તુવરક : દ્વિદળી વર્ગમાં આવેલા ફલેકોર્શિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hydnocarpus laurifolia (Dennst.) Sleumer syn. H. wightiana Blume. (સં. તુવરક; હિં. ચોલમુગરા; મ. કડુ-કવટા, કટુ-કવથ; અં. જંગલી આમંડ) છે. આ જ કુળની બીજી એક જાતિ Gynocardia odorata R. Br.ને પણ તુવરક તરીકે ઓળખવામાં આવે છે.
તે ભારતમાં પશ્ચિમઘાટ, કોંકણ, મલબાર અને ત્રાવણકોરનાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં પાણીની નજીક અત્યંત ભેજવાળી જમીનમાં થાય છે. પહાડી પ્રદેશોમાં રસ્તાની બાજુએ પણ ઘણી વાર તેને ઉગાડવામાં આવે છે.
તે દ્વિગૃહી (dioecious) સદાહરિત, 15 મી. કે તેથી વધારે ઊંચું વૃક્ષ છે. તે ખાંચોવાળું પ્રકાંડ ધરાવે છે. છાલ બદામી રંગની અને ખરબચડી હોય છે. પર્ણો લંબચોરસ, અંડાકાર અથવા ઉપવલયી (elliptic), 10-25 સેમી. લાંબાં અને વધતે ઓછે અંશે દંતુર (serrate) હોય છે. પુષ્પો એકલ અથવા ગુચ્છમાં હોય છે અને તેઓ નાનાં તથા લીલાશ પડતાં સફેદ હોય છે. ફળ ગોળાકાર, 20.5-5.0 સેમી. વ્યાસ ધરાવતાં, ઘન (tomentose), સ્તનાકાર (mammilate) હોય છે. બીજ 15-20, 2.0-2.5 સેમી. લાંબા (વજન, 1.0-1.4 ગ્રા./બીજ), ઉપઅંડાકાર (sub-ovoid) અને રેખિત હોય છે.
તુવરકનું પ્રસર્જન ફળમાંથી છૂટા પડ્યા બાદ તરત જ બીજ દ્વારા કરવામાં આવે છે. નૈસર્ગિક સ્થિતિમાં વર્ષાઋતુ દરમિયાન જમીન પર પડ્યા પછી તરત બીજ અંકુરણ પામે છે.
તેના બીજમાં 33.4 % સ્થાયી તેલ હોય છે. આ તેલમાં 48.7 % હિડનોકાર્પિક ઍસિડ, 27.0 % ચોલમુગ્રિક ઍસિડ, 12.2 % ગોર્લિક ઍસિડ 6.5 % ઑલિક ઍસિડ, 1.8 % પામટિક ઍસિડ અને 3.4 % ચોલમુગ્રીક ઍસિડના સમધર્મી (homologous) ઍસિડ હોય છે.
તુવરકનું તેલ પીળાશ પડતું અથવા બદામી પીળું કે તાજાં પાકાં ફળોમાંથી શીત નિષ્પીડન (cold expression) દ્વારા પ્રાપ્ત કરેલ તેલ આછા પીળા રંગનું હોય છે. તેની વાસ લાક્ષણિક હોય છે અને કેટલેક અંશે તીખો સ્વાદ ધરાવે છે.
તેના તેલનો મુખ્યત્વે કુષ્ઠરોગની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. અને આરંભિક કેસમાં તે અસરકારક હોય છે. તે ગાંઠનું કદ ઘટાડવા તથા અસંવેદી ક્ષેત્રે (anaesthetic patches) અને ત્વચાને થતી ઈજાઓમાં ઉપયોગી છે. જઠરીય ક્ષોભ (gastric irritation) અટકાવવા તે આંતરિક રીતે અપાય છે અને તેની માત્રા ક્રમશ: વધારવામાં આવે છે. અંત:સ્નાયુ (intramuscular) અંત:ક્ષેપણ (injection) વધારે સારું પરિણામ આપે છે. આયોડિનયુક્ત તુવરકનું તેલ ઓછું પીડાકારી હોય છે.
ઇથાઇલ હિડ્નોકાર્પેટ (અથવા તુવરકના તેલના ઇથાઇલ ઍસ્ટર) તેલનો ચિકિત્સીય ગુણધર્મ ધરાવે છે અને સામાન્યત: કુષ્ઠરોગનો ચિકિત્સામાં વપરાય છે. તુવરકના તેલ અને તેના વ્યુત્પન્નોના રોગહર (curative) મૂલ્યનું ચિકિત્સીય માનાંકન (evaluation) કેટલેક અંશે મુશ્કેલ છે. છતાં સંવર્ધન માધ્યમોમાં વિવિધ હિડ્નોકાર્પેટ અમ્લસ્થાયી (acid-fast) Mycobacterium lepraeની વૃદ્ધિ અટકાવવા ઉગ્ર પ્રતિક્રિયા દર્શાવે છે. તુવરકનું તેલ M.tuberculosis જેવા અન્ય બૅક્ટેરિયા સામે પણ સક્રિયતા દાખવે છે. તેલનાં વ્યુત્પન્નો વધારે સક્રિય હોય છે. ચોલમુગ્રિક એન હિડ્નોકાર્પિક ઍસિડના સોડિયમના ક્ષારો M. tuberculosis સામે 1:100,000 જેટલી અત્યંત અલ્પ સાંદ્રતાએ પણ જીવાણુનાશક હોવાનું નોંધાયું છે. જોકે તુવરકના તેલનું સ્થાન હવે પ્રોમિન, ડાયેસોન અને પ્રોમિઝૉલ જેવાં સલ્ફોન ઔષધોએ લઈ લીધું છે, જેમના કુષ્ઠરોગમાં આશાસ્પદ પરિણામો પ્રાપ્ત થયાં છે.
બીજમાંથી તેલના નિષ્પીડન પછી મળતા ખોળનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. આ ખોળના રાસાયણિક બંધારણમાં નાઇટ્રોજન (N) 6.88 % પોટાશ (K2O) 1.28 % અને ફૉસ્ફોરિક ઍસિડ (P2O5) 0.93 % હોય છે.
આયુર્વેદ અનુસાર તુવરકનું તેલ ગુણમાં લઘુ, તીક્ષ્ણ, સ્નિગ્ધ, કડવું, તીખું, તૂરું, ગરમ, કફ-વાત શામક, વધુ માત્રામાં વમનકારી, રેચક, રક્તસ્વચ્છકર્તા, વેદનાહર, દોષો ઉખેડનાર, વ્રણ શુદ્ધિ કરી તેને રૂઝવનાર તથા ખાસ કરીને કોઢ, સફેદ કોઢ, ચળ, આમવાત, વાતરક્ત (gout), નાડીશૂળ, મધુપ્રમેહ, કૃમિ વગેરે રોગો મટાડે છે. તેનો મત્સ્યવિષ તરીકે પણ ઉપયોગ થાય છે.
તેનું કાષ્ઠ સફેદ હોય છે. પરંતુ પછીથી તે ફૂગના રસદારૂ ડાઘ(sap-stain)ને કારણે બદામી-ભૂખરો રંગ ધારણ કરે છે અને રેખાઓવાળું બને છે. તાજું ખુલ્લુ થયેલું કાષ્ઠ ચમકદાર હોય છે. તે વજનમાં હલકું (વિ.ગુ. આશરે 0.54, વજન 560 કિગ્રા/મી3), સુરેખ-કણયુક્ત (straight-grained) સમ-અને સૂક્ષ્મ-ગઠનવાળું (even-and fine-textured) હોય છે. કાષ્ઠનું તિરાડ પડ્યા વિના સંશોષણ (seasoning) થાય છે; પરંતુ અપવર્ણતા (discolouration) અને વળી જવાની ક્રિયા થઈ શકે છે. તે માટે ક્લિન-શુષ્કન(klin-drying)નું સૂચન કરવામાં આવે છે. તે ટકાઉ હોતું નથી અને કીટકો તથા ફૂગનું આક્રમણ થઈ શકે છે. તેના પર કરવતકામ સરળતાથી થઈ શકે છે. તેનો ઉપયોગ પૅકિંગ કરવાનાં ખોખાં કે પેટીઓ બનાવવામાં અને બળતણમાં થાય છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ