તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની મૂલનિવાસી છે. તે એક વર્ષાયુ કે બહુવર્ષાયુ; 0.75–4.3 મી. ઊંચી, ઉપક્ષુપીય (suffruticose) શાકીય કે ક્ષુપ જાતિ છે અને લગભગ સમગ્ર ભારતમાં તેનું વાવેતર થાય છે. હિમાલયમાં 1800 મી.ની ઊંચાઈ સુધી તે થાય છે.
સ્વરૂપ : જમીનથી 15થી 25 સેમી. ઊંચાઈથી ડાળીઓ આવવાની શરૂઆત થાય છે. મૂળતંત્ર સોટીમય પ્રકારનું હોય છે. તેના પર મોટી સંખ્યામાં પાર્શ્વમૂળો અને ઉપમૂળો હોય છે. તે મૂળગંડિકાઓ (root-tubercles) ધરાવે છે. તેમાં રહેલાં રાઇઝોબિયમ પ્રકારનાં બૅક્ટેરિયા જમીનમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થિરીકરણ (fixation) કરે છે. તે ત્રિપર્ણી સંયુક્ત પર્ણ ધરાવે છે. પર્ણિકાઓ લંબચોરસ-ભાલાકાર, અખંડિત અને ટોચેથી તીક્ષ્ણ હોય છે. તેમની નીચેની સપાટી સુંવાળી હોય છે. પુષ્પો પીળાં અથવા પીળી શિરાયુક્ત લાલ કે જાંબલી, પતંગિયાકાર સ્પષ્ટ પુષ્પવિન્યાસદંડ (peduncle) પર અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) બનાવતાં કલગી(raceme)સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ સ્વપરાગિત કે ક્વચિત્ પરપરાગિત હોય છે. વાવણી પછી લગભગ ત્રણ માસમાં પુષ્પનિર્માણની શરૂઆત થાય છે અને પાકની કાપણી સુધી પુષ્પનિર્માણ ચાલુ રહે છે. ફળો શિંબ (legume) પ્રકારનાં, 5-10 સેમી. લાંબાં અને 0.6-1.25 સેમી પહોળાં તથા લીલા ઘેરા-ભૂખરા રંગનાં હોય છે. તેઓ 3થી 7 બીજ ધરાવે છે. બીજ ભૂખરાં બદામી, લાલ કે આછાં પીળાં હોય છે. અને ઘણી વાર નાનું બીજચોલ (caruncle) ધરાવે છે.
વિતરણ : તેનું વાવેતર આફ્રિકા, અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા હવાઈ, પૂર્વ અને પશ્ચિમ વેસ્ટ ઇંડિઝ, મ્યાનમાર, યુગાન્ડા, કેન્યા, ડોમિનિકન રિપબ્લિક, પનામા અને પ્યુએર્ટોરિકોમાં થાય છે. દુનિયામાં થતા કુલ વાવેતરના 90 % હેક્ટરમાં વાવેતર અને કુલ ઉત્પાદનના 90 % ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતમાં મુખ્યત્વે તે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વવાય છે. આ ત્રણે રાજ્યો પૈકી પ્રત્યેક ભારતમાં થતા કુલ વાવેતરનો 20 % વિસ્તાર રોકે છે. તુવેર વાવતાં અન્ય રાજ્યોમાં બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિળનાડુનો સમાવેશ થાય છે.
સારણી – 1 તુવેરની કેટલીક સુધારેલી જાતોનાં લક્ષણો
જાત | સમય
ગાળો(દિવસ) |
ઊંચાઈ
(સેમી.) |
ઉત્પાદનક્ષમતા
ક્વિ/હેક્ટર |
વિસ્તાર | નોંધ |
વહેલી જાતો | |||||
BDN – 1 | 150-160 | – | 7.4 કિગ્રા/હે./દિવસ | બદનાપુર (મહારાષ્ટ્ર) | ફ્યુઝેરિયમના સુકારા માટે રોધી અને ફળવેધક (pool borer) માટે સહિષ્ણુ |
Co.1 | 140-150 | 170-180 | 12-15 | તમિળનાડુ | – |
Co.3 | 130 | – | 12-13 | તમિળનાડુ | મૂળના સડા માટે રોધી, સુકારા અને
ફળવેધક માટે સહિષ્ણુ |
ખાંરગાંવ-2 | 150-170 | 220-225 | 15-20 | મધ્યપ્રદેશ | |
પંત A-3 | 130-140 | 75-100 | 12-15 | પંજાબ, હરિયાણા,
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ |
કાલવ્રણ (anthracnose) માટે રોધી |
પુસાઅગેટી (S5) | 150-160 | 125-150 | 20-25 | દેશના ઉત્તર અને
મધ્યના પ્રદેશો |
– |
શારદા (S8) | 150-177 | 170-180 | 20-25 | ઉત્તરપ્રદેશ, હરિયાણા,
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિળનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ |
|
મધ્યમ જાતો | |||||
C11 | 180-200 | 250-270 | 15-20 | તમિળનાડુ, મહારાષ્ટ્ર
અને આંધ્રપ્રદેશ |
સુકારારોધી જાત ખરીફ પાક તરીકે
ઉગાડાય છે. |
લક્ષ્મી(કંકે-3) | 180-220 | ઝાડવા જેવી
અને ફેલાતી જાત |
23 | બિહાર | મધ્યમ સુકારારોધી અને હિમરોધી |
મુક્તા (R60) | 170-180 | 200-220 | 20-25 | બિહાર, પશ્ચિમ બંગાળ
ઉત્તરપ્રદેશ, મધ્ય- પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિળનાડુ |
સુકારારોધી |
T-15-15 | 180-200 | 150-175 | 12-15 | ગુજરાત | શાકભાજીના હેતુ માટે પણ યોગ્ય |
મોડી જાતો | |||||
B 517 | 250-280 | 260-300 | 15-20 | પશ્ચિમ બંગાળ | મિશ્ર પાક માટે સારી |
બહાર (નં.1258) | 280-300 | 300-325 | 20-25 | બિહાર | મિશ્ર આંતરપાક માટે સારી |
ગ્વાલિયર-3 | 240-250 | 200-250 | 15-20 | મધ્યપ્રદેશ | મિશ્ર પાક માટે સારી |
NPWR-15 | 270-280 | 280-300 | 20-25 | સમગ્ર દેશનાં મેદાનો | સુકારારોધી સફેદ બીજવાળી |
ઉદભવ : જોકે તુવેર કે અરહર ભારતની મૂલનિવાસી હોવાનું માનવામાં આવે છે. તેની પ્રજાતિ (genus) મૂળભૂત રીતે ભારત કે આફ્રિકાની મૂલનિવાસી છે તે વિશે અસ્પષ્ટતા પ્રવર્તે છે. ભારતીય ઉપખંડમાં આ પ્રજાતિનાં કોઈ પણ વન્ય (wild) કે પ્રાકૃતિક (naturalized) સ્વરૂપની ગેરહાજરી તેના ભારતીય ઉદભવને અશક્ય બનાવે છે. જ્યારે આફ્રિકાના પૂર્વ કિનારા(ઝાંઝીબાર-તાન્ઝાનીઆ)થી માંડી ગિનીના કિનારા સુધી તુવેર વન્ય સ્વરૂપે ઊગતી જોવા મળે છે. વળી ઈ. સ. પૂર્વે 2200 વર્ષની આસપાસ પ્રાચીન ઇજિપ્તની કબરો પર તેની હાજરી આ પ્રજાતિનો આફ્રિકીય ઉદભવ હોવાનું સૂચવે છે.
તુવેરની જાતો : ભારતમાં થતી તુવેર ઊંચાઈ, સ્વરૂપ, પરિપક્વતાએ દાણાનો રંગ, દાણા અને શિંગના કદ અને આકાર પ્રમાણે બે જાત(variety)માં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) અરહર (C.cajan var bicolor DC.), જેમાં બહુવર્ષાયુ, મોટી, મોડી પાકતી, જાંબલી રેખાઓવાળાં પીળાં પુષ્પો તથા 4-5 દાણાવાળી ઘેરા રંગની શિંગો ધરાવતી જાતોનો સમાવેશ થાય છે. (2) તુર (C. cajan var flavus DC.), જેમાં નાની. વહેલી પાકતી, પીળાં પુષ્પો અને 2-3 દાણાવાળી આછા રંગની શિંગો ધરાવતી જાતોનો સમાવેશ થાય છે. બંને પ્રકારની જાતોમાં રંગસૂત્રોની સંખ્યા 22 હોય છે.
આબોહવા : સૂકી તથા ભેજવાળી આબોહવામાં આ પાક સારી રીતે થઈ શકે છે. વૃદ્ધિ દરમિયાન ધુમ્મસ કે વધારે ઠંડીવાળું વાતાવરણ માઠી અસર કરે છે. સૂકા વાતાવરણમાં તે વહેલી પાકે છે. જ્યારે ઠંડા અને વધુ ભેજવાળા વાતાવરણમાં વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે તથા પુષ્પનિર્માણ લંબાય છે. તે શુષ્કતારોધી (draught resistant) છે અને જલાક્રાન્ત (water–logged) જમીન માટે અસહિષ્ણુ (intolerant) છે. ઊંડાં મૂળ ધરાવતો પાક હોવાથી સૂકી ખેતી માટે વધારે અનુકૂળ છે. તે પ્રકાશસમય (photoperiod) માટે સંવેદી છે અને લઘુદિવસી (shortday) વનસ્પતિ છે. હવાઈમાં 1070-1525 મી.ની ઊંચાઈ બીજનિર્માણ પર પ્રતિકૂળ અસર કરે છે. જોકે ભારતમાં ઉત્પાદનશીલ છોડ 1830 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે.
જમીન : તુવેરને લગભગ બધા પ્રકારની જમીન અનુકૂળ આવે છે, પરંતુ સારા નિતારવાળી, વધુ ભેજ સંગ્રહક્ષમતા ધરાવતી અને કૅલ્શિયમ તત્ત્વની અછત ન હોય તેવી જમીન વધારે માફક આવે છે. ભારતમાં તે ગોરાડુ તથા મધ્યમ કે ભારે કાળી જમીનમાં ઉગાડાય છે. જમીનનો pH 5થી 8 ખાસ અનુકૂળ છે.
આંતરપાક (intercrop) અને મિશ્રણ : તુવેર બહુવર્ષાયુ હોવા છતાં તેની એક વર્ષાયુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. બહુ ઓછા પ્રમાણમાં તે એકલા પાક તરીકે લેવાય છે. જ્યાં વરસાદ વહેલો પડે છે. ત્યાં વિસ્તારને અનુલક્ષીને તે ઘઉં, જુવાર, બાજરી, કપાસ વગેરે પાકો સાથે આંતરપાક તરીકે ઉગાડવામાં આવે છે. મિશ્રપાક તરીકે તુવેર મગફળી (TMV2), મકાઈ, ઘઉં, અડદ, મગ, સોયાબીન, જુવાર, ડાંગર, તલ, વગેરે સાથે ઉગાડાય છે. આ પાક ચોમાસા અને શિયાળાની ઋતુમાં લઈ શકાય છે.
વાવણી : ચોમાસુ પાકની વાવણી જૂન કે જુલાઈ માસમાં કરવામાં આવે છે. તેની વાવણી લગભગ ફેબ્રુઆરી કે માર્ચમાં થાય છે. શિયાળુ પાકની વાવણી ઑક્ટોબરમાં અને કાપણી માર્ચ કે એપ્રિલ માસમાં થાય છે. બે હરોળ વચ્ચે 75-90 કે 120 સેમી. અને બે છોડ વચ્ચે 30થી 60 સેમી.નાં અંતરે વાવણી કરવામાં આવે છે. એકલા પાકની વાવણી માટે 15 થી 25 કિગ્રા. બીજની જરૂર રહે છે. મિશ્ર કે આંતરપાક માટે 2.5થી 7.5 કિગ્રા બીજની જરૂર રહે છે.
પિયત : તુવેરને બહુ ઓછા પિયતની જરૂરિયાત હોય છે. કારણ કે તેનું ઊંડું સોટીમય મૂળતંત્ર શુષ્ક સમયમાં જમીનમાં બાકી રહેલા ભેજનું શોષણ કરી પાકને ટકાવે છે, પરંતુ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હિમથી થતા નુકસાન સામે રક્ષણ માટે કેટલીક વાર પિયત આપવામાં આવે છે. રવિપાક માટે આંધ્રપ્રદેશમાં વાવણી પછી 75 અને 105 દિવસે બે વાર પિયત આપી મહત્તમ ઉત્પાદન મેળવવામાં આવે છે.
ખાતર : તુવેર શિંબી કુળની વનસ્પતિ હોવાથી તેના મૂળ પર ગંડિકાઓ આવેલી હોય છે. આ ગંડિકાઓમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતાં રાઇઝોબિયમ નામના બૅક્ટેરિયા આવેલા હોવાથી જમીનની ફળદ્રુપતા સુધરે છે. જમીનની પ્રકૃતિને આધારે 12-38 ગાડાં છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે. ફૉસ્ફરસયુક્ત ખાતરો તુવેરની વૃદ્ધિ માટે જરૂરી હોય છે. સુપરફૉસ્ફેટ શુષ્ક જમીનમાં સારાં પરિણામો આપે છે. ચાસમાં બીજ રોપતી વખતે ફૉસ્ફેટ આપવામાં આવે છે.
નીંદામણ (weeding) : તુવેરના પાકની વૃદ્ધિ ધીમી હોવાથી નીંદામણનો ઉપદ્રવ વધારે રહે છે. તુવેરના એકલા પાકમાં ભાગ્યે જ નીંદામણ કરવામાં આવે છે; પરંતુ અન્ય પાક સાથે મિશ્ર ઉગાડવામાં આવે ત્યારે પાકના ઉત્પાદનની સુધારણા માટે ભોંયઆમલી (Phyllanthus), ચિયો (Cyperus), જીંજવો (Dichanthium), ઢીમડો (Amaranthus) વગેરેનું નીંદામણ કરવામાં આવે છે.
તુવેરના રોગો : તુવેરને ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ દ્વારા થતા રોગો. મોટા પાયા પર એક જ પાકનું સતત વાવેતર થતાં રોગ – જીવાતના પ્રશ્નો વધે છે. તે મુજબ તુવેરમાં ગુજરાતમાં સુકારો (wilt); થડનો સુકારો (stem blight)/(Phytothora blight); ભૂકી છારો (powdery mildew); મૂળનો કોહવારો (root rot); વંધ્યત્વનો રોગ; પીળો પંચરંગિયો (yellow mosaic) અને જીવાણુથી થતા પાનનાં ટપકાંના રોગો મુખ્ય છે. તે પૈકી સુકારો અને વંધ્યત્વના રોગથી દર વર્ષે વિશેષ નુકસાન થાય છે.
1. સુકારો : આ રોગ Fusarium udum નામની જમીનજન્ય ફૂગથી થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તુવેર ઉગાડતા ભરૂચ અને વડોદરા જિલ્લામાં તે વ્યાપક નુકસાન કરે છે. કપાસમાં નિષ્ફળતા મળ્યા બાદ તુવેરમાં પણ આ રોગથી વિશેષ નુકસાન થતું હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે. આ રોગને કારણે રોગસંવેદી જાતોમાં દર વર્ષે 10 % થી 50 % નુકસાન થાય છે.
રોગની શરૂઆત થતાં ઊભા પાકમાં છૂટાછવાયા છોડ મૂરઝાવા લાગે છે, ધીરે ધીરે આ છોડમાં પાન પીળાં પડીને સુકાઈ જાય છે. અને લાંબા સમય સુધી ખરતાં નથી. આખોય છોડ સુકાઈ જાય છે. આ રોગ ખેતરમાં કૂંડાળાના આકારે આગળ વધે છે.
આ રોગથી છોડના મુખ્ય મૂળ અને જમીન નજીકના થડના ભાગ પર કાળાં લાંબાં ધાબાં જોવા મળે છે. મૂળ ઉપરની છાલ ઉખાડીને જોતાં મૂળ કાળાં થઈ ગયેલાં હોય છે. તંતુમૂળ પણ સડી, કાળાં પડી, સુકાઈ ગયેલાં હોય છે. રોગિષ્ઠ છોડના થડને ચીરતાં તેની અન્નવાહિની અને જલવાહિનીઓ કાળી પડી ગયેલી જોવા મળે છે. ફૂગ મૂળ મારફતે છોડની અન્નવાહિની અને જલવાહિનીમાં પ્રવેશ કરી પોતાનો વિકાસ સાધે છે, જેથી ખોરાક અને પાણીનું વહન અટકે છે. પરિણામે છોડમાં પાણી અને ખોરાકની અછતને લીધે તે મૂરઝાઈને સુકાવા માંડે છે. છોડ ફૂલો આવ્યા બાદ વધુ રોગસંવેદી બને છે.
છોડ સુકાઈ જતાં શિંગો ભરાતી નથી અને વ્યાપક નુકસાન કરે છે. ક્યારેક આખો છોડ સુકાતો નથી અને અમુક ડાળો જ સુકાઈ જાય છે, તેને અંશત: સુકારો કહે છે. શિંગ બેસતાં પહેલાં સુકારો લાગવાથી 100 % નુકસાન થાય છે.
નિયંત્રણ : (1) રોગપ્રતિકારક જાતો જેવી કે બી.ડી. એન. 2ની વાવણી કરવી પડે છે. (2) તુવેર સાથે જુવાર કે મકાઈનો પાક લેવાય છે. (3) પાકના રોગિષ્ઠ અવશેષોનો નાશ કરવા માટે ઊંડી ખેડ કરી ઉનાળામાં તપાવે છે અને પાકના અવશેષો ભેગા કરી બાળી નાશ કરે છે. (4) રોગવાળા ખેતરમાં ચાર વર્ષ સુધી તુવેરનો પાક લેવાને બદલે જુવાર, મકાઈ કે તમાકુ જેવા પાકો લેવામાં આવે છે. (5) રોગની શરૂઆતમાં જ રોગિષ્ઠ છોડ ઉપાડી નાશ કરવામાં આવે છે અને તે જગ્યાએ અને તેની ફરતેના છોડના થડમાં બોર્ડોમિશ્રણ દવા રેડે છે. (6) બીજજન્ય ફૂગનો નાશ કરવા કૅપ્ટાન કે થાયરમ કે કાર્બનડાઇઝીમ (3 ગ્રામ/કિલો) દવાનો પટ આપી વાવણી કરાય છે.
2. થડનો સુકારો : આ રોગ Phytophthora drechsleri var. cajani નામની જાતિની ફૂગથી થાય છે. આ રોગ ખાસ કરીને પિયત વિસ્તારની રેતાળ જમીન અને પાણી ભરાઈ રહે તેવા નીચાણવાળા ભાગમાં અથવા પાણીનો નિકાલ વ્યવસ્થિત ન થતો હોય તેવા ખેતરમાં વધારે થાય છે.
રોગની શરૂઆતમાં જમીન નજીક કે સહેજ ઊંચેથી થડની છાલ પર પાણીપોચું ધાબું પડે છે. થડ સડીને કાળું પડી જાય છે, જેથી જમીન પાસેનો થડનો ભાગ કાળો થતાં રોગ આગળ વધે છે અને ડાળીઓ પર અને પાનની દાંડી ઉપર પણ કાળા ડાઘા કરે છે. ક્યારેક જમીન પાસેના થડ ઉપર ગાંઠો જેવો ઊપસેલો ભાગ જોવા મળે છે અને થડ ગાંઠ પાસેથી ભાંગી પડે છે, જેથી શિંગો બેસતી નથી અથવા પાછળની અવસ્થામાં આક્રમણ હોય તો તે ભરાતી નથી અને ડાળી અપરિપક્વ સ્થિતિમાં સુકાઈ જાય છે.
નિયંત્રણ : રોગવાળા વિસ્તારમાં રોગપ્રતિકારક જાતો એન.પી. 69 જેવીનું વાવેતર કરાય છે. (2) પાણી ભરાઈ રહેતું હોય એવા નીચાણવાળા વિસ્તાર કે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરાય છે અથવા તુવેરનું વાવેતર કરાતું નથી. (3) જમીનમાં રોગને ફેલાતો અટકાવવા માટે થડની ફરતે મેટાલેઝીલ જેવી દવાનો વાવણી બાદ 30 અને 45 દિવસે છંટકાવ કરાય છે અને રોગિષ્ઠ છોડના થડની ફરતે રેડવામાં આવે છે.
3. ભૂકી છારો : આ રોગ Leveillula taurica નામની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાનની ઉપર કે નીચેની બાજુએ ફૂગનું આક્રમણ થતાં પીળાં ધાબાં પડે છે. ફૂગની વૃદ્ધિ થતાં પાન પર સફેદ ફૂગ આચ્છાદિત થયેલી હોય છે જેથી પાનના કોષોનું મૃત્યુ થતાં પાન સુકાઈ જાય છે અને વહેલાં ખરી પડે છે. તે પાક-ઉત્પાદન પર ખરાબ અસર કરે છે.
રોગ જણાય કે તરત જ થાયોફેનેટ મિથાઇલ 15 ગ્રા. અથવા કાલીક્સીન 5 મિલી./10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરાય છે.
4. મૂળનો કોહવારો : આ રોગ માઇકોફોમિના નામની જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગની શરૂઆતમાં પાન પીળાં થઈ નમી પડે છે અને બેથી ત્રણ દિવસમાં ખરી પડે છે, જેથી છોડ એકાદ અઠવાડિયામાં સુકાઈ જાય છે. મૂળ અને તેની છાલના કોષો કોહવાઈ જવાથી છોડને સહેલાઈથી ઉખાડી કે જમીનમાંથી ખેંચી શકાય છે. આવા છોડનાં મૂળની છાલ કોહવાવાથી સહેલાઈથી અલગ થઈ જાય છે અને મૂળનો કઠણ ભાગ કથ્થાઈ રંગનો થઈ જાય છે. થડ ઉપર ઘણી વાર કાળા ડાઘા જોવા મળે છે. પિયતના કારણે અથવા પાછળના વરસાદના કારણે ઘણી વાર આ રોગ વધુ જોવા મળે છે.
નિયંત્રણ : (1) રોગિષ્ઠ છોડના અવશેષોનો બાળીને નાશ કરવો, (2) પિયત નિયમિત આપવું અને પાણીનિતારની વ્યવસ્થા રાખવી, (3) પાકની ફેરબદલી કરવી, (4) બિયારણને કૅપ્ટાન કે થાયરમ અથવા કાર્બનડાયઝીમનો પટ આપીને વાવણી કરવી.
5. વંધ્યત્વનો રોગ : તુવેરનો આ રોગ વિષાણુજન્ય છે. આ વિષાણુનો ફેલાવો પાનકથીરી(ઇરીયોફાઇમાઇટ)થી થાય છે. રોગિષ્ઠ છોડ ઠીંગણો રહે છે. આવા છોડનાં પાન નાનાં, સાંકડાં અને લાંબાં થઈ જાય છે. સમગ્ર પાન ઝાંખા લીલાં કે પીળા લીલા રંગનું દેખાય છે. આખા છોડનાં પાન પીળાં પડી જાય છે. આવા છોડ પર સામાન્ય કરતાં પાનની સંખ્યા વધુ અને ડાળીની લંબાઈ ઓછી થઈ જાય છે. આ રોગ ફૂલ આવતાં પહેલાં અથવા ફૂલ આવે ત્યારે જ જોવા મળે છે. રોગિષ્ઠ છોડ પર ફૂલ બેસતાં નથી. ફક્ત વાનસ્પતિક વૃદ્ધિ જ થાય છે. ફૂલ આવ્યા પછી રોગ આવે તો અમુક ડાળીઓમાં જ શિંગો બેસે છે. શિંગો બેસે તો નાની બેસે છે અને દાણા અપરિપક્વ બેસે છે.
નિયંત્રણ : (1) રોગ જણાય કે તરત જ રોગિષ્ઠ છોડ ઉખાડી નાશ કરવામાં આવે છે. (2) આ રોગનો ફેલાવો પાનકથીરીથી થાય છે તેથી કથીરીનાશક શોષક પ્રકારની દવા જેવી કે કેલથેન કે ડાયમિથોએટ અથવા મિથાઇલ-ઓ-ડીમેટોનનો છંટકાવ કરાય છે. (3) ખેતર કે શેઢાપાળા પર નામનિશાન રહેવા દેવાતાં નથી, (4) રોગપ્રતિકારક જાતોની વાવણી કરાય છે.
6. પીળિયો પચ રંગિયો : આ રોગ વિષાણુથી થાય છે. અને આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.
રોગિષ્ઠ પાન ઉપર ચળકતાં લીલાંપીળાં ધાબાં થઈ જાય છે અને વચ્ચેનો ભાગ સહેજ ઉપસેલો દેખાય છે. રોગ વ્યાપક પ્રમાણમાં હોય તો પાન કદમાં નાનાં થઈ જાય છે અને આખો છોડ પીળો પડી જવાથી ખેતરમાં જુદો જણાઈ આવે છે.
વંધ્યત્વરોગ માટે લીધેલ પગલાં આ રોગને પણ કાબૂમાં રાખે છે.
7. પાનનાં ટપકાં : આ રોગ Xanthomonas cajani પ્રકારના જીવાણુથી થાય છે અને રોગને લીધે 10થી 15 ટકા ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
રોગની શરૂઆતમાં પાનની કિનારીથી અથવા પાનની નસના ખૂણામાંથી કાળાં ભૂખરાં પાણીપોચાં ટપકાં થાય છે, જેથી કિનારી પર ટપકાં વિકાસ પામતાં પાન કિનારીએથી સુકાઈ જાય છે. આ ટપકાં સામાન્ય રીતે પાન ઉપર જ થાય છે, પરંતુ ક્યારેક ડાળી પર પણ કાળાં બેઠેલાં ટપકાં મળે છે.
નિયંત્રણ : (1) રોગ બીજજન્ય હોવાથી બીજને સ્ટ્રૅપ્ટોસાયક્લીન (0.025 %) અથવા એમીસાન (0.05 %)ના દ્રાવણમાં 10થી 15 મિનિટ બોળી છાંયડામાં સૂકવી વાવણી કરાય છે. (2) રોગ જણાય કે તરત જ સ્ટ્રૅપ્ટોસાયક્લીન (10 લિટર પાણીમાં 1 ગ્રામ) દવાનો છંટકાવ 10 દિવસના આંતરે ત્રણ વખત કરવામાં આવે છે.
લણણી અને ઉત્પાદન : તુવેરની વહેલી જાતોની લણણી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અને મોડી જાતોની લણણી માર્ચ-એપ્રિલમાં કરવામાં આવે છે. તેની સૂકી શિંગો એકબે વખત વીણી તેમને વધારે સૂકવવા માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે અથવા શુષ્કક (drier) વડે સૂકવવામાં આવે છે. શિંગો પાકે ત્યારે જમીનથી 7.5-23.0 સેમી. ઊંચેથી આખા છોડની કાપણી કરવામાં આવે છે. ત્યાર બાદ છોડને સૂકવી ઝૂડીને દાણા છૂટા પાડવામાં આવે છે.
તુવેરના ઉત્પાદનનો આધાર તે મિશ્ર પાક કે શુદ્ધ પાક તરીકે ઉગાડવામાં આવેલ છે – તેના ઉપર રહેલો છે. મિશ્ર પાકના પ્રકાર અને જમીન તથા આબોહવાને અનુલક્ષીને તેનું ઉત્પાદન 220 કિગ્રા/હે.થી માંડી 900 કિગ્રા/હે. જેટલું થાય છે. સંશોધિત (improved) તકનીકી સહિત શુદ્ધ પાકનું ઉત્પાદન 2000–2500 કિગ્રા/હે. દાણાનું અને 5000–6000 કિગ્રા/હે. સાંઠાઓનું થાય છે.
રાસાયણિક બંધારણ : લાલ તુવેરની દાળનું એક રાસાયણિક પૃથક્કરણ આ પ્રમાણે છે : પાણી 13.4 %, પ્રોટીન 22.3 %, લિપિડ 1.7 %, રેસા 1.5 %, કાર્બોદિતો 57.6 %, અને ખનિજ ક્ષારો 3.5 %, ઑક્સેલિક ઍસિડ 9.0 મિગ્રા, કોલિન 183.0 મિગ્રા., થાયેમીન 0.45 મિગ્રા. રાઇબોફ્લેવિન 0.19 મિગ્રા, નાયસિન 2.9 મિગ્રા. અને ટોકોફેરૉલ 0.60-0.70 મિગ્રા/100 ગ્રા.; કૅરોટિન 132.0 મિગ્રા. કુલ ફૉલિક ઍસિડ (મુક્ત 19.0 મિગ્રા.) 103 માઇક્રોગ્રા./100 ગ્રા.; અને ઊર્જા 335 કિ.કૅલરી/100 ગ્રા. તે વિટામિન ‘બી6’નો સારો સ્રોત છે (0.54 મિગ્રા/100 ગ્રા.) તેમાં રહેલા ખનીજ ક્ષારોનું બંધારણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 73 મિગ્રા., ફૉસ્ફરસ 304 મિગ્રા (ફાઇટિન P 170 મિગ્રા.), લોહ 5.8 મિગ્રા, તાંબું 1.25 મિગ્રા. મૅગ્નેશિયમ 133 મિગ્રા., સોડિયમ 28.5 મિગ્રા., પોટૅશિયમ 1104.0 મિગ્રા., સલ્ફર 177.0 મિગ્રા. અને ક્લોરિન 5.0 મિગ્રા./100 ગ્રા., દાળમાં મૅંગેનીઝ 7.75 માઇક્રોગ્રા., ક્રોમિયમ 0.11 માઇક્રોગ્રા., ઝિંક 23 માઇક્રોગ્રા. અને મોલિબ્ડેનમ 2.83 માઇક્રોગ્રા./ગ્રા. હોય છે.
શિંગ અને દાણામાંથી મળતા પશુઓના ખાણ તરીકે ઉપયોગી ભૂસામાં અશુદ્ધ પ્રોટીન 7.04 %, ચરબી (ઈથરનિષ્કર્ષ) 0.40 %, કાર્બોદિતો 42.79 % અને ખનિજ પદાર્થ 5.76 % હોય છે.
લાલ તુવેર ખાવાથી વાયુ થાય છે. આ વાયુ થવાનું કારણ વર્બેસ્કોઝ, સ્ટેચીઓઝ, રેફિનોઝ જેવી ઑલિગોસૅકેરાઇડની હાજરી છે. વર્બેકોઝ સક્રિય પરિબળ છે, જેથી વાયુ થાય છે.
ઉપયોગ : તેનો મુખ્યત્વે ખાદ્ય કઠોળ તરીકે ઉપયોગ થાય છે. અમેરિકામાં લીલા પડવાશ માટે જમીનનું ધોવાણ અટકાવવા, હવાઈમાં લીલા ચારા માટે અને ભારતમાં લીલાં શાકભાજી માટે તથા દાળ માટે ઉગાડવામાં આવે છે. લીલા દાણા કચોરી અને પરોઠા બનાવવામાં વપરાય છે. દાણા છૂટા પાડ્યા પછી સાંઠીનો ઉપયોગ બળતણ તરીકે અને સાવરણા, છાપરું કે દોરડાં બનાવવામાં થાય છે. માડાગાસ્કરમાં લીલા છોડ રેશમના કીડાના ઉછેર માટે કે કેટલીક જગાએ લાખના કીટકો ઉછેરવા માટે ઉપયોગમાં લેવાય છે.
કાચા દાણા વધારે પ્રમાણમાં ખાતાં સ્વાપક (soporific) અસર થાય છે. લીલાં પર્ણો અને તેની ટોચોનો ઉપયોગ ચારા તરીકે થાય છે.
આયુર્વેદ અનુસાર, તુવેરની બે જાત છે : રાતી અને સફેદ. આ કઠોળ ચણાથી અર્ધું પૌષ્ટિક હોય છે. તુવેર મધુર, વાતુલ, તૂરી, ગુરુ, રુચિકર, ગ્રાહક, રુક્ષ, વર્ણકર, તથા શીતળ હોય છે. તે કફ, પિત્તજવર, વિષ, રક્તદોષ, ગુલ્મ, વાયુ તથા અર્શનો નાશ થાય છે. તેનું ઘીમાં સેવન કરવાથી વાયુનો તથા ત્રિદોષનો; લેપનથી કફ-પિત્તનો અને રેચનથી કફ અને મેદનો નાશ કરે છે. તુવેરની દાળ પથ્યકર તથા કોઈક વાર વાતુલ હોય છે. તે કૃમિ અને ત્રિદોષનો નાશ કરે છે. સફેદ તુવેર ગુરુ હોય છે અને વાયુ, પિત્ત, અમ્લપિત્ત અને આધ્માન કરનારી છે. તે ગ્રાહક અને પથ્યકર છે. રાતી તુવેર રુચિકર, બલકર, પથ્ય અને જ્વરનાશક હોય છે અને પિત્ત, સંતાપાદિ રોગોનો નાશ કરે છે.
તેના ઉપયોગ ખસ, નાડીવ્રણ, દંતરોગ, ભ્રમ અને મૂર્છા, આધાશીશી, મુખપાક, રક્તપિત્ત અને સર્પવિષ પર થાય છે.
વિજયસિંહ છત્રસિંહ રાજ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
બળદેવભાઈ પટેલ