તિરુચિરાપલ્લી : ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે 4511 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે, જેથી તેના મોટાભાગને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ડાંગરના ઉત્પાદનમાં આ જિલ્લો રાજ્યમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અહીં શેરડી, સોપારી, મરી અને બીજા પાકો થાય છે.
આ જિલ્લામાંથી અગ્નિજિત માટી (fireclay), ચિરોડી (gypsum), ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ, ચૂનાખડકો વગેરે ખનિજો પ્રાપ્ત થાય છે. જિલ્લામાં અનેક કુટિર-ઉદ્યોગો છે. આ ઉપરાંત ખાદ્યપેદાશો, રસાયણો અને દવાઓ, વિદ્યુત-યંત્રસામગ્રી, ધાતુકીય અને બિનધાતુકીય પેદાશો, કાપડ તેમજ વાહનવ્યવહારનાં ઉપકરણો વગેરેને લગતા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. જિલ્લાની વસ્તી 27,13,858 (2011) જેટલી છે.
તિરુચિરાપલ્લી નગરનું ભૌગોલિક સ્થાન આશરે 10° 45´ ઉ. અ. તથા 78° 45´ પૂ. રે. પર કાવેરી નદીના કાંઠે તેના મુખત્રિકોણ-પ્રદેશની પડખે લગભગ 150 મી.ની ઊંચાઈનાં મેદાનોમાં આવેલું છે. આ શહેરનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 33.7° સે. અને 24° 0 સે. હોય છે, જ્યારે તેના વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 1840 મિમી. જેટલું છે.
વાસ્તુશિલ્પની દૃષ્ટિએ પણ આ કિલ્લો મહત્ત્વપૂર્ણ છે. કિલ્લા પર જવા માટે પથ્થરોને કાપીને સીડીઓ બનાવવામાં આવી છે. આ કિલ્લામાં વિશાળ ચોગાન, સ્તંભોવાળો હૉલ, માતૃભૂતેશ્વર (મહાદેવ) તથા શ્રીગણેશજીનાં મંદિરો, કુંડ વગેરે આવેલાં છે. આ સિવાય આ ટેકરી પર પલ્લવકાળનાં અનેક ગુફામંદિરો છે, જે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ પ્રખ્યાત છે.

ઉચ્ચ ટેકરી પર કિલ્લો અને મંદિર, તિરુચિરાપલ્લી
ઔદ્યોગિક દૃષ્ટિએ આ નગર પ્રગતિશીલ છે. અહીં વિવિધ પ્રકારના કુટિર-ઉદ્યોગો છે, જે પૈકી પરંપરાગત સુતરાઉ કાપડવણાટનો તથા સિગારેટ બનાવવાનો ઉદ્યોગ મુખ્ય છે. આ સિવાય તે રસાયણો અને દવાઓ, ખાદ્યપેદાશો, ધાતુપેદાશો, વાહનવ્યવહારનાં ઉપકરણો, અત્યાધુનિક વિદ્યુત યંત્રસામગ્રી અને તાપ-ભઠ્ઠી(thermal boiler)ને લગતા ઉદ્યોગો તેમજ રેલ-એન્જિનો બનાવવાની કાર્યશાળા ધરાવે છે.
આ નગર રેલમાર્ગોનું મોટું મથક છે. ચેન્નાઈ તથા મદુરાઈ સાથે તે ધોરી માર્ગ તથા રેલમાર્ગથી સંકળાયેલું છે. વળી તે હવાઈમથક પણ ધરાવે છે. જિલ્લાના વહીવટી મથક ઉપરાંત તે વેપાર-વાણિજય, શૈક્ષણિક અને ધાર્મિક દૃષ્ટિએ આગળ પડતું કેન્દ્ર રહ્યું છે. તે મદ્રાસ યુનિવર્સિટીને સંલગ્ન આઠ જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ધરાવે છે.
આ નગર સાતમીથી સત્તરમી સદી દરમિયાન ચોલ, પલ્લવ અને વિજયનગરના રાજાઓના સમયમાં પ્રાદેશિક પાટનગર હતું. તે પછીના સમયમાં પણ તે રાજકીય હિલચાલોથી સક્રિય રહ્યું છે. આ નગરમાં કાવેરી નદીના તટ પરથી લગભગ 90મી. ઊંચાઈની પહાડી ટેકરી પરનો કિલ્લો સત્તરમીથી ઓગણીસમી સદી દરમિયાન મુસ્લિમ, મરાઠા, બ્રિટિશ અને ફ્રેંચ લશ્કરી ટુકડીઓ વચ્ચે થયેલાં યુદ્ધોનો સાક્ષી છે. પાટનગરની વસ્તી 9,16,857, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 10,22,518 (2011).
બીજલ પરમાર