણ આફ્રિકાની વેલ્ડ્સ, ન્યૂઝીલૅન્ડની ટસ્સોક, દક્ષિણ અમેરિકાની પર્વતીય તૃણભૂમિઓ અને ઑસ્ટ્રેલિયાના સવાના સમશીતોષ્ણ તૃણભૂમિઓના ઓછા વિસ્તૃત વિસ્તારો છે.

ઉત્તર અમેરિકા : ઉત્તર અમેરિકાની તૃણભૂમિના સાત પ્રાદેશિક પ્રકારો છે. સૌથી વિસ્તૃત મિશ્ર પ્રેરી દક્ષિણ આલ્બર્ટા અને સાસ્કાટ્ચેવાનથી દક્ષિણે પશ્ચિમ ટૅક્સાસ સુધી લંબાયેલું છે. તે સોમા પશ્ચિમ રેખાંશ અને રૉકી ગિરિમાળાના ગિરિપાદ (foot hills) વચ્ચે પશ્ચિમે આવેલું છે. તે ઉત્તરમાં મધ્યમ કદની પ્રભાવી જાતિઓ ગુચ્છ તૃણ ભાલાઘાસ (Stipa) અને દર્ભસ્થલ બનાવતાં ઘઉં-તૃણ (Agropyron) ધરાવે છે. દક્ષિણ તરફ જતાં ખાસ કરીને બ્લૂ ગ્રેમા (Bouteloua) અને ભેંસ-તૃણ (Buchloe) જેવાં ટૂંકાં તૃણ પ્રભાવી બને છે. બીજા ક્રમનો વિસ્તૃત વિસ્તાર ગિરિમાળાની પૂર્વે વધારે વરસાદવાળા પટ્ટામાં આવેલ તૃણભૂમિનો છે. તે મિશ્ર પ્રેરીથી પૂર્વીય પાનખરનાં વન સુધી લંબાયેલ છે. જોકે અત્યારે તે ‘મકાઈ-પટ્ટો’ બન્યો છે. છતાં પહેલાં, વધારે શુષ્ક આવાસોમાં ભાલા-ઘાસ અને ડ્રોપ સીડ (Sporobolus) અને વધારે અનુકૂળ સ્થાનોએ બ્લૂ સ્ટેમ્સ (Andropogon) પ્રભાવી હતાં. રૉકી ગિરિમાળાની પશ્ચિમે આવેલ તૃણભૂમિ ‘પેલાઉસ પ્રેરી’ તરીકે જાણીતી છે. તે પૂર્વીય વૉશિંગ્ટન અને ઇડાહો તેમજ ઓરેગોન પાસેના વિસ્તારોમાં અને બ્રિટિશ કોલંબિયાની ખીણોમાં થાય છે. પ્રભાવી તૃણ મોટું ગુચ્છ બનાવતું ઘઉં-તૃણ છે. પૂર્વમાં આ પ્રદેશના ઉત્તરીય ભાગના ઉપરના ઢોળાવો મિશ્ર પ્રેરીના અવશેષો અને ત્યારબાદ ફેસ્કૂ પ્રેરી દ્વારા રોકાયેલા હોય છે. રૉકી ગિરિમાળાના પૂર્વીય ગિરિપાદની મિશ્ર પ્રેરીની ઉત્તર સીમાની ફરતે પટ્ટા સ્વરૂપે અને કૅનેડાના ‘પ્રેરી પ્રોવિન્સીસ’ના પાર્કલૅડ્સમાં પણ ફેસ્કૂ પ્રેરી આવેલું છે. દક્ષિણ તરફ કૅલિફૉર્નિયાની ખીણોની ભૂમધ્ય સમુદ્રીય આબોહવામાં મૂલનિવાસી બહુવર્ષાયુ તૃણાવરણનું અતિચરાણને કારણે એકવર્ષાયુ અપતૃણીય ઘાસની જાતિઓ દ્વારા વિસ્થાપન થયું છે. પહેલાં ત્યાં ભાલા-ઘાસ પ્રભાવી હતાં. દક્ષિણ પશ્ચિમ અમેરિકા અને ઉત્તર મધ્ય મેક્સિકો સૌથી શુષ્ક પ્રેરી અને રણપ્રદેશનાં મેદાનોની તૃણભૂમિઓ ધરાવે છે. તે 300થી 1500 મી.ની ઊંચાઈએ આવેલાં ગરમ રણોને આવરે છે. શુષ્ક ઉપોષ્ણ પ્રદેશના પર્યાવરણની જેમ જ અહી ટૂંકું ગ્રેમા (Bouteloua) અને તાર-ઘાસ (Aristida) જોવા મળે છે. મેક્સિકોના અખાત પાસેના ટૅક્સાસના પ્રદેશમાં પણ ઉપોષ્ણ વનસ્પતિસમૂહની લાક્ષણિકતાઓ જોવા મળે છે.

દક્ષિણ અમેરિકા : દક્ષિણ અમેરિકામાં સૌથી જાણીતી સમશીતોષ્ણ તૃણભૂમિ પૂર્વ-મધ્ય આર્જેન્ટિનાનું પમ્પા છે; જ્યાં માટી કાળી હોય છે અને 100થી 125 સેમી. જેટલો વધુ વરસાદ થાય છે તેમજ વારંવાર શુષ્કતાકાલ (drought periods) જોવા મળતા નથી. આ જ પ્રકારની તૃણભૂમિ ઉત્તરમાં વધારે લોટણ સ્થળાકૃતિ (rolling topography) પરથી ઉરુગ્વેમાં થઈને દક્ષિણ બ્રાઝિલના અર્ધ શુષ્ક કૅમ્પોસ પ્રદેશ અને આર્જેન્ટિનાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં વિસ્તાર પામેલી છે. પશ્ચિમ તરફ પમ્પા વધારે શુષ્ક બને છે અને ભૂમિ લાલાશ પડતા ભૂખરા અને બદામી રંગથી શરૂ કરીને એન્ડીસ ગિરિમાળા પાસે ભૂખરી બને છે. સૌથી શુષ્ક વિસ્તારમાં ક્ષુપ અને નાનાં વૃક્ષ (Prosopis, Cassia) સવાના બનાવે છે. પમ્પા દક્ષિણ તરફ પેટાગોનિયાના અર્ધ શુષ્ક પ્રદેશો આગળ અટકે છે. આ વિસ્તારોનો થોડોક જ ભાગ તૃણભૂમિની લાક્ષણિકતાઓ દર્શાવે છે. સૌથી શુષ્ક પ્રદેશોમાં ક્ષુપીય ઠંડા રણનો વનસ્પતિસમૂહ જોવા મળે છે. પમ્પા અને તેની પાસેની ઓછા ભેજવાળી તૃણભૂમિઓ 200 વર્ષથી પાળેલા પશુધન દ્વારા થતા ચરાણની અસર હેઠળ છે. ખાસ કરીને છેલ્લી સદીમાં થયેલ અતિચરાણને લીધે વનસ્પતિસમૂહમાં એટલાં બધાં પરિવર્તનો આવ્યાં છે કે તેનાથી કુદરતી જાતિઓની ઓળખ મુશ્કેલ બની છે. ભાલા-ઘાસની જાતિઓનો તેમાં સમાવેશ થાય છે. હવે તો વનસ્પતિસમૂહ મુખ્યત્વે પ્રવેશ પામેલી જાતિઓનો બનેલો છે. એન્ડીસની ઠંડી પર્વત તૃણભૂમિઓ વિવિધ ઊંચાઈએ વિસ્તરેલી છે અને આ વિસ્તારોમાં ભાલા-ઘાસ, સળી-ઘાસ (Festuca), ભૂરું-ઘાસ (Poa) અને બરુ-ઘાસ(Calamogrostis)ની જાતિઓ પ્રભાવી હોય છે.

આકૃતિઓ 2 અને 3
આ. 2 : ઉત્તર અમેરિકાના ગ્રેટ પ્લેઇન્સના કૅનેડિયન વિસ્તારમાં આવેલી પ્રાકૃતિક સમશીતોષ્ણતૃણભૂમિ. આ 3 : ઉત્તર મેક્સિકોના આંતર-પર્વતીય પઠાર(plateau)માં આવેલી પ્રાકૃતિક તૃણભૂમિ.

યુરેશિયા : રશિયામાં યુરેશિયાની પ્રાકૃતિક તૃણભૂમિઓ પૂર્વ તરફ દક્ષિણ યુક્રેનમાં કાળા સમુદ્રની ઉત્તરેથી શરૂ થઈ ઉત્તર કાઝાકિસ્તાન અને દક્ષિણે સાઇબેરિયામાં આવેલી છે. આ સ્ટેપ્સની ઉત્તર સરહદે ફૉરેસ્ટટેપ જોવા મળે છે; જેમાં તૃણભૂમિ  સાથે ઉત્તર અમેરિકાની ‘ગ્રેટ પ્લેઇન્સ’ તૃણભૂમિની ઉત્તરની સીમાએ જોવા મળતી આબોહવાની જેમ ઉત્તરી વન-તત્વો મિશ્ર થાય છે. દક્ષિણે, આબોહવા ખાસ કરીને એશિયાના ભાગમાં વધારે હૂંફાળી અને શુષ્ક બને છે. ભૂમિ રંગે ક્રમશ: કાળાશ ઘેરી બદામી, બદામી અને ક્ષુપીય ઠંડા રણની સીમાએ ભૂખરી બને છે. સૌથી પ્રભાવી જાતિઓ ભાલા-ઘાસ, પીંછા-ઘાસ (Stipa) અને ફેસ્કૂ છે. ફેસ્કૂની જાતિ મોટા વિસ્તારોમાં પ્રભાવી છે અને ભાલા-ઘાસ અને પીંછા-ઘાસ કરતાં વધારે શુષ્કતાઅવરોધક છે. આ સ્થિતિ ઉત્તર અમેરિકાની તૃણભૂમિઓ કરતાં તદ્દન વિપરીત છે.

આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા : ઉત્તર આફ્રિકાનાં વેલ્ડ, ન્યૂઝીલૅન્ડની ટસ્સોક તૃણભૂમિઓ અને ઑસ્ટ્રેલિયાની તૃણભૂમિઓ ઓછી વિસ્તૃત હોય છે. તે પ્રત્યેકમાં ઓટ-તૃણ (Danthonia) પ્રભાવી હોય છે.

જોકે ઑસ્ટ્રેલિયામાં ડેન્થોનિયા પ્રભાવી તૃણભૂમિઓ દક્ષિણ-પૂર્વ પૂરતી જ મર્યાદિત છે. શુષ્ક પરિસ્થિતિની વધારે વિસ્તૃત તૃણ ભૂમિઓમાં મિચેલ તૃણ (Astrebla; Mitchell grasses) પ્રભાવી હોય છે.

ઉષ્ણકટિબંધીય, ઉપોષ્ણ-તૃણભૂમિઓ અને સવાના : તે મધ્ય આફ્રિકા, મધ્ય-દક્ષિણ અમેરિકા અને ઉત્તર ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

આફ્રિકા : આફ્રિકામાં તે ઉષ્ણકટિબંધીય વર્ષાના વનની ઉત્તરે અને દક્ષિણે આવેલાં છે. ઉષ્ણકટિબંધીય સવાનાનો 650 કિમી.નો પહોળો પટ્ટો વનની પાસે આવેલો છે. આ સવાનામાં ઍન્ડ્રોપોગોની અને પૅનિસી સંવર્ગ (tribe)નાં ઘણાં તૃણ પ્રભાવી હોય છે.

જેમાં હાથી-ઘાસ (Pennisetum) અને કોગોન-ઘાસ (Imperata) સંભવત: સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ પ્રભાવી તૃણની ઊંચાઈ 1.5થી 4.5 મીટરની હોય છે. જોકે અહીં સ્પષ્ટ શુષ્ક ઋતુ હોવા છતાં આ વનસ્પતિસમૂહની સ્થિરતાનો આધાર આબોહવા કરતાં અગ્નિ પર રહેલો છે. ઉત્તરે અને દક્ષિણે ઊંચાં તૃણવાળાં સવાના મેદાનોને બદલે ક્રમશ: ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય ઊંચાં અને ટૂંકાં ગુચ્છતૃણવાળાં સવાના મેદાનો  બને છે. ત્યાં વરસાદ ઘટતો જાય છે અને શુષ્ક ઋતુની લંબાઈ વધતી જાય છે. આ પ્રદેશમાં સંવર્ગ ઍન્ડ્રોપોગોનીનાં તૃણ પ્રભાવી હોય છે. સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતી જાતિઓ થીમેડા-ઘાસ(Themeda)ની છે. અહીંનાં તૃણ 1.0થી 1.5 મીટરની ઊંચાઈ ધરાવે છે. જ્યારે ટૂંકાં તૃણ સવાનાની પ્રભાવી જાતિઓ 30.0 સેમી. ઊંચી હોય છે. આ સવાનામાં વૃક્ષો વીખરાયેલાં કે ગુચ્છમાં હોય છે અને તેમની ઊંચાઈ 3થી 15 મીટરની હોય છે. વધારે શુષ્ક વિસ્તારોમાં તે વધારે ટૂંકાં અને કાંટાળાં હોય છે. જ્યાં 50.0 સેમી. કરતાં પણ સરેરાશ વરસાદ ઓછો પડે છે અને શુષ્કતાની માત્રા વધતી જાય છે ત્યાં સવાનાને બદલે અર્ધરણ અને રણ-તૃણભૂમિ જોવા મળે છે. આવી તૃણભૂમિમાં થતી મહત્વની જાતિઓ ભાલા-ઘાસ, તાર-ઘાસ અને નીચાં કાંટાળાં ક્ષુપ છે.

આકૃતિ 4 : પશ્ચિમ આફ્રિકાના આઇવરી કોસ્ટમાં આવેલ
ઉષ્ણકટિબંધીય તાડ – સવાના

દક્ષિણ અમેરિકા : દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલાનાં લાનોસ મેદાનો સૌથી વિશાળ ઉષ્ણકટિબંધીય તૃણભૂમિ છે. તે એન્ડીસ ગિરિમાળા અને ઓરીનોકો નદીની વચ્ચે આવેલી છે. આ પ્રદેશ તૃણભૂમિ અને સવાના મેદાન ધરાવતો જટિલ વનસ્પતિસમુદાયનો બનેલો હોય છે. તેના કેટલાક ભાગમાં ખૂબ ઊંચાં તૃણ તો અન્ય ભાગમાં ઊંચાં તૃણ પ્રભાવી હોય છે અને ઘણો મોટો વિસ્તાર કળણભૂમિ(water logged)નો બનેલો હોવાથી વૃક્ષરહિત હોય છે. ખાસ કરીને ઓરીનોકોનાં મેદાનો, કોલંબિયાના અખાતની સાથે જોવા મળતી નિમ્ન ભૂમિ ઍમેઝોન નદીના જલગ્રહણ ક્ષેત્રના ભાગો, બોલીવિયાના ભાગો, કોસ્ટારિકાનો પૅસેફિકકિનારો અને વેસ્ટ ઇંડિઝના ભાગો વન સાથે મિશ્ર થયેલાં ઓછાં વિસ્તૃત સવાના ધરાવે છે. ઉપર દર્શાવેલ વિસ્તારો પૈકી ઘણામાં પેરા-ઘાસ અને ગિની ઘાસ (બંનેની પ્રજાતિ Panicum) પ્રભાવી હોય છે. ઉત્તરપૂર્વ બ્રાઝિલનો અર્ધ શુષ્ક પ્રદેશ આફ્રિકાનાં રણોના વિષુવવૃત્તીય પ્રદેશો સાથે સામ્ય ધરાવે છે; જ્યાં પ્રભાવી જાતિઓમાં તાર-ઘાસ અને વીખરાયેલાં ક્ષુપ જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયા : ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયાની ‘સવાના વનભૂમિઓ’(savanna woodlands)ના ઘણા વિસ્તારોમાં મોટે ભાગે યુકેલિપ્ટસનાં વૃક્ષોનું આવરણ ઓછું  હોવાથી તૃણની જાતિઓ પ્રભાવી બને છે. અહીં વર્ષાઋતુ દરમિયાન ઊંચાં અને વધુ ઊંચાં તૃણ વિકાસ પામે છે, પરંતુ શુષ્ક ઋતુમાં શાકીય વનસ્પતિઓ માટે પોષણ-ગુણવત્તા ખૂબ નીચી હોય છે. આ પ્રકારની તૃણભૂમિઓ જાવા, સુમાત્રા અને ફિલિપાઇન્સમાં વિવિધ કારણોસર વનનો નાશ થયો હોય કે તેમાં ઘટાડો થયો હોય એવા વિસ્તારોમાં જોવા મળે છે. ભૂમધ્યસમુદ્રની આસપાસની ભૂમિઓ, એશિયા માઇનોર અને દક્ષિણ-પશ્ચિમ એશિયા (ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તાઝીકીસ્તાન અને ભારત)માં માનવપ્રવૃત્તિઓની એટલી બધી અસર થઈ છે કે તેને કારણે તેમના મૂળ લક્ષણને નક્કી કરવું મુશ્કેલ છે. શક્ય છે કે અત્યારના રણ જેવા પ્રદેશો ભૂતકાળમાં તૃણભૂમિ હોય.

તૃણભૂમિના નિવસનતંત્રનાં કાર્ય અને ઉત્પાદકતા (productivity) : કોઈ પણ તૃણભૂમિના નિવસનતંત્રનું કાર્બનિક ઘટક આહારજાળમાં સંગઠિત થયેલા ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો વડે બને છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદકો (લીલી વનસ્પતિઓ) હરિતકણયુક્ત પેશીઓ દ્વારા સૌર શક્તિને ગ્રહણ કરે છે. આ શક્તિનું કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે (જે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે) નિવસનતંત્રના વિવિધ ઘટકોમાં વહન થાય છે. આ ઘટકોમાં રહેલા સજીવોનાં જૂથો તેમના જીવનનિર્વાહ માટે આ શક્તિનો ઉપયોગ કરે છે. અંતે, પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયેલ કાર્બનિક દ્રવ્યનું સરળ અકાર્બનિક અણુઓમાં રૂપાંતર થાય છે; તેમનો વનસ્પતિઓ ફરીથી પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગ કરે છે.

નિવસનતંત્રમાં જૈવિક ઉત્પાદકતા ઉત્પાદકો દ્વારા થતા સૌરશક્તિના સ્થાપનના સ્વરૂપે અભિવ્યક્ત થાય છે;  જેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. જે દરે વનસ્પતિદ્રવ્યોના પ્રાણીપેશીઓમાં થતા રૂપાંતર દ્વારા ઉપભોક્તા જૈવભાર વધે છે તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. પ્રાકૃતિક સમશીતોષ્ણ તૃણભૂમિઓની પ્રાથમિક ઉત્પાદકતાનો દર 200થી 1000 ગ્રામ/ચોમી/વર્ષ છે. બધા જ પ્રદેશોમાં દ્વિતીયક ઉત્પાદકતા ખૂબ ઓછી હોય છે; દા. ત., ઉત્તર અમેરિકાના મધ્ય ગ્રેટ પ્લેઇન્સમાં યર્લીંગ પશુધન તેમના ચરાણના વિસ્તારમાંથી વનસ્પતિ સમૂહના થોડાક જ ભાગનો ઉપયોગ કરે છે; જે પૈકી 9.0 % જ માંસપેશીના નિર્માણમાં વપરાય છે; 48 % વાતાવરણમાં ઉષ્માસ્વરૂપે વ્યય પામે છે અને 43 % મળ-મૂત્ર સ્વરૂપે બીજી આહારશૃંખલાઓમાં પ્રવેશે છે.

પ્રાકૃતિક તૃણભૂમિઓમાં થતી વનસ્પતિજાતિઓના પ્રરોહો વધારે પ્રમાણમાં નિષ્કાસન(removal)-સંવેદી હોય છે. ઉપયોગમાં નહીં લેવાયેલા પ્રરોહોનો નાશ થાય છે અને કેટલાક સમુદાયોમાં 2થી 3 વર્ષ સુધી તે ઊભા જ રહે છે. તેથી ભૂમિનું ક્ષરણ સામે રક્ષણ થાય છે અને તેના જલગ્રહણના દરમાં પણ વધારો થાય છે. કેટલીક તૃણભૂમિઓમાં આવાં જૂનાં ઠૂંઠાંનું પ્રમાણ ચાલુ ઋતુની ફસલના લીલા પ્રરોહો કરતાં વધારે હોય છે. જૂનાં  ઠૂંઠાં ક્રમશ: કોહવાટ પામે છે અથવા ભૂમિ પર પડી બિછાત(litter)નાં એક સ્તર બનાવે છે. આ બિછાતની ઊંડાઈ વૃદ્ધિ અને વપરાશના પ્રમાણ પર અને (સૂક્ષ્મજીવો અને ભૌમિક પ્રાણીઓ દ્વારા) પાંસુક(humus)માં થતા રૂપાંતરના દર પર આધાર રાખે છે.

પ્રાકૃતિક સમશીતોષ્ણ તૃણભૂમિઓના શુષ્ક દ્રવ્ય (ભૂમિગત ભાગો સહિત)નો જૈવભાર સામાન્યત: 1000થી 3000 ગ્રા./ચોમી. હોય છે. આ જૈવભારનો 85 % ભાગ તો ભૂમિમાં થાય છે. હવાઈ અંગોનો (બિછાત કે ઠૂંઠાના સ્વરૂપે) થોડોક જ ભાગ; જ્યારે  ભૂમિગત અંગોનો 75 % ભાગ મૃત દ્રવ્યમાં ફેરવાય છે. વર્ષ દરમિયાન લગભગ અર્ધી શક્તિનું સ્થાપન ભૂમિગત પેશીઓમાં થાય છે. વનસ્પતિના ઉપયોગમાં નહિ લેવાયેલા હવાઈ અને ભૂમિગત ભાગોના વિઘટનનો દર અનુક્રમે બે અને ચાર વર્ષ જેટલો હોય છે. વનસ્પતિબિછાતના જથ્થાના સમતોલનનો દર (એવી સ્થિતિ જે દરમિયાન વિઘટનનો દર નવી ઉમેરાતી બિછાતના દર જેટલો હોય) શુષ્ક સમશીતોષ્ણ તૃણભૂમિઓમાં 100 ગ્રા./ ચોમી.થી ઓછો અને કાળી ભૂમિના વિસ્તારોમાં લગભગ 1000 ગ્રા./ ચોમી. હોય છે. આના કરતાં જ્યાં નીચું મૂલ્ય જોવા મળે છે ત્યાં ઉપભોક્તાઓની આહારજાળમાં પ્રરોહ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં પ્રવેશે છે અથવા આ સ્થિતિ વારંવાર અગ્નિ ઉત્પન્ન થતો હોય ત્યાં હોય છે.

અલ્પાર્દ્ર (subhumid) ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ તૃણભૂમિઓમાં આવેલી શાકીય વનસ્પતિઓનો જૈવભાર કેટલીક વખત 5000 ગ્રા./ચોમી.થી વધારે હોય છે; પરંતુ કાર્બનિક દ્રવ્યના વિઘટનનો દર આવા વિસ્તારોમાં ખૂબ ઊંચો હોય છે, તેથી બિછાતનો જથ્થો અને ભૂમિનું કાર્બનિક દ્રવ્ય ઓછા પ્રમાણમાં રહે છે.

અપરદ (detritus) અને પ્રાણીનાં ઉત્સર્ગ-દ્રવ્યો પર નભતા અપચાયક (reducer) અને વિઘટક સજીવોની સક્રિયતા દ્રારા તૃણભૂમિના નિવસનતંત્રની 2/3 શક્તિ મુક્ત થાય છે.  આ સમગ્ર પ્રક્રિયા ભૂમિમાં કે બિછાતમાં કે ભૂમિની સપાટીએ થાય  છે. આ ઉપરાંત આ પ્રક્રિયા કેટલાક અપૃષ્ઠવંશીઓ અને અન્ય વિઘટન કરતા અપચાયકો દ્વારા અલ્પ પ્રમાણમાં થાય છે. કેટલીક પરિસ્થિતિમાં આવા સજીવો પુષ્કળ સંખ્યામાં હોય છે. આઇવરી કોસ્ટના ઉષ્ણકટિબંધીય સવાનામાં જીવતી ઊધઈનું વજન લગભગ 40 ગ્રા./ ચોમી. હોય છે, જ્યાં ભૂમિ પરના શાકાહારી ફક્ત 1.0 ગ્રા./ચોમી. હોય છે. જોકે ભૂમિનો સૂક્ષ્મ વનસ્પતિસમૂહ સજીવોનો એક માત્ર મહત્ત્વનો સમૂહ છે જે શક્તિના કુલ વિક્રય (turnover) પર અસર કરે છે. ભૂમિના સૂક્ષ્મ વનસ્પતિસમૂહનો અંદાજિત જૈવભાર 400થી 600 ગ્રા./ચોમી. હોય છે.

હજુ સુધી કોઈ પણ નિવસનતંત્રમાં ભૌમિક સૂક્ષ્મ વનસ્પતિસમૂહનાં વિવિધ જૂથોનો કુલ વિઘટક ક્રિયાશીલતા- (decomposer activity)માં શો ફાળો છે તે નક્કી થઈ શક્યું નથી. ઊભા મૃત વનસ્પતિ-સમૂહના વિઘટનનો દર સામાન્યત: બિછાતમાં અને ભૂમિ સાથેના સંપર્કમાં રહેલ વનસ્પતિ કરતાં વધારે ધીમો હોય છે. સૂક્ષ્મજીવો કરતાં મોટાં છતાં વધારે નાનાં ગુરુ પ્રાણી જાત (macro fauna) દા. ત. બિછાતજીવી કીટકો અને સૂત્રકૃમિઓ બિછાતનો ભૂમિ સાથે વધારે ગાઢ સંપર્ક થઈ શકે તે માટે સક્રિય હોય છે.

તૃણભૂમિઓનું ઉપયોજન (utilization) : ઘણી આદિ-માનવ સંસ્કૃતિઓનો વિકાસ તૃણભૂમિઓના પ્રદેશોમાં થયો છે; તેથી મનુષ્ય તૃણભૂમિની પરિસ્થિતિવિદ્યાનો માહિતગાર હોવો જોઈએ. જોકે બિનખેડાણ તૃણભૂમિ વધારે મૂલ્યવાન સંપદા (resource) હોવા છતાં હવે મનુષ્યને તૃણભૂમિઓનું એકવર્ષાયુ ફસલોની વૃદ્ધિમાં રૂપાંતર કરવામાં વધારે રસ છે. પ્રાકૃતિક તૃણભૂમિની વનસ્પતિ વૃદ્ધિના અમુક પસંદગીના ખોરાકના  સ્વરૂપમાં રૂપાંતરમાં માણસે પાળેલાં ચારક પ્રાણીઓ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ભૂતકાળમાં આ પ્રાણીઓ ઘૂસણખોર (intruder) તરીકે પ્રાકૃતિક તૃણભૂમિમાં પ્રવેશ્યાં હશે. એનો અર્થ એવો નથી કે પાળેલાં પ્રાણીઓના પ્રવેશથી તૃણભૂમિના પર્યાવરણનો નાશ થશે. ઉત્તર અમેરિકામાં ગોચર પ્રબંધ(range management)નું વિકસિત તત્વજ્ઞાન પ્રાકૃતિક તૃણભૂમિ પર સંપદાની જાળવણી સાથે સુસંગત એટલી સાતત્યની ઉચ્ચતમ કક્ષાએ પ્રાણી-ઉત્પાદનના તર્ક પર આધારિત છે. ગોચર પરિસ્થિતિ વિજ્ઞાનીઓ કૃષિવિજ્ઞાનીઓ કરતાં ભૂમિસંપદાના સંરક્ષણની આવશ્યકતા વિશે વધારે જાગ્રત છે; દા.ત., કૃષ્ય ભૂમિઓના પ્રબંધ માટેનો લગભગ અપવાદરહિત માર્ગદર્શક સિદ્ધાંત સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવાની જરૂરિયાત પર રચાયેલો છે, જે સંરક્ષણ (conservation) સાથે ભાગ્યે જ સુસંગત ગણાય. ગોચર ભૂમિઓના સમજદારીપૂર્વકના પ્રબંધ દ્વારા પાળેલાં પશુધનનો ઉછેર તેમની ઘનતા (density) અને વિતરણ(distribution)ની બાબતમાં મૂલનિવાસી પ્રાણીઓ કરતાં ઘણા વધારે પ્રમાણમાં નિયંત્રિત કરી શકાય છે.

અતિ પ્રબંધિત કૃષ્ય ભૂમિની નીપજના ઉત્પાદનના વધારામાં અને વનભૂમિની આબોહવા ધરાવતી અર્ધસ્થાયી તૃણભૂમિની સુધારણામાં પ્રાપ્ત થયેલી સફળતાએ દર્શાવ્યું છે કે પસંદગી પામેલી, ઊંચું ઉત્પાદન આપતી અને ફળદ્રૂપન (fertilization) અને પ્રબંધ માટે ઇષ્ટતમ પ્રતિચાર દર્શાવતી ચારાની ફસલ (forage crops) દાખલ કરીને  અકૃષ્ય (non arable) તૃણભૂમિઓનું વનસ્પતિ-આવરણ શક્ય તેટલું બદલવું જોઈએ. જોકે આ જાતિઓની ઉચ્ચતર ક્ષમતાના ઉપયોજન માટે પર્યાવરણનું ઉચ્ચકક્ષાનું નિયંત્રણ પણ આવશ્યક બને છે. અકૃષ્ય ભૂમિ પર પ્રવેશ પામેલી જાતિઓ મૂલનિવાસી તૃણના આવરણ કરતાં વધારે ઉત્કૃષ્ટ રહે છે.

તૃણાપતૃણનાશકો (herbicides) અને ખાતરોની અસરો : તૃણાપતૃણનાશકો અને ખાતરોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક તૃણભૂમિના ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો થયા છે. જ્યાં ગેરવહીવટને લીધે અપતૃણીય સ્થિતિ ઉત્પન્ન થઈ હોય અને આ સ્થિતિનું નિયંત્રણ કરવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓમાં ગોચર ભૂમિનું અપતૃણ નિયંત્રણ આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી છે. ખાતરોની અસર જુદી જુદી હોય છે. જ્યાં ભેજયુક્ત સ્થિતિ સૌથી વિશેષ અનુકૂળ હોય ત્યાં વધારે સારું પરિણામ પ્રાપ્ત થાય છે. કેટલીક મૂલનિવાસી જાતિઓ પોષક પુરવઠાના વધારા સાથે પ્રતિચાર દર્શાવતી નથી. ફળદ્રૂપન બાદ તે વધારે ઉત્પાદક હોવા છતાં પોષક તત્વોના સતત પુરવઠા પર આધાર રાખતી જાતિઓ તેનું સ્થાન લે છે.

50થી 100 વર્ષ બાદ ખૂબ ફળદ્રૂપ સમશીતોષ્ણ તૃણભૂમિઓ સમતોલનની નવી કક્ષા પ્રાપ્ત કરશે; જે ભૌમિક કાર્બનિક દ્રવ્યની અલ્પતા સાથે સંકળાશે. મૂળભૂત કાર્બનિક દ્રવ્યનું, એકવર્ષાયુ કૃષિ વનસ્પતિઆવરણ વડે ઉદભવેલા કાર્બનિક દ્રવ્ય દ્વારા સંપૂર્ણ વિસ્થાપન ન થાય ત્યાં સુધી કાર્બનિક દ્રવ્ય પર પૂર્ણ પ્રભાવ પડશે નહિ. ભાવિ માનવ-પેઢીઓએ રાસાયણિક ખાતરના ઉમેરાથી ભૂમિના બંધારણમાં રહેલા કાર્બનિક દ્રવ્યનો ઘટાડો ન થાય તેવી સુધારણા કરવી પડશે.

વિશ્વને સતત અન્નપુરવઠો મળી રહે તે માટે કૃષ્ય અને અકૃષ્ય નિવસનતંત્રોની જાળવણી અત્યંત મહત્વની બને છે. સમશીતોષ્ણ તૃણભૂમિના વિભાગો વિશ્વની ફસલ ભૂમિનો અત્યંત મહત્વનો ભાગ ધરાવે છે; કેમ કે 90 % જેટલું વ્યાપારિક ધાન્ય અહીંથી ઉત્પન્ન થાય છે. હવે ઉષ્ણકટિબંધીય ઉપોષ્ણ અને સવાના તૃણભૂમિઓના લાંબા ગાળા માટેના પ્રબંધની ટૅક્નોલૉજીનો વિકાસ થયો છે ત્યારે આ તૃણ ભૂમિઓ કૃષિવિદ્યાકીય વિસ્તરણનું સાધન બની શકે.

બળદેવભાઈ પટેલ