તુતિકોરીન : ભારતના અગ્નિખૂણે કોરોમાંડલ કિનારાના તદ્દન છેડે આવેલું તમિળનાડુનું મુખ્ય બંદર. તે મનારના અખાતથી પશ્ચિમે 8° 47´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચેન્નાઈથી 650 કિમી., કોચીનથી 420 કિમી., તિરુવનંતપુરમથી 200 કિમી., મદુરાઈથી 160 કિમી., કોઇમ્બતુરથી 391 કિમી. અને બૅંગાલુરુથી 785 કિમી. દૂર છે. વસ્તી આશરે 5 લાખ (2011) છે. તેનો વિસ્તાર 353.7 ચોકિમી..
તે વિષુવવૃત્ત નજીક ઉષ્ણ કટિબંધમાં આવેલું હોવાથી ઉનાળાના અને શિયાળાના ત્યાંના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. ગુરુતમ દૈનિક સરાસરી તાપમાન 31° સે. અને લઘુતમ દૈનિક સરાસરી તાપમાન 26° સે. રહે છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં પણ આ કારણે તથા સમુદ્રના સામીપ્યને કારણે ઓછો તફાવત રહે છે. તુતિકોરીન વરસાદની છાયાવાળા પ્રદેશમાં આવેલ છે; તેથી શિયાળા અને ઉનાળામાં ઈશાની અને નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે 400-500 મિમી. જેટલો ઓછો વરસાદ પડે છે, પણ સિંચાઈને કારણે ડાંગર, તેલીબિયાં અને તમાકુનો વિપુલ પાક લેવાય છે. દરિયાકિનારે નાળિયેરી અને તાડનાં વૃક્ષો જોવા મળે છે. અહીં મીઠું તથા હાથસાળના કાપડના ઉત્પાદનનો વ્યવસાય જૂનો છે. અહીંનું સધર્ન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશનનું ખાતરનું કારખાનું સમગ્ર અગ્નિએશિયામાં સૌથી મોટું છે. હેવી વૉટરનું કારખાનું, કેમિકલ્સ વર્કસ, તુતિકોરીન આલ્કલી કેમિકલ્સ અને ખાતર સંકુલ, સિમેન્ટનાં કારખાનાં વગેરે આ બંદરના પીઠપ્રદેશમાં છે. આ ઉપરાંત અહીં તેલની મિલો, સાબુ, રસાયણનાં કારખાનાં અને સૂતરની મિલ આવેલાં છે.
તે બ્રૉડગેજ રેલવેનું ટર્મિનસ છે. મનિયાચી દ્વારા તે સાઉથ ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલું છે. ભૂમિમાર્ગ દ્વારા તે તિરુનેલવેલી અને અત્તીપુરમ્ સાથે અને તિરુચેન્દુર દ્વારા ચેન્નાઈ સાથે જોડાયેલું છે. ત્યાંથી મદુરાઈ અને ચેન્નાઈનાં વિમાની મથકો અનુક્રમે 128 અને 192 કિમી. દૂર છે. તેના બારાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ કુદરતી બંદરનો સમુદ્ર બારે માસ શાંત રહે છે. બંદરનું લંગર સ્થાન 8થી 9.6 કિમી. દૂર છે. આ બંદરનું બારું રેતી અને કાંપના ભરાવાથી લગભગ મુક્ત છે.
ત્યાં કોલસા, યંત્રો, ઘઉં, ચોખા, ઇમારતી લાકડું, ખાતર, પ્રવાહી એમોનિયા, ખાતરનો કાચો માલ, પેટ્રોલિયમ પેદાશો વગેરેની આયાત થાય છે; જ્યારે મીઠું, સૂતર, સૂકી મચ્છી, સિમેન્ટ, ઇલ્મેનાઇટ, ચિરોડી, ખાંડ, કાજુ, મસાલા, કૉફી, ચા, ખાતર, ગોળ, ખાંડ, ચોખા અને ઘઉંની ત્યાંથી નિકાસ થાય છે. 1974 પૂર્વે આ બંદર મધ્યમ કક્ષાનું હતું. 1974માં તે દસમું મોટું બંદર બન્યું હતું. દૂર પૂર્વના દેશો અને શ્રીલંકા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા વગેરે સાથે મુખ્યત્વે તેનો વેપાર છે. મચ્છીમારી પણ ત્યાં વિકસતી જાય છે. પ્રાચીન કાળથી અહીં થોડા પ્રમાણમાં મોતી નીકળે છે. અહીં મદુરાઈ કામરાજ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે.
તુતિકોરીનનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈ. સ. 123નો ટૉલેમીનો સોસીકોરાઈ તરીકેનો છે. સાતમીથી નવમી સદી દરમિયાન તે પાંડ્ય રાજ્ય નીચે અને દસમીથી બારમી સદી દરમિયાન ચૌલ વંશની સત્તા નીચે હતું. કોરકાઈ અને કાયાક બંદરો કાંપથી પુરાઈ જતાં ઈ. સ. 1400 આસપાસ તુતિકોરીનનો ઉદય થયો હતો. 1532માં પોર્ટુગીઝોએ તે જીતી લીધું હતું અને તે તેમનું આબાદ સંસ્થાન હતું. 1649માં ડચોએ પોર્ટુગીઝોને હરાવીને તે જીતી લીધું હતું અને તેમણે અહીં દીવાદાંડી બાંધી હતી. 1825માં ડચો અને અંગ્રેજો વચ્ચે લાંબા સંઘર્ષ બાદ તે ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તક આવ્યું હતું. ચેન્નાઈના વિકાસને કારણે તુતિકોરીનની આબાદી ઘટી હતી. ઔદ્યોગિક વિકાસની સાથે તુતિકોરીન ફરી આબાદ થયું છે.
શિવપ્રસાદ રાજગોર