તુંગુસ્કા ઘટના (Tunguska event) : 1908ના જૂન મહિનાની 30મી તારીખે સવારે લગભગ 7-40 વાગ્યે (સ્થાનિક સમય) હવામાં થયેલા પ્રચંડ વિસ્ફોટને લીધે રશિયાના મધ્ય સાઈબીરિયા (60° 55´ ઉત્તર, 101° 57´ પૂર્વ)માં પોડકામેન્નાયા તુંગુસ્કા નદીની નજીકનાં આશરે 2,000 ચોકિમી. વિસ્તારમાં ચીડ વૃક્ષોનું વન જમીનદોસ્ત થઈ ગયું તે ઘટના. આ વિસ્ફોટની શક્તિ લગભગ 10થી 15 મેગાટનના ટી.એન.ટી. જેટલી હતી. જુદા જુદા પ્રકારના અનિશ્ચિત પુરાવાને આધારે એમ માનવામાં આવે છે કે કદાચ કોઈ ધૂમકેતુનો ટુકડો પૃથ્વી સાથે અથડાવાથી આ વિસ્ફોટ થયો હશે. બરફ અને ધૂળનો બનેલો આવો પદાર્થ પૃથ્વીની સપાટીથી ઘણી ઊંચાઈ પર વાતાવરણમાં ભાંગી જવાથી અગ્નિગોળો (fireball) અને વિસ્ફોટ-તરંગ (blastwave) ઉત્પન્ન થાય છે. પરંતુ જમીન ઉપર ખાડો કે ગર્ત (crater) નથી બનતો. આ ઘટના વિશે એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે એ પદાર્થ કલાકના એક લાખ કિમી.ના વેગથી અથડાયો હશે તથા તેનું વજન એક લાખથી દસ લાખ ટન કે એથી પણ વધારે હશે.
1927થી 1930 દરમિયાન રશિયાના વિજ્ઞાની લિયોનિડ ઍલેકસેવિચ કુલિક(1883–1942)ની આગેવાની નીચે કરવામાં આવેલા પ્રવાસો દરમિયાન વિસ્ફોટની એ એકાંત જગાની પહેલી વખત શોધ-તપાસ કરવામાં આવી હતી. તેના જોવામાં આવ્યું હતું કે એ સ્થળના કેન્દ્રની આજુબાજુ 15થી 30 કિમી.ના વિસ્તારમાં ચિરાઈ ગયેલાં વૃક્ષો ત્રિજ્યાની દિશામાં નીચે પડેલાં હતાં; બધું જ બળીને નાશ પામ્યું હતું અને બે દસકા પછી પણ ત્યાં ખાસ કાંઈ ઊગતું નહોતું. આ સ્થળનું કેન્દ્ર સહેલાઈથી જોઈ શકાતું હતું કારણ કે બધાં જ વૃક્ષો કેન્દ્રથી દૂરની દિશામાં નીચે પડેલાં હતાં, પરંતુ કેન્દ્રમાં કોઈ ગર્ત નહોતો, ફક્ત ઘાસવાળું કળણ હતું. આ ઘટના દૂરથી નજરે જોનારાએ ક્ષિતિજને અજવાળતા અગ્નિગોળા વિશે તથા ત્યારબાદ ધરતીકંપ વખતે થતી જમીનની ધ્રુજારી અને માણસો અને મકાનોને જમીનદોસ્ત કરી નાખે તેવા જોરદાર પવન અંગે વાતો કરી હતી. (આ જ સમયે પશ્ચિમ યુરોપમાં આ વિસ્ફોટને કારણે ભૂકંપમાપક (seismograph) ઉપર ધરતીકંપના આંચકા નોંધાયા હતા.) સૌપ્રથમ આ વિસ્ફોટ 800 કિમી. દૂરથી દેખાયો હતો અને એ (જે કાંઈ પણ હોય) પદાર્થનું હવામાં જ બાષ્પીભવન થઈ ગયું હોવાથી એનો વાયુ વાતાવરણમાં ફેલાઈ ગયો હતો. જેને લીધે એ ઘટના પછી થોડા સમય સુધી યુરોપ અને સાઈબીરિયા ઉપરનું રાત્રિ-આકાશ અસાધારણ રીતે તેજસ્વી દેખાતું હતું.
પરંતપ પાઠક