તુકારામ અથવા સંત તુકારામ

January, 2014

તુકારામ અથવા સંત તુકારામ : એ નામનાં આઠેક ચલચિત્રો—મુખ્યત્વે હિન્દી ભાષામાં. પહેલું ચિત્ર મૂક ચિત્રોના યુગમાં કલાનિધિ પિક્ચર્સ નામની સંસ્થાએ ઉતાર્યું. તેના વિશે વધારે વિગતો મળતી નથી. 1931માં ‘આલમ આરા’ સાથે બોલપટોનો યુગ બેઠો. પણ, હજુ મોટાભાગનાં ચલચિત્રો મૂક જ હતાં. તેમાં, આ જ વર્ષમાં હિન્દવિજય ફિલ્મ્સ નામની સંસ્થાએ ‘જય વિઠ્ઠલ અથવા સંત તુકારામ’ નામે મૂગું ચિત્ર ઉતાર્યું. 1932માં બોલપટ ‘જય હરિ વિઠ્ઠલ અથવા સંત તુકારામ’ આવ્યું. બાલાજીરાવ રાણે નામના નિર્માતાએ તે મરાઠી ભાષામાં ઉતાર્યું. એ જ વર્ષે એ જ ભાષામાં ક. બ. આઠવલેએ પણ ‘સંત તુકારામ’ બોલપટ પ્રસ્તુત કર્યું. 1936માં, વિ.ગો. દામલે (1892–1945) તથા શેખ ફત્તેલાલે (1897–1964) મરાઠીમાં ઉતારેલા ‘સંત તુકારામ’ને લોકો તરફથી સુંદર આવકાર મળ્યો. 131 મિનિટના ચિત્રમાં વિષ્ણુ પંત પાગનીસે (1892–1943) ભજવેલી ભૂમિકા બહુ લોકપ્રિય થઈ. સહાયકોમાં ગૌરી, ભાગવત, નાંદ્રેકર, શંકર કુલકર્ણી, કુસુમ ભાગવત, શાંતા મજુમદાર, માસ્ટર છોટુ તથા પંડિત દામલે હતાં. દિગ્દર્શક વિષ્ણુપંત ગોવિંદ દામલેએ પ્રભાત પિક્ચર્સના નેજા હેઠળ શિવરામ વશીકરની કથાને સુંદર ન્યાય આપ્યો. શાંતારામ આઠવલેનાં ગીતો કેશવરાવ ભોલેના સંગીતમાં ઘેર ઘેર ગુંજતાં થયાં. તેની ધૂન ‘પાંડુરંગ હરિ’ બહુ લોકપ્રિય થઈ. પછી તે ચિત્ર હિન્દીમાં પણ પ્રસ્તુત કરાયું. આ ચલચિત્ર આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવમાં ભારત વતી મોકલવામાં આવેલ સર્વપ્રથમ ચલચિત્ર હતું. તુકારામ સત્તરમી સદીમાં મહારાષ્ટ્રમાં વિઠોબાના મહાન ભક્ત થયા. તેમણે ભક્તિમાંથી દંભ દૂર કર્યો. લોકોની ભાષામાં, ગાઈ  શકાય તેવાં, સરળ ભક્તિગીતો રચીને તેમણે ટૂંકા સમયમાં લોકોના હૈયામાં સ્થાન મેળવી લીધું. આ પ્રકારનાં ચિત્રોમાં ચમત્કારનાં ર્દશ્યો મહત્વનું સ્થાન ભોગવતાં. પત્ની જિજાઈના પાત્રમાં ગૌરીએ પ્રશંસાપાત્ર અભિનય આપ્યો. તેને માટે આ પ્રથમ મહત્વનો પાઠ હતો. 1963માં સુંદરરાવ નાડકર્ણીએ કન્નડ ભાષામાં ‘સંત તુકારામ’ ઉતાર્યું. 1965માં રાજેશ નંદાએ હિંદીમાં નવું ‘સંત તુકારામ’ ઉતાર્યું. પાગનીસનું 1943માં અવસાન થયું; પણ શાહુ મોડક (1918–93) તુકારામના પાત્રને તાર્દશ કરી શક્યા. આમ પાછળનાં ચિત્રાંકનો પણ પ્રેક્ષણીય બન્યાં (જુઓ : પાગનીસ, વિષ્ણુપંત).

બંસીધર શુક્લ