તિરુવાચગમ્ (નવમી સદી) : તમિળ કાવ્ય. મધ્યકાલીન તમિળ કવિ માણિક્કવાચગરની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો સંગ્રહ. ‘તિરુવાચગમ્’ શબ્દમાં ‘તિરુ’ એટલે પવિત્ર અને ‘વાચગમ્’ એટલે વચનો; એટલે ‘પવિત્ર વચનોનો સંગ્રહ’. એમાંનાં પદોમાં કવિએ આત્મા અને પરમાત્માની એકતા શી રીતે સધાય, એમાં કઈ કઈ અવસ્થામાંથી પસાર થવું પડે અને બ્રહ્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધીની જુદી જુદી ભૂમિકાઓ, આત્માનું પરમાત્મામાં વિલીન થવું – એ બધાંનું વિસ્તારથી અને વિશદ રીતે નિરૂપણ કર્યું છે. કાવ્ય 51 અધ્યાયમાં વહેંચાયેલું છે. પ્રથમ ચાર અધ્યાયમાં કવિએ પોતાના ઇષ્ટદેવ તિરુપેરુતુરૈમાં રહેલા શિવજીનું દિવ્ય સ્વરૂપ; શિવજીની કૃપાળુતા, વ્યાપકતા, ભક્તવાત્સલ્ય ઇત્યાદિનું વર્ણન કર્યું છે. પછીના 47 અધ્યાયમાં શિવ પ્રત્યેનાં ભક્તનાં પ્રેમ, આત્મસમર્પણ, તલસાટ તથા વિયોગવેદના અને ભક્તિનો મહિમા, શિવજીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો, પ્રભુમય બનેલા આત્માની સ્થિતિ, જીવન્મુક્તની સ્થિતિ, શિવજી દ્વારા થતી ભક્તની કારમી કસોટી અને એવી કસોટીમાંથી પાર ઊતરતાં પ્રભુમય બનેલા આત્માનું આનંદમય રૂપ ઇત્યાદિનું નિરૂપણ આસ્વાદ્ય રીતે કર્યું છે. કાવ્યમાં દાર્શનિકતા તથા ભાવુકતાનો સુભગ સમન્વય થયો છે. કેટલેક સ્થળે એમના દર્શનમાં ગીતાનો સ્પષ્ટ પ્રભાવ વર્તાય છે. એમાંનાં પદો સુગેય છે. આજે પણ તે શિવમંદિરોમાં ગવાય છે અને એમનાં પદોનો એવો પ્રભાવ છે કે તમિળમાં એવી કહેવત પ્રચલિત થઈ છે કે “‘તિરુવાચગમ્’ની કવિતાથી જે પ્રભાવિત ન થાય તે બીજા કશાથી પ્રભાવિત ન થાય.” તમિળની ભક્તિકવિતામાં ‘તિરુવાચગમ્’નાં પદોનું સ્થાન ઘણું ઊંચું છે.
ચન્દ્રકાન્ત મહેતા